Abtak Media Google News

ફિલિપાઈન્સમાં ચક્રવાત ’રાય’એ ભારે વિનાશ વેર્યો:208 લોકોના મોત

અબતક, મનાલી

ફિલિપાઈન્સમાં આ વર્ષે ચક્રવાતને લીધે ભારે તબાહી મચી છે. રવિવારે સરકારે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ વાવાઝોડાને કારણે 208 લોકોનાં મોત થયા છે. જોરદાર પવન સાથે ચક્રવાત ’રાય’ ફૂંકાતા ભયંકર વિનાશ વેરાયો હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભોજન અને પાણી પહોંચાડવાના પ્રયાસો ચાલુ છે. ચક્રવાતને લીધે ત્રણ લાખથી વધુ લોકો પોતાના ઘર અને રિસોર્ટ છોડીને સલામત સ્થળે જતા રહ્યા છે. વાવાઝોડા પછી થયેલી તબાહી બાદ બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં સંચાર અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વીજ પોલ તેમજ કેટલાક ઘરોની છત ધરાશાઈ થઈ ગયા છે અને ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.

બોહોલના ગર્વનર આર્થર યાપે ફેસબુક પેજ પર જણાવ્યું કે, અલગ-અલગ શહેરોના મેયરે વાવાઝોડામાં 49 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ચક્રવાતને લીધે અત્યાર સુધી કુલ 114 લોકોનાં મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે અને 10 લોકો હજુ લાપતા છે જેમની શોધખોળ ચાલી રહી છે. દાન કરતી સંસ્થાઓ પાસેથી મદદ માંગવામાં આવી છે. ગુરુવારે ચક્રવાત ’રાય’ની ઝડપ 195 કિલોમીટર પ્રતિ કલાક હતી. યાપેના જણાવ્યા મુજબ સંચાર સેવા સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે. બચાવ કામગીરી ચાલુ છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ઊંચા સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. હજારો મિલિટરી અને પોલીસકર્મીઓ બચાવ કામગીરીમાં જોડાયા છે. ચક્રવાતને લીધે રસ્તા પર કાટમાળ પડ્યો છે અને ઝાડ તેમજ વીજ પોલ પણ ધરાશાયી થઈ ગયા છે. કાટમાળને ખસેડવા મશીનો કામે લગાડવામાં આવ્યા છે.

બીજી બાજુ મલેશિયામાં ભારે વરસાદનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભારે વરસાદને કારણે દેશભરમાં અરાજકતાનો માહોલ છે. હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. સતત વરસાદને કારણે દેશમાં પૂર આવ્યું છે, રવિવારે 30 હજાર કરતા વધુ લોકોને તેમના ઘરોમાં ખાલી કરવાની ફરજ પડી છે. પૂરના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને શિપિંગ પણ ખોરવાઈ ગયું છે.દેશ ઘણા વર્ષો બાદ આવેલા આવા સૌથી ખરાબ પૂરનો સામનો કરી રહ્યો છે. શુક્રવારથી ધોધમાર વરસાદને કારણે નદીઓ ઓવરફ્લો થઈ ગઈ છે, ઘણા શહેરી વિસ્તારો ડૂબી ગયા છે અને મુખ્ય રસ્તાઓ સાથે સંપર્ક કપાઈ ગયો છે. જેના કારણે હજારો વાહનચાલકો ફસાઈ ગયા છે.આઠ રાજ્યો અને પ્રદેશોમાં 30 હજારથી વધુ પૂર પીડિતો સત્તાવાર સરકારી વેબસાઇટ પર નોંધવામાં આવ્યા હતા, જેમાંથી 14 હજારથી વધુ મધ્ય રાજ્ય પહાંગમાં હતા.

વડા પ્રધાને રાહત ફંડની જાહેરાત કરી દેશમાં પૂરના કહેર પર વડાપ્રધાન ઈસ્માઈલ સાબરી યાકુબનું નિવેદન સામે આવ્યું છે. શનિવારે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં પીએમએ કહ્યું કે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે પૂરમાં ફસાયેલા લોકોને તેમના આશ્રયસ્થાનો સુધી પહોંચવામાં મદદ કરવા માટે પોલીસ, સેના અને ફાયર વિભાગના 66 હજારથી વધુ જવાનોને દેશભરમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે પૂર પીડિતો માટે ઝડપી સહાય અને ક્ષતિગ્રસ્ત મકાનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમારકામ માટે 100 મિલિયન રિંગિટ (23.7 મિલિયન ડોલર) ના પ્રારંભિક રાહત ફંડનું વચન આપ્યું હતું.

પૂરના ઘટનાક્રમ પર નજર રાખતી સરકારી વેબસાઇટ અનુસાર, શનિવારે દેશના 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આઠમાં પાણીનું સ્તર ખતરનાક સ્તર કરતા વધી ગયું હતું, આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ બગડી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રવિવાર સુધી સેલંગોર, કુઆલાલંપુર અને કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. વરસાદના પ્રકોપને જોતા લોકો ઘર છોડીને જગ્યા બદલી રહ્યા છે.જ્યારે ઈન્ડોનેશિયામાં ફરી એકવાર જ્વાળામુખી ફાટવાનો ખતરો વધ્યો છે જેને લઈને એલર્ટ જારી કરાયું છે. જાવા ટાપુમાં સૌથી વધુ જ્વાળામુખી ફાટી નીકળે તેવી આશંકા સાથે ઈન્ડોનેશિયાના સત્તાવાળાઓએ એલર્ટ જાહેર કર્યું છે. ઓથોરિટીએ માઉન્ટ સેમેરુમાં ફરીથી જ્વાળામુખી ફાટવાની શક્યતા વ્યક્ત કરી છે.  આ મહિનાની શરૂઆતમાં, સેમેરુમાં અચાનક જ્વાળામુખી ફાટવાથી 48 લોકો માર્યા ગયા હતા અને 36 અન્ય લોકો ગુમ થયા હતા.  ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સીએ શનિવારે કહ્યું કે તેણે વધતી ગતિવિધિ જોઈ છે, જેના કારણે 4 ડિસેમ્બરની જેમ જ્વાળામુખી ફાટવાની સંભાવના છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.