Abtak Media Google News

પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમીત શાહ અને જે.પી. નડાને મળવા દિલ્હી ગયા, ભાજપમાં જોડાઈ તેવી શકયતા : પંજાબના રાજકારણમાં નવાજુનીના એંધાણ

અબતક, નવી દિલ્હી : પંજાબના રાજકારણમાં વિવાદ થોભવાનું નામ લઈ રહ્યો નથી. એક પછી એક નવા નવા ધમાકાઓ થઈ રહ્યા છે. આજે કેપ્ટન અમિત શાહ અને જેપી નડાને મળવા દિલ્હી પહોચ્યા છે. તેઓ ભાજપમાં જોડાઈ તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તેવામાં પંજાબના કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંઘ સીધુએ તેમના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

પંજાબમાં મુખ્યમંત્રી પદ પરથી હટ્યા પછી કેપ્ટન અમરિંદર સિંઘ આજે સાંજે દિલ્હી પહોંચી રહ્યાં છે. અહીં તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળી શકે છે. આ વાતને લઈને હાલ પંજાબનું રાજકારણ ગરમાયું છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કેપ્ટન ભાજપમાં જોડાઈ શકે છે. વિરોધી પાર્ટીઓ અને રાજકીય એક્સપર્ટથી લઈને કોંગ્રેસ પણ કેપ્ટનના વલણની રાહ જોઈ રહી હતી. અમરિંદર સિંહે નવજોત સિદ્ધૂ સાથે ચાલી રહેલા વિવાદ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે પછી કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

કેપ્ટને જ્યારે પદ પરથી રાજીનામું આપ્યું તો ભાજપમાં ન જવા બાબતે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. કેપ્ટને કહ્યું કે તમામ વિકલ્પ ખુલ્લા છે. રાજકારણના 52 વર્ષના અનુભવ અને સાડા 9 વર્ષ મુખ્યમંત્રી રહેવા પર તેમન ઘણા દોસ્ત બન્યા છે. તે સમર્થકો સાથે ચર્ચા-વિચારણ કરીને નિર્ણય લેશે. અમિત શાહની તેમણે અગાઉ પણ મુલાકાત કરી હતી. જોકે ત્યારે તે પોતે મુખ્યમંત્રી હતા. હવે તેમના અચાનક ગોઠવાયેલા દિલ્હી પ્રવાસથી તે ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે.

અગાઉ કેપ્ટને કહ્યું હતું કે તેમણે અપમાનિત થઈને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું. તે પછી તેમણે સિધુ પર પ્રહાર કર્યો હતો. સિધુને એન્ટી નેશનલ ગણાવીને તેમણે જાહેરાત કરી હતી કે તે સિધુને મુખ્યમંત્રી બનવા દેશે નહિ. સિધુની જીતને રોકવા માટે મજબૂત ઉમેદવાર ઉતારશે. જ્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અનુભવ વગરના ગણાવ્યા હતા. કેપ્ટને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અજય માકન અને કેસી વેણુગોપાલ પર પણ શાબ્દીક પ્રહારો કર્યા હતા.

બીજી તરફ નવજોત સિંઘ સિધુએ પંજાબમાં કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવજોત સિંઘે સોનિયા ગાંધીને રાજીનામું મોકલી દીધું છે. સિધુએ કહ્યું છે કે, મેં અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે પરંતુ કોંગ્રેસ માટે કામ કરતો રહીશ.સિધુએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમનું રાજીનામું મોકલ્યું છે. રાજીનામા પછી સિધુએ કહ્યું કે, પંજાબના ભવિષ્ય સાથે સમજૂતી ના કરી શકું. તેમણે એવું પણ કહ્યું છે કે, સમજૂતી કરતાં વ્યક્તિનું ચરિત્ર ખતમ થઈ જાય છે. હું કોંગ્રેસ માટે કામ કરતો રહીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.