Abtak Media Google News

મતદારયાદીની કામગીરી ચાલી રહી હોય, મુખ્ય નિર્વાચીન અધિકારીનું જાહેરનામું પ્રસિદ્ધમતદારયાદી સાથે સંકળાયેલ અધિકારીઓની બદલી ચૂંટણી પંચને પૂછ્યા વગર ન કરવા આદેશ

ડે.કલેકટરો અને મામલતદારોની બદલી ઉપર 15 મે સુધી રોક લાગી ગઈ છે. હાલ મતદારયાદીની કામગીરી ચાલી રહી હોય, મુખ્ય નિર્વાચીન અધિકારીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી મતદારયાદી સાથે સંકળાયેલ અધિકારીઓની બદલી ચૂંટણી પંચને પૂછ્યા વગર ન કરવા આદેશ આપ્યો છે.

Advertisement

ચીફ ઇલેક્શન ઓફિસર દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે અંગે તમામ જિલ્લા કલેક્ટરો અને ચૂંટણી અધિકારીઓને પત્ર મારફત જાણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ તા.1 એપ્રિલથી શરૂ થયો. જેમાં 5 એપ્રિલના રોજ સંકલિત મતદારયાદીના મુસદાની પ્રસિદ્ધિ કરાવવામાં આવ્યો છે ત્યારબાદ 23 એપ્રિલ સુધી એમ 18 દિવસ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે. એટલે કે આ દિવસો દરમિયાન અરજદારો નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકશે આ સાથે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરી કરાવી શકશે.

બાદમાં તા.2 મેના રોજ હક્ક- દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ તા.8 મેના રોજ મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની રહેશે. સાથે ડેટા બેઇઝ અદ્યતન કરવો અને પુરવણી યાદીઓ જનરેટ કરવી સહિતની કામગીરી કરવાની રહેશે. ત્યારબાદ તા.15 મેને બુધવારના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

આ સંદર્ભે રાજ્યના મુખ્ય નિર્વાચીન અધિકારીએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે  લોક પ્રતિનિધિત્વ અધિનિયમ -1950 ની કલમ -13 (સીસી) હેઠળ મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી માટે નિમાયેલા કોઇ પણ અધિકારી કે સ્ટાફ તેઓ આ કામગીરી માટે જેટલા સમય માટે નીમવામાં આવ્યા હોય, તેટલા સમય માટે ભારતના ચૂંટણી પંચ , નવી દિલ્હી હેઠળ પ્રતિનિયુકિત પર ગણાય છે અને તેઓ ચૂંટણી પંચ, નવી દિલ્હીના નિયંત્રણ, નિરીક્ષણ અને શિસ્ત હેઠળ ગણાય છે.

આ જોગવાઇને આધીન ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીએ ચાવીરૂપ અઘિકારીઓ જેવા કે, જિલ્લા ચૂંટણી અધિકારીઓ , અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંઘણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંઘણી અધિકારીઓ વગેરેની બદલી આ કામગીરી શરૂ થયાથી કામગીરી પૂરી થાય ત્યાં સુધી ચૂંટણી પંચ, નવી દિલ્હીની પૂર્વ મંજુરી સિવાય કરવી નહીં, તેવી સૂચના આપી છે. આથી તેનો ચુસ્ત અમલ કરવા સર્વે સંબંધિતોને જણાવવામાં આવે છે . જો કોઇ કિસ્સામાં ઉપર્યુકત અધિકારીઓ એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, અધિક/ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ કે મતદાર નોંઘણી અધિકારીઓ/મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની બદલી કરવી અનિવાર્ય હોય તો તે અંગે મુખ્ય નિર્વાચન અધિકારી મારફત ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીને સંપૂર્ણ વિગતો સાથે દરખાસ્ત મોકલવાની રહેશે.

આ અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરવા માટે પણ આ જ ધારાધોરણ લાગુ પડશે, મતદારયાદીના કાર્ય સાથે સંકળાયેલા પદનામિત અધિકારી તરીકે જે કર્મચારીઓને નિમણૂક આપવામાં આવે તે કર્મચારીઓની બદલી કરવામાં આવે, તો મતદાર યાદી સુઘારણા કાર્યક્રમને વિપરીત અસર પડે. આથી, જે કર્મચારીઓને મતદારયાદીના પદનામિત અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવે, તે કર્મચારીની બદલી સંબંધિત જિલ્લાના કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ કરવામાં આવે, તે જોવા પણ સંબંઘકર્તા સર્વેને જણાવવામાં આવે છે.

આ ઉપરાંત, મતદારયાદી સુધારણા કાર્યક્રમનું યોગ્ય સંકલન અને સુપરવિઝન થાય તે હેતુથી, મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીઓએ લાંબી રજા પર જતાં પૂર્વે મુખ્ય નિર્વાચન અધિકારીની તેમજ મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓએ લાંબી રજા પર જતાં પૂર્વે ફરજિયાતપણે જિલ્લા ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવા આથી જણાવવામાં આવે છે.

જે અધિકારી/કર્મચારી કે, જેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ઘરવા ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીએ ભલામણ કરેલ હોય અને તેવી કાર્યવાહી પડતર હોય તેવા, જે અધિકારી/કર્મચારી કે, જેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ઘરવા ચૂંટણી પંચ , નવી દિલ્હીએ ભલામણ કરેલ હોય અને આવી શિસ્ત વિષયક કાર્યવાહીને અંતે મોટી શિક્ષા કરાઇ હોય તેવા,

જેમની સામે કોઇ પણ અદાલતમાં ફોજદારી કેસ ન્યાય અને નિર્ણયાર્થે વિચારણાઘીન હોય તેવા, તથા આ અગાઉ કોઇ મતદાર યાદી સુઘારણા કાર્યક્રમ કે ચૂંટણી દરમ્યાન બિનકાર્યક્ષમ કામગીરી કે ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચનાઓનો હેતુપૂર્વક અનાદર કરવા બદલ જેઓની બદલી કરવામાં આવી હોય તેવા અધિકારી/કર્મચારીઓને ચૂંટણી અંગેની કામગીરી કે મતદાર યાદીની સુધારણાની કામગીરી સુપરત ન કરવા ભારપૂર્વક જણાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.