Abtak Media Google News

મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ :  રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

કેરળના મલપ્પુરમ જિલ્લામાં રવિવારે એક ટૂરિસ્ટ બોટ પલટી જતાં 21 લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર બોટમાં 30થી વધુ લોકો સવાર હતા. કેરળના ખેલ મંત્રી વી અબ્દુર્રહમાને વિવિધ હોસ્પિટલોમાંથી મળેલી માહિતીના આધારે 20 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. 4 લોકોને ગંભીર હાલતમાં કોટ્ટક્કલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાના કયા કારણોસર બની તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, સ્થાનિકોના જણાવ્યા મુજબ, બોટ ખીચોખીચ ભરેલી હતી અને તેમાં પૂરતા લાઇફ-જેકેટ્સ નહોતા. જેના કારણે આવી ઘટના બની છે.

આ દુર્ઘટના રવિવારે સાંજે લગભગ 7 વાગે મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં તુવાલાથીરામ બીચ નજીક બની હતી. બોટને કિનારે લાવવામાં આવી છે. ફાયર રેન્જ ઓફિસર શિજુ કેકેએ જણાવ્યું હતું કે બોટમાં કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી. આવી સ્થિતિમાં હજુ વધુ લોકો ફસાયા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે ટ્વીટ કર્યું – કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનામાં લોકોના મોતથી હું દુખી છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.