Abtak Media Google News

૬ કડિયાનાકાઓ ઉપર ૨૪૬૦ બાંધકામ શ્રમિકોએ રૂ.૧૦માં ભોજનનો લાભ લીધો રાજયનાં ૭૪ કડિયાનાકાઓમાં આ યોજના ટુંક સમયમાં અમલી બનશે

રાજય સરકારની મહત્વાકાંક્ષી અને ગરીબલક્ષી એવી રાજયના બાંધકામ શ્રમિકોને ‚રૂ.૧૦/-માં પોષ્ટિક ભોજન પુરૂ પાડતી ‘શ્રમિક અન્નૂપૂર્ણા યોજના’નો પ્રાયોગિક આરંભ રાજયના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના ૬ કડિયાનાકાઓ પર કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના અખબારનગર કડિયાનાકા ખાતે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધ્યક્ષ ડો.અનિલ પટેલે અને ગાંધીનગર ઘ-૨ કડિયાનાકા ખાતે રાજયના શ્રમ રોજગાર વિભાગના અગ્રસચિવ રાજીવકુમાર ગુપ્તાએ બાંધકામ શ્રમિકોની વચ્ચે ઉપસ્થિત રહી, સમગ્ર ભોજન વિતરણ વ્યવસ્થા નિહાળી જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું.

બાંધકામ બોર્ડના અધ્યક્ષ ડો.અનિલ પટેલે રાજયના શ્રમિક વર્ગના કલ્યાણને વરેલી રાજય સરકાર દ્વારા બાંધકામ શ્રમિકોને રૂ.૧૦/-માં પૌષ્ટિક ભોજન પુરુ પાડવાની યોજનાને, શ્રમિકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે આવનાર દિવસોમાં રાજયના તમામ કડીયાનાકાઓ પર તમામ બાંધકામ શ્રમિકોને એમાં આવરી લેવાની નેમ વ્યકત કરી હતી. બાંધકામ બોર્ડના ડિરેકટર મનોજ જોષીએ પણ કડિયાનાકાઓ પરની વ્યવસ્થા અને ભોજન વિતરણનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં બાંધકામ બોર્ડના અધ્યક્ષ ડો.અનિલ પટેલે અમદાવાદ ખાતેના અખબારનગર કડીયાનાકાએ ઉપસ્થિત બાંધકામ શ્રમિકોના ગ્રુપ સાથે શ્રમિક અન્નપૂર્ણા યોજના તથા બોર્ડની વિવિધ યોજનાકીય વિશે સંવાદ કર્યો હતો.

યોજનાની કામગીરીનું પ્રત્યક્ષ દર્શન કરીને રાજીવકુમાર ગુપ્તાએ પણ બાંધકામ શ્રમિકોને પીરસાતા ભોજન અને અહીં ગોઠવાયેલી વ્યવસ્થા નિહાળી આવનાર દિવસોમાં જયારે આ યોજનાનો વ્યાપ રાજય સ્તરે વિસ્તરવાનો છે ત્યારે વધુ ચિવટ, ફરજનિષ્ઠા અને સખત પરિશ્રમ સાથે કામ કરવા ઉપસ્થિત અનુરોધ કર્યો હતો.

સુરત ગોત્રી કડિયાનાકા ખાતે બાંધકામ બોર્ડના ડિરેકટર દિપનભાઈ દેસાઈએ અને રાજકોટના રૈયા ચોકડી કડિયાનાકા ખાતે લેબર કમિશ્નર એમ.એ.ગાંધીએ ઉપસ્થિત રહી આ યોજનાના પ્રાયોગિક શુભારંભનું સંપૂર્ણ મોનીટરીંગ સંભાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બાંધકામ શ્રમિકોની સેવાને સમર્પિત રાજય સરકાર દ્વારા, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના માધ્યમથી તેના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને પ્રતિ રોજ સવારના ૭:૩૦ થી ૧૦:૩૦ કલાક દરમિયાન રોટલી, થેપલા, મીક્ષ શાક, અથાણું, ચટણી, લીલા મરચા અને સપ્તાહે એકવાર સુખડી માત્ર રૂ.૧૦માં કડિયાનાકાઓ પરથી શ્રમજીવીઓને તેમના ટિફિનમાં આપવાની યોજનાનો પ્રાયોગીક આરંભ થયો છે, જેને બાંધકામ શ્રમિકોનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. જે રાજયના ૭૪ કડિયાનાકાઓ પર ટુંક સમયમાં અમલી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.