તસ્કરો બન્યા ડિજિટલ…જૂનાગઢ: મોબાઇલ શો-રૂમની ચોરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યાની કબૂલાત

અબતક-દર્શન જોષી-જૂનાગઢ

જૂનાગઢ શહેરમાં મોબાઇલની દુકાનમાં થયેલ મોબાઈલ ફોનની ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપીઓ જુદા-જુદા રાજ્યોના જુદા-જુદા શહેરોમાં પકડાયેલ હોવાની તેમજ વોન્ટેડ ચાદર ગેંગના આંતર રાજ્ય ગુન્હેગારો હોવાની સાથે ચાદર ગેંગની સંપૂર્ણ રસપ્રદ મોડ્સ ઓપરેન્ડી બહાર આવેલ છે

જૂનાગઢની મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીમાં પકડાયેલ તમામ આરોપીઓની પોલીસ રિમાન્ડ દરમિયાન જૂનાગઢ ડિવિજનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ.પટેલ તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા ચાદર ગેંગની સંપૂર્ણ રસપ્રદ મોડ્સ ઓપરેન્ડી બહાર આવેલ છે. જેમાં, સૌ પ્રથમ જે રાજ્યમાં ચોરી કરવા જાય છે તે શહેરમાં મકાન ભાડે રાખીને રહે છે, ત્યાંથી ગૂગલ મેપ ઉપર તે રાજ્યનું કોઈપણ શહેર સિલેક્ટ કરી, તેમાં મોબાઈલના મોટા શો-રૂમ ચેક કરી, અમુક શો-રૂમ ટાર્ગેટ કરવામાં આવે છે. બાદમાં આરોપીઓ ગુલશન અને નઇમ સિલેક્ટ કરવામાં આવેલ શહેરમાં રેકી કરવા આવે છે અને રેકી દરમિયાન શો-રૂમની વિઝીટ પણ કરે છે અને મોબાઇલની સંખ્યા તથા મુદામાલ દુકાનમાં છે કે કેમ..?

ગૂગલ મેપમાંથી મોબાઇલના મોટા શો-રૂમના લોકેશન શોધી,
રેકી કર્યા બાદ ચાદર ગેંગ ચોરીને અંજામ આપતી’તી

શો-રૂમ કે દુકાનના શટરની વચ્ચે લોક છે કે કેમ…?  તે ચેક કરી, બે દિવસ બાદ ગેંગના તમામ આરોપીઓ ગુન્હાને અંજામ આપવા સામાન્ય રીતે એસટી અથવા રેલવેમાં જે તે શહેરમાં ટાર્ગેટ કરેલ શો રૂમ ઉપર જાય છે. ચોરી કરવા સમયે પોતાના મોબાઈલ સાથે રાખતા નથી અને હોય તો પણ સ્વીચ ઓફ રાખે છે. સમગ્ર ઓપરેશન દરમિયાન મોબાઈલ ફોન ચાલુ પણ કરતા નથી. શો રૂમ ઉપર પણ બે માણસો દ્વારા શટર ઊંચું કરવામાં આવે છે, બે આરોપીઓ ચાદર પકડવાનું કામ કરે છે અને આરોપી ગુલશન જેવો પાતળો યુવાન શટર નીચેથી પ્રવેશ કરી, કેમેરા ચેક કરી, વાયરો કાપી, ડિસ્કનેક્ટ કરવાનું કામ કરે છે તેમજ મોબાઈલના બોક્સ ફટાફટ કાપી, માત્ર મોબાઈલ કાઢી લેવામાં આવે છે, જેથી નાના થેલામાં વધુમાં વધુ મોબાઈલ સમાઈ શકે.

બે ત્રણ આરોપીઓ રસ્તા ઉપર આવતા જતા માણસો ઉપર વોચ રાખે છે. અડધી પોણી કલાકમાં પોતાનું કામ પતાવી, ફટાફટ નીકળી જાય છે અને એસટી રેલવે મારફતે જે શહેરમાં રોકાયેલા હોય ત્યાં પહોંચી જાય છે. આ ચાદર ગેંગના આરોપીઓ સામાન્ય રીતે ચોરી કરવા માટે વહેલી સવારનો સમય પસંદ કરતાં હોય છે. પકડાયેલ ગેંગ ચોરી કરવામાં ચાદરનો ઉપયોગ કરતા હોવાથી ચાદર ગેંગ તરીકે અને બિહાર રાજ્યના ઘોડાશનના રહેવાસી હોવાથી ઘોડાશન ગેંગ તરીકે ઓળખાતા હોવાની બાબત પણ પોલીસ રિમાન્ડ દરમિયાન જાણવા મળેલ છે.