Abtak Media Google News

આને કળીયુગના રાક્ષસ જ કહી શકાય ને

એક સ્ત્રી માટે લાજ કેટલું મહત્વ ધરાવે છે તે વાત એક સ્ત્રી જ સમજી શકે. પણ તેમ છતાં એક સ્ત્રી જ બીજી સ્ત્રીને તેનું ભવિષ્ય કે લાજ આ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનું કહે તો સામે વિદ્યાર્થીનીઓની હાલત કેવી થાય તેની કલ્પના પણ ન કરી શકાય.

કિસ્સો છે કેરળનો, જ્યાં કોલ્લમ જિલ્લામાં આવેલ આયૂર ખાતે માર થોમા ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં નિટની પરીક્ષામાં વર્ગમાં પ્રવેશતી વિદ્યાર્થીનીઓના આંતરવસ્ત્રમાં જે હુક લાગેલો હોય, તે મેટલ ડિટેક્ટરમા આવતા બીપ વાગવા લાગ્યું હતું. ત્યારે પરીક્ષા ખંડની જવાબદારીમાં રહેલી મહિલા કર્મચારીએ મેટલના હૂકનું કારણ દર્શાવી વિદ્યાર્થીનીઓને બ્રા કાઢવાની ફરજ પાડી હતી.

જો કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જારી કરાયેલા સત્તાવાર બુલેટિનમાં મેટલ હૂકવાળી બ્રા પર પ્રતિબંધ હોવાનો ઉલ્લેખ કરાયો નથી. છતાં જે દીકરીએ બ્રા કાઢવાનો ઇનકાર કર્યો ત્યારે તેને પરીક્ષામાં બેસતા અટકાવાઇ હતી.આમ વિદ્યાર્થીઓને પોતાની લાજ કે ભવિષ્ય આ બે જ વિકલ્પ આપી તેમાંથી એક વિકલ્પ પસંદ કરવા મજબુર કરાઈ હતી. ઘણી વિદ્યાર્થીનીઓ તો રડવા માંડી હતી.

કદાચ મહિલા કર્મચારીએ નિયમના ભાગરૂપે આ પ્રક્રિયા કરી હોય તો હાથ દ્વારા આવી ચકાસણી કરાઈ શકાઈ હોત પણ આંતરવસ્ત્રો કાઢવાની શું જરૂર હતી? નિટ બુલેટિનમાં આવા કોઇ નિયમનો ઉલ્લેખ કરાયો ન હતો. ઉપરાંત, વિદ્યાર્થીનીઓને એક રૂમમાં તેમના આંતરવસ્ત્રોનો ઢગલો કરવા જણાવાયું હતું.

વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી હતી કે પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કરતા પહેલા જ તેમને માનસિક આઘાત લાગ્યો હતો. પીડિત વિદ્યાર્થીઓના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક માહિતી મુજબ લગભગ 100 છાત્રાઓને આ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આ ફરિયાદ સીધી નાયબ પોલીસ અધિક્ષક, કોટ્ટરક્કાને કરવામાં આવી છે.

બીજી તરફ આ મામલો સંસદ સુધી પહોંચ્યો છે. લોકસભામાં આરએસપી સાંસદ એનકે પ્રેમચંદ્રનને કોલ્લમમાં નીટ એક્ઝામ દરમિયાન વિદ્યાર્થિનીઓના અંડરગાર્મેન્ટ્સ ઉતારવા મજબૂર કરવાની ઘટનાને લઇને સદનમાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.