Abtak Media Google News

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ઝાપડીયા રંજન દ્વારા ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 940 લોકો પાસેથી ગુગલફોર્મ

દ્વારા, 210 કાઉન્સેલિંગના કેસનું વિશ્લેષણ અને 45 લોકોની પાસેથી મુલાકાત દ્વારા માહિતી મેળવવામાં આવી

માનસિક બીમારીઓનું એક મોટું કારણ અપરાધભાવનો બોજ છે.  માણસ અતાર્કિકતા અને ઘણી વખત ખોટા આવેશમાં આવીને ખોટો નિર્ણય લઈ લેતા હોય છે જેનો અપરાધભાવ કે ગિલ્ટ તેને ઘણી વખત ડિપ્રેશન સુધી પહોંચાડી શકે અને આત્મહત્યા સુધી વાળી શકે. આ બોજની નીચે દબાયેલ વ્યક્તિને શારીરિક, માનસિક, સામાજિક, વ્યક્તિગત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સ્વદોષમાં વ્યક્તિ પોતાની જાતનું નકારાત્મક રીતે મૂલ્યાંકન કરે છે. આવા લોકોને તકલીફની લાગણીઓ તેમજ વારંવાર નિષ્ફળતાની લાગણીઓનો અનુભવ થાય છે.જ્યારે  સ્વદોષ ની લાગણી વધારે પડતી દુ:ખદાયક બની જાય ત્યારે તે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચાડે છે.જેમ કે આપણે જોઈએ છીએ કે ઘણી વખત ભૂતકાળમાં કરેલ કોઈ કાર્ય વિશે અફસોસ અથવા તેના વિશે સ્વદોષ આપણને આગળ વધવા દેતો નથી અને જેના કારણે ઘણી વખત ડિપ્રેશન કે આત્મહત્યા સુધી પણ પહોંચી શકતો હોય છે.

સ્વદોષવૃત્તિ ધરાવતા લોકો દરેક નિષેધક ઘટના પાછળ પોતાને જ જવાબદાર માને છે. તેઓ માને છે કે દરેક નિષેધક બાબતો પોતાને કારણે જ થાય છે. ક્યારેક તેઓ પોતાની જાતને અપશુકનિયાળ માનવા લાગે છે.

આ વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ઝાપડીયા રંજન દ્વારા ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં સર્વે કર્યો જેની માહિતી નીચે મુજબ છે.

સર્વેની માહિતી માટે મુલાકાત અને ગુગલફોર્મ દ્વારા મેળવવામાં આવી. સાથે કાઉન્સેલિંગ માટે આવેલ કેસોના વિશ્લેષણ પરથી માહિતી નું તારણ કાઢવામાં આવ્યું. 940 લોકો પાસેથી ગુગલફોર્મ દ્વારા, 210 કાઉન્સેલિંગના કેસનું વિશ્લેષણ અને 45 લોકોની પાસેથી મુલાકાત દ્વારા માહિતી મેળવવામાં આવી. આમ કુલ 1195 લોકોની માહિતી પરથી તારણ તારવવામાં આવ્યું.

61.3% લોકોને ભૂતકાળમાં કરેલ કોઈ કાર્ય વિશે સ્વ દોષ કે અફસોસ અનુભવાય છે

ભૂતકાળમાં કે ઉંમરના જોશમાં આવીને કે ઉતાવળમાં લીધેલ કોઈ નિર્ણય કે કોઈ કાર્ય એ સાવ દોષ કે અપરાધભાવનું કારણ બની રહે છે. ઘણા કાર્ય એવા હોય છે જે ક્યારેક થઈ જતા હોય છે જેના માટે સમય, સંજોગ, પરિસ્થિતિ જવાબદાર હોય છે પણ તેની ગિલ્ટ આજીવન રહી જતી હોય છે.

81.9% લોકોને કોઈ વ્યક્તિ મદદ માંગે અને ન કરી શકે પછી તે વિશે અફસોસ થાય છે

વ્યક્તિની અંદર મદદ કરવાની વૃત્તિ પડેલ હોય છે પણ  તેંહ પ્રમાણ અલગ અલગ હોય છે. કોરોના વખતે બે પ્રકારના લોકો જોવા મળ્યા હતા જેમાં એક વર્ગ સતત કોઈની મદદ કરતો જ્યારે એક વર્ગ વસ્તુઓની કાળા બજારી કરતો. અહીં લોકોને મદદની ના પાડ્યા પછી પણ અફસોસ અનુભવાય છે જેની ગિલ્ટ તેમને ઘણી વખત વિચારતા કરી મૂકે છે.

75.7% લોકોને કોઈ વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ મુકીને પછી અફસોસની લાગણી થઇ છે

વિશ્વાસ જ્યારે તૂટે તેની અસર વ્યક્તિ પર ઘણી થતી હોય છે. વધુ પડતો વિશ્વાસ મુક્યો હોય તેવા લોકો પાસેથી જ્યારે યોગ્ય પ્રતિક્રિયા ન મળે ત્યારે પણ વ્યક્તિને ગિલ્ટની લાગણી અનુભવાય છે. વિશ્વાસ તૂટતા વ્યક્તિ તણાવમાં ગરકાવ થઈ શકે અને તેની ઘણી નિષેધક અસરો થઈ શકતી હોય છે.

48.5% લોકોને  સ્વાર્થ કે ક્ષણીક આનંદ માટે કોઈ વ્યક્તિની મદદ કે ઉપયોગ કર્યા પછી સ્વદોષ અનુભવાયો છે.

પોતાના અંગત સ્વાર્થ કે આંનદ માટે જ્યારે કોઈનો ઉપયોગ કર્યો હોય અને તેની વિપરીત અસર વ્યક્તિ પર પડે ત્યારે પણ સ્વદોષ અનુભવાતો હોય

52.9% લોકોને કોઈ વ્યક્તિને વધુ  પડતી મદદ કર્યા પછી પણ અફસોસ થયો છે

જેમ વધુ મદદ કરી હોય અને યોગ્ય જવાબ ન મળે ત્યારે સ્વદોષ થાય તેમ વધુ પડતી મદદ પણ સ્વદોષ નું કારણ બને છે. કેમ કે મદદ કર્યા પછી જ્યારે અપેક્ષા વધે અને એ અપેક્ષા મુજબ પરિણામ ન મળે વ્યક્તિ અપરાધભાવ અનુભવી શકે.

68.6% લોકોને ભૂતકાળની ભૂલો યાદ આવવાથી સ્વદોષ અનુભવાય છે

ભૂતકાળમાં ઘણી બાબતો હોય છે જેને લોકો ભૂલી પણ નથી શકતા અને સ્વીકારી પણ નથી શકતા. એવી ભૂલો જે વ્યક્તિ ને સતત યાદ આવતી હોય તેને કારણે પણ વ્યક્તિ ગિલ્ટ અનુભવી શકે.

66.7% લોકોને મિત્ર કે ગમતી વ્યક્તિ સાથે જગડો કે સબંધ તૂટ્યા પછી અફસોસ કે સ્વ દોષ અનુભવાય છે.

વ્યક્તિની કદર ઘણી વખત યોગ્ય સમયે ન થાય અને જતી રહે પછી તેનો અફસોસ સતત વ્યક્તિને અંદરથી કોરી ખાતો હોય એવા સંજોગોમાં વ્યક્તિ ગિલ્ટ અનુભવી શકે. માનવી સામાજિક પ્રાણી છે અને ગમતી વ્યક્તિ દૂર થાય ત્યારે ઘણા લોકો માટે જીવવું અઘરું થઈ પડતું હોય છે.

આ ઉપરાંત 61.8% લોકોને સ્વદોષના કારણે માનસિક હતાશા કે બેચેની અનુભવાય છે, 69.6% લોકો કોઈ એક અનુભવના કારણે અન્ય જગ્યાએ  વિશ્વાસ મુકતા અચકાય છે, 59.3% લોકો છેતરાયાની લાગણી અનુભવી સ્વદોષ અનુભવે છે, 68% લોકો સ્વદોષની લાગણીને કારણે ભૂખ,ઉંઘની સમસ્યાઓ અનુભવે છે, 55% લોકોને કોઈ નિર્ણય લીધા પછી તેના વિશે સ્વદોષ અનુભવાય છે,  59.76% લોકોએ સ્વદોષને કારણે પોતાની જાતને ક્યારેક નુકશાન પહોચાડવાનો પ્રયત્ન કર્યો છે, 55.55% લોકોને સ્વદોષને કારણે જીવનમાં આગળ વધવામાં તકલીફ કે સમસ્યાઓ અનુભવાય છે

વ્યક્તિએ સ્વદોષ લાગણીને દૂર કરવા માટે

  • વ્યક્તિએ પોતાની જાતને વધુ સારી રીતે ઓળખવી જોઈએ.
  • વ્યક્તિ નકારાત્મક વિચારોથી દૂર અથવા તો તેને બદલવાના પ્રયાસો કરવા જોઈએ.
  • વ્યક્તિએ પોતાની ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરવા જોઈએ.
  • પોતાની ખૂબીઓ અને ગુણોને પણ જાણવા જોઈએ.
  • પોતાની ક્ષમતાઓ ઓળખી તેને પોતાની શક્તિ બનાવવી જોઈએ.
  • આજુબાજુના લોકોએ ટોર્ચરીગ ન કરવું
  • પરિવારજનો એ સાથ સહકાર આપવો ખાસ જરૂરી

સ્વદોષના લક્ષણો

ચિંતા,હતાશા ,સતત રડવું આવવું, અનિંદ્રા , સ્નાયુમા તણાવ , ભૂતકાળની ભૂલોને વાગોળવી  અને તેનો અફસોસ થયા કરવો, અપચો , તણાવનો અનુભવ, સામાજિક પ્રવૃત્તિમાં રસ ગુમાવવો, સતત થાક લાગવો , ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી , આત્મહત્યા ના વિચારો , આત્મવિશ્વાસ નો અભાવ , ધ્યેય  પ્રાપ્ત કરવામાં મુશ્કેલી , પોતાની જાતને નકારવી, લઘુતાગ્રંથિ, નકારાત્મક વિચારો વગેરે.

વિવિધ લોકોના ગિલ્ટ વિશેના કારણો

જયારે મારા જ સગા ભાઈએ મારી સાથે દુષ્કર્મ કર્યું અને મે બીક માં આવી ને કોઈ ને કહેવું યોગ્ય ન સમજ્યું જ્યારે મારે ઘરે વાત કહી દેવી જોઇએ પણ હું ત્યારે કોઈને કહી ના શકી એ બાબત આજ સુધી મને ખટકે છે. અન્ય પર વધુ પડતો વિશ્વાસ ને કારણે, આપણી ભાવના કે લાગણીઓને ઠેસ પહોચી હોય ત્યારે સહુથી વધુ અફસોસ અનુભવાય બીજા ઉપર આપણે પુરે પુરો વિશ્વાસ કર્યો હોય અને એણે જ  દગો આપ્યો એ બાબત નો બહુ અફસોસ થાય છે. મને અફસોસ સહુ થી વધારે એ વાત નો છે કે મે થોડી વધારે મહેનત કરી હોત તો કોઇ સારી પોસ્ટ પર હોત અથવા મારા વતન માં જોબ કરતી હોય.

ક્યારેક કોઈ ઉપર વિશ્વાસ હોય ને તે આપડો વિશ્વાસ તોડે ત્યારે, કોઈ ભૂલ કરી હોય ત્યારે, કોઈ નિર્ણય જાણ્યા જોયા વગર લેવાય ગયો હોય ત્યારે ગિલ્ટ થાય છે. મેં બધા ની નિસ્વાર્થ ભાવે મદદ કરી અને બધા લોકો એ હંમેશા મારા સબંધ નો ફાયદો ઉઠાવ્યો છે અને હંમેશા મારી સાથે આવું થાય છે. કોઈ દિવસ લોકો પાસે થી પ્રેમ અને લાગણી સિવાય બીજી કઈ અપેક્ષા રાખી નથી.  જેની માટે જીવન કુરબાન કર્યું એણે જ મને કેટલી વખત દગો આપ્યો અને મને સાવ એકલી મૂકી દીધી ત્યારે અફસોસ થયો છે મેં કેમ બુદ્ધિથી ન વિચાર્યું?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.