Abtak Media Google News

એસજીવીપી અને મેમનગર  ધર્મજીવનદાસજી સ્વામીની 35મી પુણ્ય તિથીએ  વિદ્યાર્થીઓ દ્વારા અખંડ મંત્રલેખન,ધૂન સહિતના વિવિધ કાર્યક્રમો

એસજીવીપી ગુરુકુલમાં અને મેમનગર ગુરુકુલમાં  પૂ. શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં  ગુરુકુલના આદ્ય સંસ્થાપક પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી મહારાજ  ધર્મજીવનદાસજી સ્વામીની 35મી પુણ્ય તીથિએ  ધૂન, ભજન અને મંત્રલેખન વગેરે કરી શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી.

Advertisement

શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,શાસ્ત્રીજી મહારાજે રાજકોટમાં ગુરુકુલની સ્થાપના કરીને  સંપ્રદાયમાં મોટા ક્રાન્તિ આણી છે.પોતે મહાન સંત હતા તો પણ વ્યક્તિ પૂજામાં લેવાયા નથી.ગમે તેવા કપરાં કાળમાં પણ ડગ્યા નથી.અડગ રહ્યા છે.પોતે સાવધાન અને જાગૃત સંત હતા.ભગવાન ઉપર પૂર્ણ ભરોંસો હતો

આ પ્રસંગે પૂ. શા.માધવપ્રિયદાસજી સ્વામીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા  જણાવેલ કે, શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી  નાનકડા ખોબા જેવા અમરેલી જિલ્લાના તરવડા ગામમાં તેમનુ  અવતરણ થયું હતું. નાનપણથીજ તેનામાં જન્મજાત પરમહંસના લક્ષણો હતા. સદ્. બાલમુકુન્દદાસજી સ્વામી દ્વારા એમની મુમુક્ષુતાનું પોષણ થયું હતું. તેમજ સદ્ગુરુ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી અને સદ્ગુરુ સ્વામી નારાયણદાસજી સ્વામી જેવા પવિત્ર સંતોની હૂંફથી એ પરમહંસને પાંખો ફુટી.

સમર્થ સંતપુરુષોની શ્રદ્ધા પૂર્વકની સેવાથી એમના ઉપર આશિષોના અમૃત વરસ્યા. પરિણામે એમનું એકાંતિક ધર્મમય સંતજીવન ખીલી ઉઠ્યું અને ધર્મજીવનદાસજી નામ પણ સાર્થક થયું.

ગુણાતીત પરંપરાનું સર્વોપરિ જ્ઞાન અને ઉપાસના તો એમની ગળથૂથીમાં હતા. સાથો સાથ વડતાલ સાત વરસ કરેલા શાસ્ત્રોના ગહન અભ્યાસથી એ જ્ઞાન અને ઉપાસનાએ અગાધ સાગરનુ રુપ ધર્યું.

આજથી 70 વર્ષ પૂ્ર્વે જ્યારે એમણે શૂન્યમાંથી સર્જન કરતા હોય તેમ ગુરુકુલના બીજ રોપ્યા ત્યારે કોઇ કલ્પના પણ નહોતી કે આ પ્રયોગ વટ વૃ્ક્ષ બની જશે.

ઘણા મહાપુરુષો પોતે જીવનકાળમાં ઘણું મહત્વનું પ્રદાન કરતા હોય છે.પણ મોટા ભાગ્યે તેમના પછી શૂન્યાવકાશ સરજાતો હોય છે. પરંતુ  આ મહાન સંતવર્યે એવું સંસ્કાર ને સેવાપૂર્ણ વાતાવરણ સર્જ્યું, એવો વેગ લગાડી દીધો, જેને લીધે તેમણે વહાવેલો સેવા પ્રવૃતિનો અને ભજન ભકિતનો પ્રવાહ માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા એસજીવીપી ગુરુકુલ,અને પૂરાણી બાલકૃષ્ણદાસજીસ્વામી દ્વારા મેમનગ અમદાવાદ મેમનગર,દ્રોણેશ્વર,રીબડા,રાજકોટ, જુનાગઢ,તેમજ સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામી,સદગુરુ દેવપ્રસાદદાસજી સ્વામી,સદગુરુ ધર્મવલ્લભદાસજી સ્વામી, કૃષ્ણપ્રિયદાસજી સ્વામી વગેરે સંતો તરવડા, હૈદ્રાબાદ, સુરત સ્થળે  સત્સંગ અને સંસ્કારનો  પ્રવાહ  વહાવી રહ્યા છે.

ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સમર્થ સિદ્ધ સંત હોવા છતાં વ્યકિતપૂજાથી સર્વથા પર હતા.શિક્ષણ  અને સેવાની વિવિધ પ્રવૃતિઓ છતાં એમનું અયાચક વ્રત અજોડ અને અખંડ રહ્યું  હતું.તેઓ કહેતા કે મારે જરુર પડશે તો ભગવાન પાસે માગીશ પણ માણસ પાસે લાંબો હાથ કરીને માંગીશ નહીં. સર્વોપરિ ભગવાનને ખોળે બેસી ભિખારી થાઉં તો મારા ભગવાનને શરમ આવે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.