Abtak Media Google News

સેન્સેકસે 60,476.13 અને નિફટીએ 18041.95નો નવો હાઈ બનાવ્યો: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં 32 પૈસાનો કડાકો

આજે ઉઘડતા સપ્તાહે ભારતીય શેરબજારમાં તેજીનો દૌર યથાવત રહેવા પામ્યો છે. સેન્સેકસે આજે નવી સર્વોચ્ચ સપાટી હાસલ કરી લીધી હતી. જ્યારે નિફટી પણ 18000ની સપાટી ઓળંગવામાં સફળ રહ્યું છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત ઘસાઈ રહ્યો છે. આજે રૂપિયામાં 32 પૈસાનો કડાકો બોલી ગયો હતો. બુલીયન બજારમાં પણ નરમાશ જોવા મળી હતી.

છેલ્લા ઘણા સમયથી ભારતીય શેરબજારમાં ચાલી આવતી એકધારી તેજી આજે ઉઘડતા સપ્તાહે પણ યથાવત રહેવા પામી હતી. આજે ઈન્ટ્રા-ડેમાં સેન્સેકસે 60,476.13નો નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો હતો. જ્યારે છેલ્લા ઘણા સમયથી 18000ની સપાટી ઓળંગવા માટે સતત મથી રહેલા નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જના નિફટી ઈન્ડેક્ષે આજે 18ની સપાટી પાર કરી નવો કિર્તીમાન પ્રસ્થાપિત કરી દીધો છે. નિફટીએ આજે ઈન્ટ્રા-ડેમાં 18041.95ની સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી.

આજની તેજીમાં ટાટા મોટર્સ, ગ્રાસીમ, કોલ ઈન્ડિયા અને મારૂતી સુઝુકી જેવી કંપનીના શેરના ભાવમાં 3.70 ટકાથી લઈ 8.26 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ અને એચસીએલ ટેક જેવી કંપનીના ભાવમાં 1.46થી લઈ 6.13 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

શેરબજારમાં તેજીનો તોખાર વચ્ચે બુલીયન બજારમાં મંદી જોવા છે. સોના અને ચાંદીના ભાવમાં આજે કડાકો બોલી ગયો હતો. બેંક નિફટીમાં 632 પોઈન્ટનો ઉછાળો જ્યારે નિફટી મિડકેપ 100માં 209 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો એકધારો ઘસાઈ રહ્યો છે.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 212 પોઈન્ટના ઉછાળા સાથે 60271 અને નિફટી 87 પોઈન્ટના ઉછાળા સાથે 17982 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 32 પૈસાના ઘટાડા સાથે 75.23 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.