Abtak Media Google News

ચેનલોમાં શેરની ખોટી ટિપ્સ આપવાના વીડિયોને પ્રમોશનની સુવિધા આપી રોકાણકારોના ખિસ્સા હળવા કરાવ્યા

યુટ્યુબે આજા ફસાજા જેવી સ્કીમોથી ચપટીમાં કરોડો રૂપિયા ઉસેડાવી દીધા છે. તેને યુટ્યુબ ચેનલોમાં શેરની ખોટી ટિપ્સ આપવાના વીડિયોને પ્રમોશનની સુવિધા આપી રોકાણકારોના ખિસ્સા હળવા કરાવ્યા છે.

તાજેતરમાં, યુટ્યુબ પર પંપ અને ડમ્પ રેકેટનો ખુલાસો કરતી વખતે ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.  સેબીએ અભિનેતા અરશદ વારસી, તેની પત્ની મારિયા ગોરેટી અને સાધના બ્રોડકાસ્ટના પ્રમોટર્સને સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યા છે.  આ પ્રતિબંધ યુટ્યુબ ચેનલો પર ભ્રામક વીડિયો અપલોડ કરવાના મામલામાં લગાવવામાં આવ્યો છે.

આ સાથે સેબીએ  કેવી રીતે શેરની હેરફેરની આખી સિસ્ટમ ચાલે છે તેનો પર્દાફાશ કર્યો.  તેની વિસ્તૃત વિગતો જોઈએ તો સૌપ્રથમ, મેનીપ્યુલેટર સ્ટોક માર્કેટ સાથે સંબંધિત યુટ્યુબ અથવા ઇન્સ્ટાગ્રામ ચેનલ શરૂ કરે છે.  પછી આ ચેનલને પ્રમોટ કરવા માટે મોટી રકમ ખર્ચવામાં આવે છે.  તાજેતરના કિસ્સાઓમાં સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ અને શાર્પલાઈન બ્રોડકાસ્ટ લિમિટેડના શેરને પંપ અને ડમ્પ કરવા માટે કેટલાક લોકો દ્વારા મનીવાઈઝ, ધ એડવાઈઝર, મિડકેપ કૉલ્સ અને પ્રોફિટ મેકર જેવા નામોની ચેનલો શરૂ કરવામાં આવી હતી.  આ માટે બંને કંપનીઓ દ્વારા પ્રમોશન પાછળ 4.72 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

શાર્પલાઇનના કિસ્સામાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ કંપનીને અદાણી ગ્રૂપ દ્વારા ખરીદવામાં આવી રહી છે, ત્યારપછી મોટી સંખ્યામાં રોકાણકારોએ આ કંપનીના શેર ખરીદ્યા હતા અને શેરની કિંમતમાં વધારો થતાં જ કંપનીના શેરોનું વેચાણ ચાલુ થયું હતું.

શેરની ટિપ્સના નામે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ચાલે છે કારસ્તાન!

શેરમાં કુત્રિમ ભાવ વધારો લાવવા કંપનીઓ મથતી હોય છે આના માટે તે સોશિયલ મીડિયાનો સહારો લ્યે છે. જો કે આ દુષણ માત્ર યુટ્યૂબ પૂરતું જ સીમિત નથી. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના અનેક પ્લેટફોર્મનો પણ આમાં ઉપયોગ થાય છે. ઉપરાંત આવા ખોટી ટિપ્સના વીડિયો બનાવીને જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મુકવામાં આવે છે અને તેનું પ્રમોશન પણ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૈસા લઈને આ વીડિયો વધુમાં વધુ લોકો સુધી પણ પહોંચાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.