Abtak Media Google News

નવું વર્ષ શરૂ થતા પહેલા જ શેરબજારમાં શુકનવંતો માહોલ સર્જાયો છે. શેરબજારમાં હાલ તેજી હી તેજી ચાલી રહી છે. સતત પાંચમા દિવસે આજે માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ગઇકાલની સ્થિતિએ 4 જ દિવસમાં રોકાણકારોની વેલ્થમાં રૂ.11.11 લાખ કરોડનો વધારો નોંધાયો છે.

આજે સતત પાંચમા દિવસે માર્કેટમાં તેજી: સેન્સેક્સે પ્રથમવાર 72400 અને નિફટીએ 21750 પોઇન્ટની સપાટી કુદાવી

શેરબજારમાં ગઈકાલે સતત ચોથા દિવસે ખરીદીનો ટ્રેન્ડ રહ્યો હતો અને સ્થાનિક ઈક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો બીએસઇસેન્સેક્સ અને નિફ્ટી 50 રેકોર્ડ હાઈએ પહોંચ્યા હતા. બજારની તેજીમાં ગઈકાલે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.39 લાખ કરોડનો વધારો થયો હતો. તે જ સમયે, રોકાણકારોની મૂડીમાં ચાર દિવસમાં 11.11 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોની વાત કરીએ તો ગઈકાલે સેન્સેક્સ 0.98 ટકાના વધારા સાથે 72038.43 પર અને નિફ્ટી 1 ટકાના વધારા સાથે 21654.75 પર બંધ થયો.  સેન્સેક્સ પહેલીવાર 72 હજારને પાર કરી ગયો હતો અને નિફ્ટી પહેલીવાર 21600ની પાર બંધ થયો હતો.

ગત દિવસે બજારને લગભગ દરેક સેક્ટરના શેર્સ તરફથી સપોર્ટ મળ્યો હતો. બજારમાં તેજીના કારણે રોકાણકારોએ ભારે નફો કર્યો હતો.  બે દિવસ અગાઉ એટલે કે 26 ડિસેમ્બર 2023ના રોજ, બીએસઇ પર સૂચિબદ્ધ તમામ શેરોની કુલ માર્કેટ કેપ રૂ. 358.92 લાખ કરોડ હતી.  ગઈકાલે એટલે કે 27 ડિસેમ્બર 2023ના રોજ તે વધીને 361.31 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.  મતલબ કે ગઈકાલે રોકાણકારોની મૂડીમાં રૂ. 2.39 લાખ કરોડનો વધારો થયો હતો.  જ્યારે 20 ડિસેમ્બરના રોજ માર્કેટ કેપનો આ આંકડો રૂ. 350.20 લાખ કરોડ હતો એટલે કે ચાર દિવસમાં રોકાણકારોએ માર્કેટની તેજીમાં રૂ. 11.11 લાખ કરોડની કમાણી કરી છે.

આજે ગુરુવારે શેરબજાર નવા રેકોર્ડ ઊંચા સ્તરે ખુલ્યું હતું. પ્રથમ વખત સેન્સેક્સ 72,406ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટીએ 21,759ના સ્તરને દેખાડ્યો  હતો. આજે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર રૂપિયા 362.70 લાખ કરોડને પાર કરી ગયું છે.

આજે ગુરુવારે શરૂઆતના વેપારમાં, હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સ, સાઉથ ઈન્ડિયન બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, ઈન્ડિયન ઓઈલ, સર્વોટેક પાવર, બંધન બેન્ક, આઈટીસી લિમિટેડ, ગેઈલ ઈન્ડિયા, કેમ્બાઉન્ડ કેમિકલ, બીસીએલ ઈન્ડસ્ટ્રીઝ, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન, વોકહાર્ટ લિમિટેડ, ડીપી વાયરના શેરો, પેટીએમ, કજરિયા સિરામિક્સ, ગલ્ફ ઓઈલ અને આઈઆરઇડીએ ના શેર નબળાઈ પર ટ્રેડ થઈ રહ્યા હતા ત્યારે વધારો જોવા મળ્યો હતો.

વૈશ્વિક મોરચે પણ સ્થાનિક બજારને સપોર્ટ મળી રહ્યો છે. અમેરિકન માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ બુધવારે પણ ચાલુ રહ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.30 ટકા વધવામાં સફળ રહ્યો હતો. એસએન્ડપી 500 0.14 ટકા અને નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.16 ટકા ઉપર હતો.

પ્રારંભિક વેપારમાં જાપાનનો નિક્કી લગભગ 0.40 ટકા નીચે છે, પરંતુ અન્ય મુખ્ય એશિયન બજારો વધી રહ્યા છે. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ દોઢ ટકાથી વધુ મજબૂત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.