કંડલા, ગાંધીધામ અને ભુજમાં સ્ટેટ GSTના દરોડા

કંડલા પોર્ટના 5 ટર્મિનલની સાથે અનેક હોટલોમાં મોડી રાત સુધી તપાસ ચાલી : મોટા પ્રમાણમાં બોગસ વ્યવહારો સામે આવવાની શક્યતા

જીએસટી અને આવકવેરા વિભાગ સતત કરચોરો ઉપર આકરી કાર્યવાહી કરી રહ્યું છે એટલું જ નહીં સતત સર્ચ અને સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં બોગસ વ્યવહારો સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત સ્ટેટ જીએસટી દ્વારા કંડલા, ગાંધીધામ અને ભુજ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કંડલા પોર્ટ ઉપર ના પાંચ ટર્મિનલ અને અનેકવિધ હોટલો ઉપર દરોડા પાડી મોડી રાત સુધી તપાસ ચાલુ રહી હતી. જીએસટી વિભાગને એ વાતની આશા છે કે જે દરોડા પાડવામાં આવ્યા છે તે બાદ ખૂબ મોટા પ્રમાણમાં બોગસ વ્યવહારો સામે આવશે તો નવાઈ નહીં જે અંગેની હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સ્ટેટ જીએસટી વિભાગે વિવિધ પેઢીઓ પર જે દરોડા પાડવામાં આવ્યા તેમાં મુખ્યત્વે વધુ વેચાણ દર્શાવવા એટલું જ નહીં જીએસટી નંબર ન હોવા છતાં પણ વ્યાપાર શરૂ કરવા માટે તેઓને દંડિત કરવામાં આવશે. સાથોસાથ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે તેમના દ્વારા કેટલા પ્રમાણમાં કરચોરી કરવામાં આવી છે તે અંગેની વિગત પણ આજે જાહેર થશે. વિધિ તરફ સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા હજુ પણ કેટલા દિવસ સુધી તપાસ ચાલુ રહેશે તે અંગેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી પરંતુ એ વાત સાચી છે કે હજુ પણ તપાસનો ધમધમાટ અને દરોડા સમયાંતરે પાડવામાં આવશે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવેલા છે તેને લઈ અન્ય પેઢીઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.

સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા કંડલામાં 5 ટર્મીનલ્સમાં સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, સાથો સાથ ભુજ અને ગાંધીધામની મળીને 7 હોટલમાં પણ ટીમ ત્રાટકીને તપાસકાર્ય હાથ  હતું. આમ એક સાથે 12 સ્થળોએ દરોડાઓ હાથ ધર્યાના કલાકો બાદ પણ સાંજ સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. આજે આ કામગીરી પુર્ણતાના આરે આવતા કેટલી પેનલ્ટી કે ગેરરીતી બહાર આવે છે તે સમય જ બતાવશે. સ્ટેટ જીએસટી અથવા તો સેન્ટ્રલ જીએસટી દ્વારા જે જગ્યા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાંથી સરકારની આવકમાં પણ ઘણો ખરો વધારો થયો છે જે આવનારા સમય માટે સરકાર માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે બીજી તરફ હવે જે વ્યાપારીઓને દંડિત કરવામાં આવી રહ્યા છે તેઓને પણ એ વાતનો ભાન થઈ ચૂક્યું છે કે કરચોરી કરવી એ સૌથી મોટો ગુનો છે.