Abtak Media Google News

વિપક્ષી નેતા તરીકે પરેશ ધાનાણી વિધાનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાત વિધાનસભામાં સૌરાષ્ટ્રનો દબદબો ચરમાસીમાએ પહોંચી ગયો છે. હાલ ગુજરાતના મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના છે. મોટાભાગના કેબિનેટ મંત્રીઓ સૌરાષ્ટ્રના છે. તદઉપરાંત હવે વિરોધ પક્ષના નેતા તરીકે પણ સૌરાષ્ટ્રના આગેવાન પરેશ ધાનાણીની જાહેરાત થઈ છે.

કોંગ્રેસે અતિ લાંબી ચર્ચા અને ગડમથલ બાદ અને વિપક્ષી નેતા તરીકે પરેશ ધાનાણીની જાહેરાત કરી દીધી છે. પરેશ ધાનાણી વિધાનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરશે. ૪૨ વર્ષના પરેશ ધાનાણી ત્રણ વખત ધારાસભ્યની જવાબદારી નિભાવી ચુકયા છે. ધાનાણી લેઉઆ પટેલ સમાજના કદાવર નેતા છે. ગોધરાકાંડ બાદ ભાજપની લોકચાહના હોવા છતાં તેઓ ચુંટાઈ આવ્યા હતા માટે તેમને જાયન્ટ કિલર પણ કહેવામાં આવે છે. ૨૦૦૭માં તેઓ ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી સામે હારી ગયા હતા પરંતુ ૨૦૧૨માં તેમણે સંઘાણીને હરાવી દીધા હતા. ૨૦૧૭માં તેમણે બાવકુ ઉધાડને પરાષ્ટ કર્યા હતા.

પરેશ ધાનાણી પાટીદાર સમાજમાંથી આવે છે ઉપરાંત તેઓ યુવા છે પરીણામે લોકોને વધુને વધુ આકર્ષવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ધાનાણી હાર્દિક પટેલનો પણ ટેકો ધરાવે છે. કોલેજકાળથી ધાનાણી કોંગ્રેસને સમર્પિત રહ્યા છે. તેઓ લડાયક અને તાર્કિક નેતા છે. અગાઉ ધાનાણીને ભાજપ સામે લડાયક વિરોધ કરવા સબબ સ્પીકરે સસ્પેન્ડ કર્યા હતા. તેમને નેશનલકક્ષાએ રાહુલ ગાંધી સાથે ચૂંટણી માટેની તૈયારી કરવાનો અનુભવ પણ છે.

કોંગ્રેસના કદાવર નેતાઓ જે સમયે હારી રહ્યા હતા ત્યારે તેમને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની તાકાત જાળવી રાખવા જીત મેળવી હતી. તેમણે સૌરાષ્ટ્રમાં તાકાત આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. કોંગ્રેસે જવાબદારી સોંપી હોવા મામલે તેમણે કહ્યું હતું કે, જે પગલા લેવાયા છે તેણે હું સ્વીકારું છું. ગુજરાતમાં જીજ્ઞેશ, હાર્દિક અને અલ્પેશ સહિતનો અવાજ એ લોકોનો અવાજ છે. તેમના ટેકેદારો અલગ-અલગ હોય શકે છે પરંતુ તેમના આંદોલન એક સમાન છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું પ્રથમ તો જીજ્ઞેશ, હાર્દિક અને અલ્પેશને અભિનંદન પાઠવું છું. જયારે તેમણે ગુજરાતમાં આંદોલન શરૂ કયુર્ંં ત્યારે ગુજરાતમાં લોકજુવાળ હતો. પાટીદાર આંદોલને અન્ય નાના સમાજને પણ પોતાનો હક માંગવા આગળ આવવા હિંમત આપી છે. હાર્દિકે ગરીબો અને ભવિષ્યની વાત કરી છે. અલ્પેશે દારૂ અને સમાજ પરના અત્યાચારોની વાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.