Abtak Media Google News

જીલ્લાની તમામ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ધો.11 અને 12 ના વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપીંગ કરાશે તેમજ શાળાઓમાં વિદ્યાર્થીઓને જી-20 થી અવગત કરવા માટે  સમીટનું આયોજન

રાજકોટ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તાજેતરમાં યોજાયેલ વાર્ષિક સાધારણ સભાની બેઠકમાં જુદા-જુદા અનેક પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવેલી જેમાંથી રાજકોટ શહેરમાં ભાવિ રક્તદાતાઓને તૈયાર કરવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાઓના ધોરણ 11 અને 12 ના દરેક વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપીંગના અભિયાનની શરૂઆત તા. 26 મી જુન સોમવારને સવારે 8-00 કલાકથી જીનીયસ સ્કૂલ ખાતે કે જ્યાં એક મહારક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલું છે ત્યાંથી મહાનુભાવોની હાજરીમાં થશે. સાથે-સાથે ભારત આ વર્ષે જે આંતરરાષ્ટ્રીય જી-20 સમીટનું યજમાન છે, તે અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા શાળાઓમાં મોડેલ જી-20 ના આયોજન થવાના છે, એ અભિયાનનો પણ પ્રારંભ શાળા કક્ષાની મોડેલ જી-20 સમીટ જીનિયસ સ્કૂલ ખાતે તા. 26 જુનના રોજ આયોજીત કરીને કરવામાં આવશે.

Advertisement

આ અંગે માહિતી આપતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી. વી. મહેતા એ જણાવ્યું હતું કે હાલમાં રાજકોટ શહેરમાં રોજની 300 જેટલી રકત બોટલની જરુતીયાત રહે છે, જેમા ખાસ કરીને થેલેસેમિયાના બાળકો કે જેમને નિયમિતપણે રકતની જરૂરિયાત રહેતી હોય છે. એ માટે સ્વૈચ્છિક રકત દાતાઓની સંખ્યા ઘણીવાર ઓછી જણાય છે અને રકતની અછત સર્જાય છે. આ સ્થિતિમાં સુધાર લાવવા અને ભવિષ્યમાં સરળતાથી માનવ રક્ત મળી રહે તેમજ સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સ્વૈચ્છિક રક્તદાનની જે પ્રવૃત્તિ ચાલે છે તેને વેગ મળે, એ માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ધો. 11 અને 12 ના વિદ્યાર્થીઓના રકત પરિક્ષણ કરી તેમના બ્લડ ગ્રુપીંગના કેમ્પ દ્વારા તેઓમાં રકત દાન પ્રત્યે જાગૃકતા લાવવા ઉપરાંત ભાવી રકત દાતાઓનો ડેટા બેઇઝ પણ બનાવી શકશે. એ માટેના ’એસ.એફ.એસ. બ્લડ ગ્રુપીંગ અભિયાન’ નો પ્રારંભ તા. 26 જુનને સોમવારના રોજ જીનિયસ સ્કૂલ ખાતે એક મહા રકતદાન શિબિર અને બ્લડ ગ્રુપીંગ કેમ્પ દ્વારા કરાશે. જેમાં જીનિયસ સ્કૂલ તેમજ જય ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 11 અને 12 ના તમામ વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપીંગ કરવામાં આવશે. આ અભિયાનમાં રાજકોટ શહેરની જાણીતી સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ તેમજ ફિલ્ડ માર્શલ બ્લડ બેન્કનો ખાસ સહયોગ સાંપડશે. આ કાર્યક્રમમાં શહેર ભાજપા પ્રમુખ શ્રી મુકેશભાઇ દોશી, સદભાવના વૃદ્ધાશ્રમના  વિજયભાઈ ડોબરીયા, ગાડી વિદ્યાપીઠના મેનેજિંગ ડાયરેક્ટર  જયભાઈ મહેતા અને વિવિકાનંદ યુથ કલબનાં  અનુપમભાઈ દોશી ખાસ ઉપસ્થિત રહેશે.

આજના યુવાનો જે વિદ્યાર્થીઓ છે તે ભાવિ રક્તદાતાઓ બને અને વધુને વધુ નવા રક્ત દાતાઓ સ્વૈચ્છીક રક્તદાન કરતા થાય તે ઉદેશ્યથી ’નર્ચરીંગ ફ્યુચર બ્લડડોનર્સ -એ નામથી એસ.એફ.એસ. બ્લડ ગ્રુપીંગ અભિયાન અંતર્ગત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની રાજકોટ શહેર અને જિલ્લાની 400 થી વધુ શાળાના ધોરણ 11 અને 12 ના 20,000 થી વધુ વિદ્યાર્થીઓનો વિનામૂલ્યે બ્લડ ગ્રુપીંગ કરવામાં આવશે, જે અભિયાનનો પ્રારંભ સોમવારના રોજ થશે. સાથે જ જે વિદ્યાર્થીઓ 18 વર્ષથી વધારેની ઉંમરના છે એ લોકો રક્તદાન પણ કરી શકે તે માટે મહા રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે જ આજે જ્યારે ભારત દેશ જી-20 સમીટનો યજમાન દેશ બન્યો છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓમાં જી-20 સમીટ વિશે ની જાગૃતતા કેળવાય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કયા પ્રકારે રાજદ્વારી, આર્થિક, સામાજિક, લશ્કરી, ટેલી કોમ્યુનિકેશન, વિદેશ નીતિ, પર્યાવરણ જાળવણી, પોલ્યુશન, ગ્લોબલ વોર્મિંગ, રમતગમત વગેરે ક્ષેત્રે કયા પ્રકારે જુદા-જુદા દેશો વચ્ચે આદાન-પ્રદાન થતું હોય છે, વાર્તાલાપ થતો હોય છે એનાથી વિદ્યાર્થીઓને અવગત કરવા માટે રાજકોટ શહેરની સ્વનિર્ભર શાળાઓમાં મોડેલ જી-20 સમીટના આયોજન કરવામાં આવનાર છે. જેનો શુભારંભ પણ જીનીયસ સ્કુલ ખાતે તા. 26 જુનને સોમવારથી થવા જઈ રહ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ સંચાલકો, આચાર્યો વગેરેને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવે છે. સાથે-સાથે જુદી-જુદી શાળાઓમાં પણ આ એસ.એફ.એસ. બ્લડ ગ્રુપીંગ કેમ્પ તેમજ મોડેલ જી-20 સમિટના આયોજન થાય તે માટે તમામને ખાસ અપીલ કરવામાં આવે છે.

આ બન્ને અભિયાનના સફળ અયોજન માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જીલ્લાના પ્રમુખ  ડી. વી. મહેતાની આગેવાનીમાં મહામંત્રી  પરીમલભાઇ પરડવા, મહામંત્રી  પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ  અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર  જયદિપભાઈ જલુ, મેહુલભાઈ પરડવા,  વિપુલભાઈ પાનેલીયા,  સંદીપભાઈ ચોટાળા, રાજય મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ  જતીનભાઇ ભરાડ, મહામંત્રી  અજયભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ ઝોનના ઉપપ્રમુખો, કારોબારી સમીતીના સભ્યો, તેમજ જીનિયસ સ્કૂલની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.