શાપર: પડવલામાં ત્રીજા માળેથી પટકાતાં માસુમ બાળકીનું મોત

રમતી વેળાએ રેલિંગમાંથી સરકી બાળકી નીચે પટકાઈ: પરિવારમાં આક્રંદ

શાપર નજીક આવેલા પડવલા ગામે કંપનીના મકાનમાં ત્રીજા માળે રહેતા પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની માસૂમ બાળકી ત્રીજા માળેથી પટકાતાં કરુણ મોત નિપજ્યું હોવાનુ સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર નજીક આવેલા પડવલા ગામમાં રહેતા અને ભાવેશ ટેકનો ફોજીંગમાં કામ કરતા નારણભાઈ માંડલની અઢી વર્ષની માસૂમ બાળકી સરસ્વતી ત્રીજા માળે રમતી હતી. તે દરમિયાન તે રેલિંગની વચ્ચેની જગ્યાએથી સરકી જતા ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી.

લોહી લુહાણ હાલતમાં બાળકીને તુરંત સારવાર માટે ગોંડલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ જ્યાં સારવાર કારગત ન નિવડતા તેણીનું મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી