ધો. ૯ અને ધો. ૧૧ના વર્ગો પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે

ટ્યૂશન ક્લાસિસને પણ મંજૂરી મળી: હોસ્ટેલ ખોલવા માટે અભ્યાસ બાદ નિર્ણય લેવાશે: સ્કૂલમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી

ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ની જેમ હવે ધોરણ ૯-૧૧ની શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે, ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧નાં વર્ગો શરૂ કરવામાં આવશે. આ સાથે જ ધોરણ ૯થી ૧૨ સુધી ટયુશન કલાસ પણ શરૂ કરાશે. શાળા અને ટ્યૂશન ક્લાસીમાં તમામ એસઓપીનું પાલન કરવાનું રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજૂઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ ૯થી ૧૨માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને ૩૧ જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે. કોવિડ-૧૯ની પરિસ્થિતિને કારણે પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે ચાર વખત મુદત લંબાવવામાં આવી હોવાથી તેમજ પ્રવેશની કામગીરી પણ સ્કૂલો તરફથી પૂર્ણ થઈ જ ગઈ હોવાની બાબતને ધ્યાને લેતાં એ માટેની તારીખ હવે પછી લંબાવવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે.

રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરાશે. એ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, ટ્યૂશન ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ધોરણ ૯થી ૧૨ના જ ટ્યૂશ ક્લાસિસ ખોલવા મંજૂરી આપી છે. ધોરણ ૯ અને ૧૧ના વર્ગો શરૂ કરવા માટે ૮ જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના ૯ મહિના બાદ ૧૧ જાન્યુઆરીએ રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહ સાથે સ્કૂલે આવ્યા હતા. વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર સ્કૂલો શરૂ થયાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. તમામ વિદ્યાર્થીઓએ સરકારની એસઓપીનું પાલન કરી સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો.

સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

  • સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
  • વિદ્યાર્થીઓનું થર્મલગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
  • વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
  • સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરાવવી પડશે.
  • સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.
  • સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
  • વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે.
  • વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું પડશે.
Loading...