સ્કૂલ ચલે હમ…સૌરાષ્ટ્રમાં શાળા પ્રવેશોત્સવનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ

ગુજરાતભરમાં 18 હજાર ગામોની 32013 સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ: સરકારી શાળાઓના બાળકોની 100 ટકા ડેટા એન્ટ્રી કરાશે: આઇએએસ-આઇપીએસ-વરિષ્ઠ અધિકારીઓ ત્રણ દિવસ શાળાઓની મુલાકાત લેશે
  • મધર ટેરેસા શાળામાં મેયર ડો. પ્રદિપ ડવે કિટ આપી બાળકોને પ્રવેશ કરાવ્યો

  • કલેકટર અરૂણ મહેશ બાબુએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આવકાર્યા

  • શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી બાળકોને વધાવ્યા

રાજ્યના 18 હજાર ગામોની 32013 પ્રાથમિક શાળાઓમાં 17માં શાળા પ્રવેશોત્સવનો આજથી ભવ્ય રીતે પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીથી લઇને મંત્રી મંડળના તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ આઇએએસ-આઇપીએસ-વરિષ્ઠ અધિકારીઓ ત્રણ દિવસ સુધી શાળાની મુલાકાત લેશે અને ધો.1ના બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ ત્રણ દિવસ દરમિયાન તેઓ દરરોજ 3 શાળાઓની મુલાકાત લેશે અને વાલીઓ, સમુદાયો અને શાળાઓને બાળકોની નોંધણી માટે પ્રેરિત કરશે.

આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શાળા પ્રવેશોત્સવનો સવારે 10 વાગ્યાથી 21 સ્કૂલોમાં પ્રારંભ થયો હતો. જેમાં રાજકોટ જિલ્લાના કલેક્ટર, મ્યુનિ.કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ મંત્રીઓ હાજર રહ્યા હતા અને શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ પ્રવેશોત્સવના પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાની મુલાકાત લીધી હતી અને ત્યાંની ત્રણ શાળાઓમાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. સાથોસાથ તેઓ આવતીકાલે આણંદ જિલ્લાના ઉમરેડ તાલુકાની 3 શાળાઓ અને નર્મદા જિલ્લાના નાડોડ તાલુકાની ત્રણ પ્રાથમિક શાળાઓની મુલાકાત લઇને ત્યાંના બાળકોને પ્રાથમિક વર્ગોમાં પ્રવેશ કરાવશે.

ગુજરાત સરકાર 17માં શાળા પ્રવેશોત્સવમાં 100 ટકા પ્રવેશ યોગ્ય બાળકોની નોંધણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના જન્મ નોંધણી ડેટા અને વિદ્યા સમિક્ષા કેન્દ્રની ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્ટમને એકીકૃત કરવામાં આવશે.

આમ કરવાથી રાજ્ય સરકાર જોઇ શકશે કે રાજ્યમાં કેટલા બાળકોનો જન્મ થયો છે અને તેમાંથી કેટલા પ્રવેશ યોગ્ય બાળકોએ શાળામાં પ્રવેશ લીધો છે.

આ વખતે રાજ્ય સરકાર 2 થી 8ના વર્ગોમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં વચ્ચેથી જ અભ્યાસ છોડી દેનારા બાળકોને યોગ્ય વર્ગોમાં ફરીથી શાળામાં દાખલ કરાવશે અને સાથે જ ગેરહાજરી, સંભવિત ડ્રોપઆઉટ વગેરેને રોકવા માટે ખાનગી, ગ્રાન્ટેડ શાળાઓ સરકારી શાળાઓમાં નોંધાયેલી બાળકોની 100 ટકા ડેટા એન્ટ્રી પણ કરશે.

જૂનાગઢના માહિતી અધિકારી નિયામક અર્જુન આહીરે શાંતિનગર શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો

રાજ્યભરની સરકારી શાળાઓમાં આજથી ધોરણ-1ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માહિતી અધિકારી નિયામક અર્જુન આહિરે જૂનાગઢની શાંતિનગર શાળામાં ધો.1ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

  • ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહે 32 નંબરની શાળામાં બાળકોના મોં મીઠા કરાવ્યા 

પ્રાથમિક વર્ગોમાં 100 ટકા બાળકોની નોંધણી એ જ અમારૂં લક્ષ્ય: શિક્ષણ મંત્રી

ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા અને કાર્યક્રમની વિશેષતાઓ વિશે વાત કરતા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેજ અમારૂં લક્ષ્ય છે. પ્રાથમિક શાળાઓમાં ભણવા આવતા આ બાળકો આપણા રાજ્ય અને દેશનું ભવિષ્ય છે. તેથી એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પોતાના સ્તરે સુનિશ્ર્ચિત કરવાની આપણા સૌની સામુહિક જવાબદારી છે. રાજ્ય સરકારનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અત્યાર સુધી સંપૂર્ણ રીતે સફળ સાબિત થયો છે. આ વખતે અમારૂં લક્ષ્ય 100 ટકા પ્રવેશ યોગ્ય બાળકોની નોંધણી કરવાનું છે.

  • ધોરાજીની શાળા નં.8માં શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો
  • ચીફ ઓફીસર ચારૂબેન મોરીના હસ્તે શૈક્ષણીક કિટનું વિતરણ

ધોરાજીની સરકારી શાળા નં.8માં શાળા પ્રવેશ મહોત્સવ નિમિતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. અને ધો.3 થી 8ના વિદ્યાર્થીઓ બેસ્ટ દેખાવો કરવા બદલ શિલ્ડ અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરાયા. આ તકે ચીફ ઓફીસર ચારૂબેન મોરી વિનુભાઈ નિવૃતિ શિક્ષક પ્રવીણભાઈ નિવૃત શિક્ષક સીઆરસી બગડાભાઈ લાપજન બોરખરીયાભાઈ સહિતનાના મહાનુભાવો હાજર રહેલ આ તકે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓનાં વાલીઓ હાજર રહી સરકારી શાળાઓની કામગીરીને બીરદાવી હતી.