Abtak Media Google News

૬ થી ૮ના વર્ગોનો ૧૮મીથી પ્રારંભ: ૮ જાન્યુઆરીએ બહાર પાડેલી માર્ગદર્શિકાનું ચુસ્ત પણે પાલન કરવાનું રહશે: ઓનલાઇન કલાસ પણ ચાલુ જ રહેશે

કોરોનાની મહામારી હવે ઓછી થયા બાદ રાજ્યમાં ધો.૬ થી૮ના વર્ગો શરૂ કરવા સરકારે મંજૂરી આપી દીધી છે. આગામી તારીખ ૧૮મી ફેબ્રુઆરીથી  રાજ્યભરમાં ધો. ૬ થી ૮ના વર્ગો ધમધમતા થશે અને બસ થોડા જ દિવસોમાં ૧ થી ૫ના વર્ગો પણ શરૂ થઈ જશે તે નિશ્ચિત છે.શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ થી ૮ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાનું રહેશે. જો કે ઓનલાઇન કલાસો પણ ચાલુ જ રાખવામાં આવશે.

રાજ્યમાં આવેલ તમામ બોર્ડ ની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ ૬ થી ૮ના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવા સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ ૮મી જાન્યુઆરી-૨૦૨૧ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે

આ હેતુસર તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળાઓ જઘઙનું પાલન અવશ્ય કરે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ પણ શિક્ષણ સચિવે જણાવ્યું હતું. રાજ્ય ના આરોગ્ય વિભાગની સઘન કામગીરીને પગલે હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં  ધોરણ ૬થી ૮ના વર્ગખંડો પુન: શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે એમ પણ વિનોદ રાવે ઉમેર્યું હતું.

ધોરણ ૬ થી ૮ના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, દરેક વિદ્યાર્થી , શિક્ષકગણ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ જઘઙની અન્ય બાબતોનું પણ પાલન થાય તેની ખાસ તાકીદ પણ કરવામાં આવી છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્ય સરકારે કોરોના સંક્રમણ દરમિયાન પણ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેની કાળજી લીધી હતી.

કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં ત્યારબાદ ક્રમશ: વર્ગખંડ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તદઅનુસાર ગત તારીખ ૧૧ જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ ૧૦-૧૨ અને સ્નાતક અનુસ્નાતક કક્ષાના અંતિમ વર્ષના વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ના વર્ગખંડો તારીખ ૧લી ફેબ્રુઆરીથી પુન: શરૂ થઈ ગયા છે તેમજ તારીખ ૮મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.