Abtak Media Google News

રાજકોટ, જેતપુર, ગોંડલ, પોરબંદર, સોમનાથ, અમદાવાદ તરફની મુસાફરી વધુ સુગમ બનશે

રાજકોટની ભાગોળે ગોંડલ ચોકડીએ નેશનલ હાઈવે દ્વારા 89 કરોડના ખર્ચ બનાવવામાં આવેલા ગુજરાતના પ્રથમ સીંગલ પિલર પર નિર્માણ પામેલા સિકસ લેન ફલાયઓવર બ્રિજનું ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. લાખો વાહન ચાલકોને ટ્રાફીકની સમસ્યામાંથી મૂકિત મળી છે.

વિકાસના પથ ઉપર અગ્રેસર રહેવાની નેમ સાથે કામ કરતી સરકાર દ્વારા રાજકોટ જિલ્લાને માર્ગ-પરિવહન ક્ષેત્રે વધુ એક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે   89 કરોડના ખર્ચે ગોંડલ ચોકડી ખાતે તૈયાર થયેલા સિકસ લેન ઓવરબ્રિજનું ઉદઘાટન કરીને લોકાર્પિત કર્યો હતો.   મુખ્યમંત્રી એ વિધિવત શ્રીફળ વધેરીને તકતીનું અનાવરણ કરીને બ્રિજને ખુલ્લો મુક્યો હતો.

ઉલ્લેનીય છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત આ 1.20 કિલોમીટર લાંબા સિકસ લેન ઓવરબ્રિજને કારણે રાજકોટ – જેતપુર – ગોંડલ સહિત અમદાવાદ, પોરબંદર અને સોમનાથની મુસાફરી વધુ સુગમ બનશે.  સિંગલ પિયર પર સિક્સ લેન એલિવેટેડ આ ફ્લાયઓવર બંને બાજુઓ પર કેન્ટીલીવર પોરિયન પ્રીકાસ્ટ બીસીસી પર આધારિત  છે. આ ફ્લાયઓવરના નિર્માણથી ભારે ટ્રાફિકની સમસ્યા હળવી થવા સાથે મુસાફરી ઝડપી બનશે અને  લોકોની સુવિધામાં વધારો થશે.

આગામી સમયમાં  ફ્લાયઓવરની નીચે લેન્ડસ્કેપીંગની કામગીરી પણ કરવામાં આવશે. છોડ અને ફૂલોની વચ્ચે સરળતાથી હરી ફરી શકાય તેવી સુવિધા સાથે અત્યાધુનિક કોંક્રિટ સ્ટ્રકચર સાથે નૈસર્ગિક સૌંદર્યના સમન્વય સાથેનું સુંદર દૃશ્ય ઊભું કરાશે. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી   કુંવરજીભાઈ બાવળિયા,   ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઈ પટેલ, સાંસદ   મોહનભાઈ કુંડારીયા, શ્રી રમેશભાઈ ધડુક,   રામભાઈ મોકરીયા, ધારાસભ્ય   રમેશભાઈ ટીલાળા,   ઉદયભાઈ કાનગડ, મેયર શ્રી પ્રદિપ ડવ, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ   ભુપતભાઈ બોદર, અગ્રણી કમલેશ મીરાણી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ કમિશનર  રાજૂ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર  અમીત અરોરા,પી.જી.વી.સી.એલ.એમ.ડી   વરુણ કુમાર બરનવાલ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રાદેશિક અધિકારી  એન. એન. ગિરી, પ્રોજેક્ટ ડાયરેક્ટર  સંજય યાદવ, પ્રાંત અધિકાર સંદીપ વર્મા તેમજ શ્રી સૂરજ સુથાર તેમજ બ્રિજ નિર્માણ સાથે જોડાયેલા સંબંધિત મુખ્ય અધિકારીઓ અને ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.