Abtak Media Google News

વરસાદની સાથે આભમાંથી ટપકતી આફત માટે તંત્ર એલર્ટ: મીટરગેજ ટ્રેનો રદ: એસ.ટી.એ ૨૫૫ ટ્રીપ રદ કરી

છેલ્લા આઠ દિવસથી જૂનાગઢ તેમજ સોરઠ પંથકને મેઘરાજા ધમરોળી રહ્યા છે. એક તબકકે તંત્ર અને વહીવટી વિભાગોની તાકાત સામે કુદરતની શુ તાકાત છે. તેનું પ્રદર્શન પણ કરી દીધું છે. અવિરત આઠ દિવસની મેઘ સવારીમાં ગત રવિવારે મેઘરાજાએ કલાકોનાં વિરામ લીધા બાદ રવિવાર રાતથી ફરી ધમાકેદાર ઈનીંગ શરૂ કરતા અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ ચૂકયું છે.

સોમવારે દિવસભર હળવા ભારે વરસાદના લીધે આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ અધિકારીઓ અને કર્મચારીઓને હેડ કવાર્ટર ન છોડવા આદેશ કર્યો છે.તેમજ જૂનાગઢ વહીવટી તંત્ર એલર્ટ થ, ગયું છે. જૂનાગઢ શહેરમાં ચાલુ વર્ષે વરસાદ ખૂબજ સારો પડયો છે. ગત વર્ષે જુલાઈ માસ દરમિયાન ૧૫.૪૪ ઈંચ વરસાદ જૂનાગઢ ખાતે નોંધાયો હતો. જયારે ચાલુ વર્ષે દરમિયાન ગઈકાલ સુધીમા ૨૧.૫ ઈંચ વરસાદ નોંધાવા પામ્યો છે. ગત વર્ષની તુલનાએ ગઈકાલ સુધી ૧૩૩ ટકા જુલાઈ માસનો વરસાદ નોંધાવા પામ્યો છે. જેમાં હાલ સરકારી ચોપડે આ વધારો ચાલુ જહોવાનું અધિકારીઓને જણાવ્યું હતુ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના પગલે વંથલી ખાતેનાં સાવલી ડેમનો ૧ દરવાજો ૦.૧૦ મીટર ખોલવામાં આવ્યો છે. જયારે ઓઝત ૨નો દરવાજો ૦.૨ મીટર ખોલાયો હોવાનું સરકારી તંત્રમાંથી વિગતો મળી રહી છે.

આ ઉપરાંત ભાવનગર રેલવે ડીવીઝન નીચે આવતી તમામ મીટર ગેજ સેકસનની ટ્રેનો આજથી વરસાદ સામાન્ય ન થાય ત્યાં સુધી બંધ રાખવાના આદેશો થયા છે. આવી જ રીતે એસ.ટી. ડીવીઝનલ કંટ્રોલર જૂનાગઢ વાળાએ જણાવ્યું હતુ કે જૂનાગઢ ડીવીઝનના ૯ ડેપોની ૨૫૫ ટ્રીપો રદ કરવામાં આવી છે. હાલ વરસાદી માહોલ વચ્ચે અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ નોંધાઈ રહી છે. વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થવા વાહનો ખૂંચી જવા જેવી સામાન્ય ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે. વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી જઈ અધિકારીઓને સરકારના અલગ અલગ વિભાગોને સાબદા રહેવા આદેશો જારી કરાયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૨ ઈંચ વરસાદ નોંધાવા પામ્યો છે. ભેંસાણ ૧ ઈંચ, માણાવદર ૭ ઈંચ, માંગરોળ ૨॥ ઈંચ, મેંદરડા ૨ ઈચ, વંથલી ૨ ઈચ, વિસાવદર ૩ ઈંચ માળીયા ૩ ઈંચ અને કેશોદ ૩ ઈંચના આંકડાઓ સરકારી ચોપડે નોંધાવા પામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.