સેવાસેતુ-લોક દરબાર જેવા કાર્યક્રમો થકી ગરીબો આર્થિક-સામાજિક રીતે સઘ્ધર બન્યા: ભાનુબેન બાબરિયા

bhanuben babariya | rajkot
bhanuben babariya | rajkot

વિકાસના મુખ્ય પ્રવાહમાં આર્થિક નબળા-પછાત વર્ગના લોકોને સામેલ કરવા જોઈએ વિધાનસભામાં રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરિયાએ વિચારો રજુ કર્યા

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી એટલે આપણા ભારત દેશની લોકશાહી અને વિશ્ર્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ એટલે આપણું ભારતીય બંધારણ અને આ ભારતીય બંધારણના ઘડવૈયા એટલે વિરલ વિશ્ર્વ વિભૂતિ એવા ડો.બાબાસાહેબ આંબેડકર, ડો.બાબાસાહેબ આંબેડકરએ કોઈ એક સમાજ પુરતા સીમિત નહીં પરંતુ સમગ્ર સમાજના સમગ્ર વિશ્ર્વના એક વિરલ વિભૂતિ હોવાનું રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ વિધાનસભામાં જણાવ્યું હતું.

ડો.બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ ઘડયું, એમાં સૌને સમાન હકક મળી રહે, ન્યાય મળી રહે અને કાયદા‚પી કવચ મળી રહે એ માટેની અનામતની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી. કોઈપણ રાષ્ટ્ર કે રાજય હોય, જો એનો શ્રેષ્ઠ વિકાસ કરવો હોય તો એ વિકાસના મુખ્ય પ્રવાહમાં આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના જે લોકો હોય એને વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા જોઈએ અને તો જ રાજયનો કે રાષ્ટ્રનો શ્રેષ્ઠ વિકાસ થાય.

ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે દરેક સમાજને કોઈ નાતજાતના ભેદભાવ વગર બધાને પૂરતો ન્યાય મળી રહે અને વિકાસના ફળ બધાને મળી રહે એ પ્રમાણે વિજયભાઈના નેતૃત્વવાળી અને આપણા ડેપ્યુટી સી.એમ. નીતિનભાઈના નેતૃત્વવાળી સરકાર કામ કરી રહી છે. કોઈ દલિત કે ગરીબના ઘરે રોટલો ખાવા જઈએ, પરંતુ ગરીબ-દલિતના ઘરે ફકત રોટલો ખાવાથી ગરીબ ગરીબીમાંથી બહાર નથી આવતો, પરંતુ એ ગરીબને ગરીબીમાંથી બહાર લાવવા માટે થઈને સાચા અર્થમાં પ્રયત્ન કરવા જોઈએ અને એમના માટે થઈને કલ્યાણકારી યોજનાઓ બનાવવી જોઈએ.

થોડા સમય પહેલા ચૂંટણીને અનુલક્ષીને યુ.પી.માં ખાટલા બેઠકો યોજવામાં આવી. એમાં ખાટલા પર બેસવાના બદલે પ્રજા સમજી ગઈ અને ખાટલા લઈને જતી રહી, પછી સાયકલમાં બેસીને ચુંટણીઓ જીતવા નીકળ્યા તો લોકોમાં શું પરીણામ બતાવ્યું એ આપણને સૌને ખબર છે અને ૩૦૦થી વધુ બેઠકો યુ.પી.માં આવી અને ગુજરાતમાં હજી બાકી છે. કોઈને ગરીબને જયારે આર્થિક રીતે સદ્ધર કરવો હોય તો એના માટે થઈને નકકર યોજનાઓ હોવી જોઈએ. હું જે વિભાગની ચર્ચા કરી રહી છું એ વિભાગમાં એક એવી લાગણીસભર યોજના છે જે યોજનાની હું વાત કરુ છું.

વિરોધપક્ષના મિત્રો અવારનવાર સેવાસેતુના કાર્યક્રમ હોય, લોકહિત માટેના કાર્યક્રમ હોય, લોકદરબારના કાર્યક્રમ હોય અને એનો વિરોધ કરતા હોય. ગીર સોમનાથમાં સંસદિય સચિવ જેઠાભાઈ સોલંકી સેવા સેતુના કાર્યક્રમમાં ગયા હતા ત્યાં રજુઆત થઈ અને ત્યાં બે નિરાધાર બાળકો આવ્યા અને તેમની ખૂબ નાની ઉંમર હતી, એમના માતા-પિતાનું આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું. બાળકોની આગળ પાછળ કોઈ નહોતું, ગામ લોકોએ રજુઆત કરી કે આ બે બાળકો અનાથ છે એમનું કોઈ નથી.

ત્યારે તરત જ એ બાળકોને પાલક માતા-પિતા યોજના છે એનો લાભ આપવામાં આવ્યો. એ લાભ ત્યાંથી જ ચાલુ કરી દેવામાં આવ્યો. આ જે સેવાસેતુના કાર્યક્રમ થાય છે એમાં એકદમ આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના લોકો હોય એમના હિતાર્થે થતો હોય તે સારુ છે. ગૃહમાં શા માટે જે લોકહિતના કાર્યક્રમો થતા હોય એના વિરોધ થતા હોય, જે વ્યથા રજુ કરવામાં આવે એમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ. સાચા અર્થમાં જે આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના જે લોકો હોય એમની સુખાકારી માટે થઈને આપણે સૌએ સાથે મળીને મહેનત કરવી જોઈએ.