Abtak Media Google News

પંજાબમાં કોંગ્રેસનું બળતુ ઘર ઠારવા માટે અમૃતસર અને ચંદીગઢથી છેક નવીદિલ્હી સુધી શરૂ થયેલા પ્રયાસોમાં કોંગ્રેસને સફળતા મળશે કે કેમ ? તે અંગે ખુદ કોંગ્રેસના ટોચના કેટલાંક નેતાઓ પણ અસમંજસ અનુભવી રહ્યાં છે. બીજી તરફ ભાજપમાં અવનવા રાજકીય ગઠબંધની શકયતાઓ પણ પંજાબની રાજકીય ક્ષીતીજ પર નજરે પડી રહી છે. કેપ્ટન અમરિન્દરસિંઘની મુખ્યમંત્રી તરીકેની ખુરશી પર વાદળો વધુ ઘેરાય તો તેઓ બાદલ જુથની નજીક સરકી સીરોમણી અકાલી દલની પાંખમાં ઘુસવાની પેરવી કરી શકે છે તેવું રાજકીય પક્ષોનું માનવું છે. બીજી તરફ ભાજપ હવે પંજાબમાં કોઈને ટેકો દેવા કે લેવા માંગતું નથી તો ગઈકાલે બનેલી એક મહત્વપૂર્ણ ઘટનામાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘનો ભત્રીજો નવજોતસિંઘ સિધુને સાથે રાખીને બાદલને મળ્યો તેના પગલે ભારે રાજકીય આંધી ઉભી થવા પામી છે.

અનેક રાજકીય શકયતાઓ અને અવનવા ગઠબંધનો જોઈ રહ્યાં છે રાજકીય નિષ્ણાંતો

કેપ્ટન અને બાદલ નજીક આવી શકે ? કોંગ્રેસ માટે સિધુ વધુને વધુ શિરદર્દ સર્જે છે

પંજાબમાં સિધુ પાજી સાથે મુખ્યમંત્રીના ભત્રીજાની મુલાકાતને પગલે ચર્ચાની આંધી: શું કેપ્ટન સામે ભત્રીજો જ બગાવત કરશે

અવનવા સમીકરણો હવે રચાઈ રહ્યાં છે. ક્યારેય શું બને તે કહેવા માટે લાંબુ મનોમંથન કરવું પડે તેવી રાજકીય ઘટનાઓ ઝડપથી બની રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ઘણા દિવસો સુધી રાહ જોવડાવીને સિધુ પાજીને મુલાકાત આપી હતી. ત્યારબાદ પંજાબથી દિલ્હી સુધીની રાજકીય લોબીમાં એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે, કોંગ્રેસના મોવડીઓ સિધુ પાજીને પંજાબમાં કોઈ મોટી જવાબદારી સોંપવા માંગે છે.

તેનો અર્થ એ થયો કે, કોંગ્રેસના નેતાઓ કેપ્ટનને સાનમાં સમજી જવા અને સિધુ સાથે સમાધાન કરી લેવાનું દબાણ કરી શકે છે. કોંગ્રેસની નજર પંજાબની 34 દલીત બેઠકો ઉપર છે. એટલે પોતાના દલીત નેતાને નારાજ કરવાનું કોંગ્રેસ કોઈ રાજકીય જોખમ લઈ શકે તેમ નથી. જો કેપ્ટન પર વધુ દબાણ થશે તો તેઓ બાદલ સાથે ગઠબંધન કરવાની દિશામાં જઈ શકે તેવું પણ રાજકીય નિરીક્ષકો માની શકે. જો એવું થાય તો સિધુને મોટી મહત્વની તક મળી શકે છે. એ આખો અલગ પ્રકારનો રાજકીય તર્ક છે. સિધુને સાથે રાખીને કેપ્ટન અમરિન્દરસિંઘના ભત્રીજાએ મનપ્રિત બાદલ સાથે મુલાકાત કરી ત્યારથી પંજાબમાં ત્રીજો મોરચો રચાવાની હવા પણ ફેલાવા લાગી છે.

કોંગ્રેસ અને ભાજપની સામે ત્રીજો મોરચો ખડો કરવા માટે બાદલ સાથે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. આ રીતે મુખ્યમંત્રીની સામે તેમના ભત્રીજાની બગાવત પંજાબના રાજકારણમાં નવું પરિમાણ ઉમેરી રહી છે. આગામી દિવસો ખુબજ રસપ્રદ બની રહેશે. કેમ કે કોંગ્રેસની નેતાગીરી સિધુને મનાવવાની સાથે સાથે સરકારને પણ બચાવવા માટે પ્રયત્નશીલ છે.

જો કેપ્ટન વધુ નારાજ થાય તો કોંગ્રેસને પંજાબ ગુમાવવાનો વારો આવી શકે. કેપ્ટન અને બાદલ વચ્ચેની નજદીકીઓ લાંબો સમયથી રાજકીય આલમમાં ચર્ચાનો વિષય રહી છે. કેમ કે, જાહેરમાં બન્નેમાંથી કોઈએ એકબીજાની ટીકા કરી નથી કે માછલા પણ ધોયા નથી. રાજકીય હરિફો રહ્યાં હોવા છતાં બન્નેએ જાહેરમાં એકબીજાની ટીકા કરવાનું શિફતપૂર્વક ટાળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.