Abtak Media Google News

પોર્ટ, શિપિંગ, આયાત-નિકાસ અને પાવર સ્ટેશનનું વ્યવહારિક જ્ઞાન આપવાના હેતુ સાથે

વિદ્યાર્થીકાળમાં મળતા અનુભવનું ભાથુ જીવનભર ઉપયોગી થાય છે: જીનિયસના ચેરમેન ડી.વી. મહેતા

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપની જય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તાજેતરમાં ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અદાણી ફાઉન્ડેશન અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આયોજીત ઉડાન કાર્યક્રમ અંતર્ગત અદાણી ગ્રુપ સાથે થવા જઇ રહેલ એમ.ઓ.યુ ના ભાગરુપે કચ્છના મુન્દ્રા સ્થિત અદાણી પાવર પ્લાન્ટ , અદાણી પોર્ટ અને અદાણી વિલમર ફેક્ટરીની ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું .

Advertisement

જીનિયસ ગ્રુપના ચેરમેન  ડી વી મહેતા એ જણાવ્યું હતું કે શાળા કક્ષાથી જ વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરાવવામાં આવે તો તેમનામાં ઑન્ટ્રપ્રનરશીપ , ગ્લોબલ સિટીઝનશીપ , ઉધોગસાહસિકતા અને વ્યવહારિક જ્ઞાન કેળવાય છે . આજનો યુવાવર્ગ ખુબ ઉર્જા અને વિશ્વાસ સાથે નવા યુગની ઔદ્યોગિક માંગને પુરી કરવા માટે ઉત્સાહિત છે . તેથી જો વિદ્યાર્થીકાળથી તેમને ઔદ્યોગિક એકમોની મુલાકાત કરાવવામાં આવે તો તેઓ દેશના અર્થતંત્રને વધુ સારી રીતે સમજી શકે તથા ભવિષ્યમાં તેમની કારકીર્દિ માટે વધુ સારો દ્રષ્ટીકોણ કેળવી શકે છે.

વિદ્યાર્થીઓએ અદાણી પોર્ટ પર જહાજો કેવી રીતે આવે છે અને તેની કાનૂની પ્રક્રિયા શું છે તે વિશે જાણ્યું હતું. આ ઉપરાંત ભારત કયા દેશો સાથે અને કયો માલ આયાત અને નિકાસ કરે છે તે વિશે પોર્ટના સુપરવાઈઝરે માહિતી આપી હતી . ત્યારબાદ વિદ્યાર્થીઓએ ખાનગી ક્ષેત્રમાં ભારતના સૌથી મોટા પાવર પ્લાન્ટ એવા અદાણી પાવર પ્લાન્ટની મુલાકાત લીધી હતી તેમજ અદાણી વિલમર ફેક્ટરી આઉટલેટની પણ મુલાકાત લીધી હતી . વિદ્યાર્થીઓએ સામાન્ય જનતા માટે દુર્લભ એવી આ મુલાકાત દ્વારા અભ્યાસના પુસ્તકમાં આવતી અદાણી પોર્ટ વિશેની તમામ માહિતી રુબરુ જોઇ તેમજ વધુ સારા દ્રષ્ટીકોણ સાથે સમજી હતી.

આ ઔધોગિક મુલાકાતના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન  ડી . વી . મહેતા , સીઇઓ  ડિમ્પલબેન મહેતા , જય ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ  જોઇતા રે ચૌધરી અને જય ઇન્ટરનેશનલ સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ   ચાર્મી સેદાણીના માર્ગદર્શનમાં કૃપા દવે , નવનિત ઠકરાર , ધારા મુલેશિયા , પ્રજ્ઞા દવે અને સિધ્ધાર્થ સામાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.