ભાણવડ સેલ્સ એજન્સીમાં એસ.ઓ.જી.નો દરોડો ડુપ્લીકેટ તંબાકુ સાથે એક ઝડપાયો

અસલી કંપનીના લોગો મારી ગ્રાહકોને છેતરતો’તો: રૂ. 65,230નો મુદામાલ જપ્ત

 

અબતક,વિનાયક ભટ્ટ, ખંભાળીયા

દેવભૂમિ-દ્વારકાના ભાણવડ ગામે એક વેપારી અસલી કંપનીનો લોગો મારી ગ્રાહકોને નકલી તંબાકુ અને બીડીનું વેચાણ કરતો હોવાની એસઓજીને બાતમી મળતા પોલીસે દરોડો પાડી રૂ.65,230નો નકલી તંબાકુનો જથ્થો જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાણવડમાં રણજીતપરા વિસ્તારમા આવેલા આદિત્ય કોમ્પ્લેક્ષમાં આદર્શ સેલ્સ એજન્સી નામની દુકાનમાં અમિત મનસુખ પતાણી નામનો શખ્સ નકલી તંબાકુનો માલ સામાન વેચતો હોવાની જાણ દેવભૂમિ દ્વારકા એસઓજીનાં એએસઆઈ બી.એન.ગાગીયાને બાતમી મળી હતી.

જે અંગે એસઓજીનાં પીઆઈ જે.એમ.પટેલ, એએસઆઈ બી.એન.ગાગીયા સહિતના સ્ટાફે આદર્શ સેલ્સ એજન્સીમાં દરોડો પાડયો હતો. જેમાં આરોપી અમિત પતાણી અસલી કંપનીના લોગોનો ઉપયોગ કરી ગ્રાહકોને નકલી તંબાકુ બીડી વેચતો હોવાનું સામે આવ્યું હતુ.

જેથી પોલીસે; ડુપ્લીકેટ સાબળે બીડીના 74 પેકેટ, રાજકમલ બીડીના 10 પેકેટ, 11 નંબર ટ્રેન બીડીના 61 નંગ, ડુપ્લીકેટ બુધાલાલ તંબુકાના 57 પેકેટ અને બાગબાન તંબાકુના 27 ડબ્બા મળી કુલ રૂ.65,230ની કિંમતનો મુદામાલ સાથે એસઓજીએ અમિત પતાણીની ધરપકડ કરી છે.