Abtak Media Google News

રાજકોટના ભૂતપૂર્વ રાજવીને અપાશે ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ

રાજકોટના પૂર્વ રાજવી, પૂર્વ નાણાં અને આરોગ્ય મંત્રી શ્રી મનોહરસિંહજી જાડેજા- દાદાની પ્રથમ પૂણ્યતિથી નિમિત્તે એક ગરિમા પૂર્ણ શ્રધ્ધાજલિ, સ્મરણાંજલિના કાર્યક્રમનું આયોજન તા. ૨૭ સપ્ટેમ્બર, શુક્રવારે સાંજે પાંચ વાગ્યે રાજકોટના રણજિત વિલાસ પેલેસ ખાતે કરવામાં આવ્યું છે. પ્રજાપ્રિય રાજા, લોકપ્રિય નેતાની વિદાયને એક વર્ષ પૂર્ણ થઇ ગયું પરંતુ એમની સ્મૃતિ અને કરેલાં કાર્યોની સુવાસ હજી અકબંધ છે.

11 2 12

પેલેસ રોડ પર આવેલા રાજવી પરિવારના નિવાસસ્થાન રણજિત વિલાસ પેલેસના પરિસરમાં યોજાનારા આ કાર્યક્રમ અંગે વિગત આપતાં રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું કે પૂ.દાદા સ્મૃતિ રુપે આજે પણ આપણી વચ્ચે છે. રાજકોટના લોકોનો પ્રેમ એમના માટે સદા જીવંત છે. આપણે એમને યથોચિત સ્મરણાંજલિ આપવા એકત્ર થઇ રહ્યા છીએ. સ્મરણોના સથવારે કાર્યક્રમ અંતર્ગત પૂ.દાદાને ભાવાંજલિ અર્પશું. કાર્યક્રમની શોભા બે સંતો વધારશે. ભાગવત કથાકાર પૂ. શ્રી રમેશભાઇ ઓઝા, ભાઇશ્રી આ અવસરે આશીર્વચન પાઠવશે. બીએપીએસ મંદિર રાજકોટના સંત શ્રી અપૂર્વમુની સ્વામી  પણ આ અવસરે એમની પાવન વાણીનો લાભ આપશે. રાજવી પરિવાર સાથે, પૂ. દાદા સાથે વર્ષોથી અંગત નાતો ધરાવતા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા પણ આ અવસરે પધારશે અને દાદા સાથેના પોતાના સંસ્મરણોની ગઠરી ખોલશે. જાણીતા વક્તા,લેખક જય વસાવડા અને પત્રકાર-લેખક જ્વલંત છાયા મનોહરસિંહજી દાદાના જીવન વિશે વક્તવ્ય આપશે.  સમગ્ર કાર્યક્રને શબ્દો થકી, સંયોજન થકી ગૂંથવાનું કામ કરશે જાણીતા કવિ અને સંચાલક અંકિત ત્રિવેદી. દાદા તો બહુઆયામી વ્યક્તિત્વ હતા. એમણે કવિતાઓ પણ ઘણી લખી. આ કવિતાઓ માંથી કેટલીક રચનાનું ગાન જાણીતા ગાયિકા ગાર્ગી વ્હોરા કરશે. સ્મરણાંજલિના  આ કાર્યક્રમમાં પૂ. દાદાના સમગ્ર જીવનને આવરી લેતી એક દસ્તાવેજી ફિલ્મ દર્શાવાશે. ઉપરાંત એમના જૂના વક્તવ્યો ના અંશ અને અવસાન ઓછી વિવિધ. ક્ષેત્રના આગેવાનોએ એમને આપેલી શ્રદ્ધાંજલિ ના  અંશ પણ દર્શાવાશે. રાજકોટ , સૌરાષ્ટ્રના વિવિધ રાજવી પરિવારના સદસ્યો, જાહેર જીવનના અગ્રણીઓને આ અવસરે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.