Abtak Media Google News

૧૦ વર્ષ પહેલા કૌભાંડના બીજ રોપાયા ત્યારે સત્તાધીશોને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે આ હોલ સેલ્ફીઝોન માટે કામ આવશે

ખંઢેર હોલમાં પ્રેમી પંખીડાઓના ડેરા-તંબુ: રજાના દિવસે અહીં થાય છે ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી

પૂર્વ કુલપતિ ડો.કમલેશ જોશીપુરાના સમયગાળામાં કોન્વોકેશન હોલનું કામ શરૂ થયું હતું: ૩ કુલપતિ બદલાઈ ગયા પરંતુ કામ ઠેરનું ઠેર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયદા ભવન પાસે ખંઢેર હાલતમાં રહેલું કોન્વોકેશન હોલ હવે ટિકટોક હોલ બન્યો છે . ૧૦ વર્ષ પહેલાં જ્યારે આ કૌભાંડના બીજ વવાયાં ત્યારે સત્તાધીશોને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે આ ખંઢેર હોલનો ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ઉપયોગ થશે. હાલ રજાનાં દિવસે આ ખંઢેર હોલમાં યુવાનોનો જમાવડો જોવા મળે છે સાથોસાથ વર્ષોથી આ જગ્યા વેરાન બની હોવાથી અહીં  પ્રેમી પંખીડાઓના ડેરા-તંબુ જામે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૦૮માં તાત્કાલિન કુલપતિ ડો.કમલેશ જોશીપુરના કાર્યકરમાં કોન્વોકેશન હોલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. હોલના નિર્માણ પાછળ રૂ.૧.૬૧ કરોડ વેડફી નાખવામાં આવ્યા અને ત્યારબાદ કામ બંધ કરી દેવામાં આવ્યું. તે વખતે કારણ એ અપાયું કે દાતાએ ૫૦% ગ્રાન્ટ જ આપતા કામ થઈ ના શક્યું ત્યાંરથી અત્યાર સુધી એટલે કે ૧૧ વર્ષમાં આ કોન્વોકેશન હોલ નું નિર્માણ ન થઈ શક્યું અને તેથી જ આ હોલ ખંઢેર બન્યો છે. જો કે યુવાનોએ આ હોલનો ટિકટોક વિડીઓ બનાવવા માટે ઉપયોગ કર્યો હોવાનું બાર આવ્યું છે.

રજાના દિવસે યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં કોન્વોકેશન હોલમાં આવી પહોંચે છે અને ત્યાં સેલ્ફી ઉપરાંત ટિકટોક વિડીયો પણ બનાવે છે. કેટલાક યુવાનોને તો એવી અનુભૂતિ થાય છે કે આ ખંઢેર કોન્વોકેશન હોલ હેરિટેજ સાઇટ સ્વરૂપ છે અને અહીં ટિકટોક વિડીયો બનાવાથી સોશ્યિલ મીડિયા પર ઘણી બધી લાઈકસ અને કમેન્ટસ મળે છે.

Img 20190918 Wa0014

કોન્વોકેશન હોલની બહાર યુવકો અને યુવતીઓ અલગ અલગ પોઝમાં વીડિયોગ્રાફિ કરી ટિકટોક ઉપરાંત ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, શેરચેટ, હેલો એપ અને યૂટ્યૂબમાં મૂકે છે. આ ઉપરાંત ત્યાં આવેલા પગથિયાં પાસે વિવિધ ડ્રેસકોડમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાં આવે છે. કોન્વોકેશન હોલ ખંઢેર બન્યો છે પરંતુ ટિકટોક રસિયાઓ આ ખંઢેર હોલનો બખૂબી ઉપયોગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોન્વોકેશન હોલ રાજકોટમાં વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન બન્યું છે. ઉલ્લેખનીય છે કે ખંઢેર કોન્વોકેશન હોલ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન.એફ.ડી.ડી હોલ પાસેનો રસ્તો તેમજ આંકડાશાસ્ત્ર ભવન પાસેનું ગાર્ડન, એન્ટ્રી ગેટ પાસેનું સર્કલ તેમજ યુનિવર્સિટીના ચારેય તળાવ પાસે મનાઈ હોવા છતાં વિડીયોગ્રાફી-ફોટોગ્રાફી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.