Abtak Media Google News

વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં “અંજલિપર્વ” ઉજવણી

ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિતે આજરોજ ભુજ મધ્યે તેમની અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાનું ઈ-માધ્યમથી નવસારીના સાંસદ સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય અને સાંસદ વિનોદભાઇ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં અનાવરણ કર્યુ હતું.

શ્રધ્યેય અટલજીની જન્મજયંતિ નિમિતે યોજાયેલી પૂર્વ સંધ્યામાં ભુજ મધ્યે અટલજી અને ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા અનાવરણ, કુન્નુર શહિદોને શ્રધ્ધાજંલિ અર્પણ અને દેશભકિત અને અટલજી કાવ્યાંજલિનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો.

વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે ઈઉજ જનરલ બિપીન રાવતની શહાદત અને શહિદોને શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી તેમજ પ્રતિ વર્ષ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા અટલજીની જન્મ જયંતિ નિમિતે યોજાતા કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.

ભુજમાં ભૂકંપ બાદ ભારત રત્ન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરાયેલી સહાયના અને ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રહિતના પ્રસંગો અમૂલ્ય છે. આ તકે અધ્યક્ષાએ કચ્છ જિલ્લાના વિકાસ યોગદાનમાં સમય આપેલ કર્મવીરોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે નવસારીના સાંસદ સી.આર.પાટીલે ઈ-માધ્યમથી પ્રતિમાઓનું અનાવરણ કરતાં અજાતશત્રુ અટલબિહારી વાજપેયી તેમજ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના યોગદાનને ભાવપૂર્વક યાદ કર્યા હતા.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન શ્રધ્ધેય વાજપેયીની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ અટલજી અને જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાના અનાવરણ પ્રસંગે સુશાસન દિનની ઉજવણી કરીએ. બંને વિરાટ વ્યકિતત્વની પ્રતિમા અનાવરણ સાથે ઈઉજ જનરલ બિપીન રાવત સહિત શહિદ થયેલા સૌને શ્રધ્ધાજંલિ અર્પી હતી. વડાપ્રધાનના સુશાસન અને આગામી કાર્યક્રમોની રજુઆત પણ તેમણે કરી હતી.

અગ્રણી કેશુભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં પૂર્વ વડાપ્રધાન અજાતશત્રુ અટલ બિહારી વાજપેયીના બહુ આયામી વ્યકિતત્વના ગુણોની મહિમા રજુ કરી હતી.આ તકે આયોજકો તેમજ પૂર્વ નગરસેવક જયંતભાઇ ઠકકર દ્વારા ટ્રોફી દ્વારા યોગદાન આપનાર કર્મીઓનું બહુમાન કરાયું હતું.

આ પર્વમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા અને રમેશભાઇ મહેશ્વરી, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠકકર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, પૂર્વ નગરસેવક જયંતભાઇ ઠકકર, અનિરૂધ્ધભાઇ દવે, શીતલભાઇ શાહ, દેવરાજભાઇ ગઢવી, હર્ષદભાઇ ઠકકર (હકી), મનીષભાઇ બારોટ, કિશોરભાઇ મહેશ્વરી તેમજ ભુજ નગરપાલિકાના પદાધિકારીઓ, કર્મીઓ, સમાજ નવનિર્માણ ટ્રસ્ટના કર્મયોગીઓ અને સમાજના અગ્રણીઓ અને ભાવિક નગરજનો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.