Abtak Media Google News

શિક્ષણજગતને શર્મશાર કરતો કિસ્સો

રેકટર વિદ્યાર્થીને પોર્ન વીડિયો બતાવી બટકા ભરતો હતો: તાબે ન થતાં વિદ્યાર્થીને માર મારતો

રાજકોટમાં શિક્ષણજગતનું નાક કપાવતી ઘટના કરતી એક ઘટના સામે આવી છે. જેમાં 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલી લેઉવા પટેલ બોર્ડિંગમાં ધોરણ-8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ગૃહપતિ દ્વારા ઢોર માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હોસ્ટેલના રેક્ટર તેમજ અન્ય એક સાથી વિદ્યાર્થી પરેશાન કરતા હોવાનો આરોપ આ વિદ્યાર્થી અને તેના પરિવારજનોએ લગાવ્યો છે. એટલું જ નહીં ગૃહપતિ બાળકને અવારનવાર બિભત્સ વીડિયો બતાવીને અડપલાં કરતો હોવા અને બટકા ભરતો હોવાનું પણ જણાવાયું છે. હાલ ગંભીર ઈજાને પગલે ભોગ બનનાર બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, પોતે ત્રણ માસથી હોસ્ટેલમાં અભ્યાસ માટે ગયો હતો. જ્યાં હોસ્ટેલનાં રેકટર હસમુખ વસોયા હેરાન કરતા હતા. હું રૂમમાં સુઈ ગયો હતો અને સાથે રહેતો વિદ્યાર્થી લખતો હોવાને કારણે લાઈટ ચાલુ હતી. જેને કારણે મને નીચે લઈ ગયા હતા. એટલું જ નહીં હું તોફાન કરતો હોવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. બધા રૂમમાં જતા રહે પછી મને તેના રૂમમાં લઇ જતા હતા. જ્યાં ગંદા વીડિયો બતાવીને અડપલાં કરી બટકા ભારત હતા. બાજુના રૂમમાં રહેતો વિદ્યાર્થી પણ છેલ્લા 15 દિવસથી ટોર્ચર કરે છે. મારા માતા-પિતા અને દીદી વિશે પણ ખરાબ બોલતો હતો અને તેનું કામ મારી પાસે જ કરાવતા હતા. જેમાં થોડી વાર લાગે તો પટ્ટા વડે માર મારતા હતા. ગઈકાલે પણ મને તેના કપડાં 5 મિનિટમાં સંકેલવા કહ્યું હતું. જે હું નહીં કરી શકતા પટ્ટા વડે ઢોર માર માર્યો હતો.

આ શર્મશાર ઘટના અંગે ભોગ બનનારનાં કાકાએ જણાવ્યું હતું કે, મારો ભત્રીજો 150 ફૂટ રિંગરોડ પરનાં બાલાજી હોલ પાસે આવેલી લેઉવા પટેલ હોસ્ટેલમાં રહે છે. મારા ભાઈ હીરા ઘસવાનું કામ કરતા હોય હું ભત્રીજાને તેડવા સવારે 9 વાગ્યે ગયો હતો. જોકે દરવાજો 10 વાગ્યે ખુલશે તેવું કહેતા ત્યાં જ કલાક રાહ જોઈ હતી અને ભત્રીજાને લઈ આવી ભાઈના ઘરે મૂકી ગામડે ગયો હતો. જ્યાં મારા ભાભીએ ભત્રીજાને માર મરાયો હોવાનું કહ્યું હતું. જેને લઈ હું પરત આવ્યો હતો. ભત્રીજાને પૂછતાં તેણે હોસ્ટેલના રેક્ટર દ્વારા ન બતાવવાના વીડિયો પણ બતાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ સાથી વિદ્યાર્થી દ્વારા પટ્ટા વડે માર મારવામાં આવ્યો હોવાનું પણ કહેતા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ધોરણ 8માં ભણતા આ વિદ્યાર્થીને ઢોર માર મરાયો હોવાનું તેના શરીર પરના નિશાનથી સ્પષ્ટ થાય છે. પરિવારે જાણ કરતા સ્થાનિક પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને ભોગ બનનાર વિદ્યાર્થી તેમજ તેના પરિવાર પાસેથી વિગતો જાણીને સમગ્ર મામલે ફરિયાદ નોંધવતા તજવીજ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ વિદ્યાર્થીને થયેલી ઇજાને લઈને સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. જોકે આ ઘટનાને લઈ પરિવારમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે ગૃહપતિ હસમુખ વસોયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Screenshot 3 51 ગૃહપતિ વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે: શામજીભાઈ પટેલ (બોર્ડિંગ પ્રમુખ)

લેઉવા પટેલ બોડીંગમાં માસુમ સગીર સાથે બોડિંગના જ ગૃહપતિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી જવા પામી છે. જે અંગે જાણ થતાં પોલીસે તાત્કાલિક ધોરણે ગૃહપતિ હસમુખ વસોયાની ધરપકડ કરી છે. તો બીજી તરફ ઘટનાની ગંભીરતાના પગલે બોડીંગના પ્રમુખ શામજીભાઈ પટેલ બોડીંગ ખાતે દોડી આવ્યા હતા. શામજીભાઈ પટેલે અબતક સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ગંભીર બાબતના પગલે ગૃહપતિ હસમુખ વસોયા ઉર્ફે વસોયાબાપુને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવામાં આવ્યા છે. હસમુખ છેલ્લા આઠ વર્ષથી બોર્ડિંગ ખાતે ફરજ બજાવે છે. બીજી તરફ રજાઓ પૂરી થયા બાદ ટ્રસ્ટી અને પ્રમુખ દ્વારા તમામ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવશે અને અન્ય કોઈ બાળક આવી ક્રૂર ઘટનાનો શિકાર બન્યો નથી કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. વધુમાં શામજીભાઈ પટેલે જણાવ્યું હતું કે બોર્ડિંગમાં કોઈપણ વિદ્યાર્થી અથવા વાલીઓને કંઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો તેમની ઓફિસના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા અંગે પણ ધ્યાન દોરવા બોર્ડિંગના પ્રમુખે અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.