Abtak Media Google News
  • લોકસભા ચૂંટણી અનુલક્ષીને પોલીસ બેડામાં બદલીની મોસમ ખીલશે: શહેરના ડઝનેક અધિકારીઓની બદલીની શક્યતા
  • ત્રણ જિલ્લાના પોલીસ ડાની જગ્યાઓ ખાલી

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચના નિયમ મુજબ આચારસંહિતા લાગુ કરાઈ તે પૂર્વે જે જે શહેર જિલ્લામાં અધિકારીઓ ત્રણ વર્ષથી ફરજ પર હોય તેમની બદલી કરવામાં આવશે. આ ઉપરાંત ખાલી પડેલી જગ્યાઓ, ચૂંટણી પૂર્વે જે તે સ્થળ પર કોઈ પણ કારણોસર ફરજ પર જવા માંગતા અધિકારીઓની માંગ પર ગૃહ વિભાગ દ્વારા નિર્ણય કરાતો હોય છે. ઘણા સમયથી બદલીઓની વાત સામે આવી છે અને અધિકારીઓ તેની પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પોલીસ બેડાના અધિકારીઓની બદલીનો ઘાણવો તૈયાર કરી લેવામાં આવ્યો છે અને ગમે તે ઘડીએ આ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર લોકસભા ચૂંટણી પૂર્વે આઈપીએસ અધિકારીઓના બદલીનો ઘાણવો તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ લિસ્ટમાં રાજકોટના અધિકારીઓની જો વાત કરવામાં આવે તો ચર્ચાતી વિગત અનુસાર આશરે 3 થી 4 ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવનાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેર પોલીસમાં મહત્વની જવાબદારી સંભાળતા ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલની બદલી કરી મહત્વના જિલ્લાના પોલીસ વડા તરીકે નિમણુંક આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. તે સિવાય શહેરના ડિસિપી ઝોન-2 અને ડીસીપી ટ્રાફિકની પણ બદલી કરવામાં આવનાર છે તેવું પણ જાણકારો કહી રહ્યા છે.

ઉપરાંત શહેરના અનેક આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરોની બદલીનો ઘાણવો પણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉતારવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. તેમજ શહેરના ત્રણ પીઆઈની બદલી પણ કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો અનુસાર મહત્વની ગણાતી એસઓજીમાં ફરજ બજાવતા પીઆઈ જે ડી ઝાલા, ક્રાઇમ પીઆઈ બી ટી ગોહિલ અને આજીડેમ પીઆઈ એલ એલ ચાવડા સહિતના પીઆઈની બદલી તોળાઈ રહી છે. આ સિવાય પણ અનેક અધિકારીઓની બદલી થઇ શકે છે.

ત્રણ જિલ્લાના પોલીસ ડાની જગ્યાઓ ખાલી

હાલ પોલીસબેડાના 6 અધિકારીઓને દિલ્હી ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે જેમાંથી ત્રણ અધિકારીઓ જિલ્લા પોલીસના વડા તરીકે ફરજ હતા. અમદાવાદ જિલ્લા એસપી અમિત વસાવા, આણંદ એસપી પ્રવીણ કુમાર મીણા અને મહેસાણા એસપી અચલ ત્યાગીને ઓકટોબર 2023 માં કેન્દ્રમાં લઈ જવાતા જગ્યાઓ ખાલી છે. તે પોસ્ટ પર હવે નવી નિમણુંક થનારી છે. આ ઉપરાંત અન્ય ચાર અધિકારીઓ જેમકે સુરત રેન્જ આઇજી વી.ચંદ્રશેખરની બદલી હોવાથી આઇજીની પોસ્ટ પણ ખાલી છે, અમદાવાદ સાયબર સેલના ડીસીપી અમિત રંજન, એટીએસ એસપી સુનીલ જોશી, અમદાવાદ સેન્ટ્રલ જેલ એસપી શ્વેતા શ્રીમાલીની પણ બદલી થતાં હાલ પોસ્ટ ખાલી છે જે હવે નવા ઓર્ડરમાં નિમણુંકો આવશે.

સુરત પોલીસ કમિશનરનો તાજ સંભવત: અનુપમસિંહ ગેહલોતના શિરે મુકાશે

રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર અને હાલ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવે તેવી માહિતી મળી રહી છે. સુરત સીપી, સિનિયર આઇપીએસ અધિકારી અજય તોમર 31 જાન્યુઆરીના નિવૃત થતા હોય તેથી તેમના સ્થાને અનુપમસિંહ ગેહલોતનું નામ મોખરે છે. સુરત સીપી તરીકે રાજકુમાર પાંડિયનનું પણ નામ ચર્ચામાં છે.

ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલને અમદાવાદ જિલ્લા પોલીસ વડા તરીકે નિમણુંક અપાશે?!!

હાલ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની બદલી કરીને અમદાવાદ જિલ્લા પોલીસ વડા તરીકે નિયુક્તિ આપવામાં આવે તેવા એંધાણ છે. હાલ શહેરમાં મહત્વની જવાબદારી સંભાળતા અને અનેકવિધ મહત્વના ભેદ ઉકેલનારી ક્રાઇમ બ્રાન્ચના સેનાપતીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે તેવો પોલીસ બેડામાં પણ ગણગણાટ છે.

રાજકોટ શહેરના ક્યાં ક્યાં અધિકારીઓની સંભવત: થઇ શકે છે બદલી?

  • ડો. પાર્થરાજસિંહ ગોહિલ (ડીસીપી ક્રાઇમ)
  • સુધીરકુમાર દેસાઈ (ડીસીપી ઝોન-2)
  • પૂજા યાદવ (ડીસીપી ટ્રાફિક)
  • જે ડી ઝાલા (પીઆઈ – એસઓજી)
  • બી ટી ગોહિલ (પીઆઈ – ક્રાઇમ બ્રાન્ચ)
  • એલ એલ ચાવડા (પીઆઈ – આજીડેમ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.