Abtak Media Google News

ફાઈનાન્સ, પાવર, રિયલ્ટી, ઓટો, કેપિટલ ગૂડ્ઝ, આઈટી, ટેકનો શેરોમાં આક્રમક વેચવાલી

શેરબજારમાં સતત બીજા દિવસે મંદીની મોકાણ જોવા મળતા રોકાણકારોના શ્ર્વાસ થંભી ગયા હતા. ગઈકાલે ૭૫૦ પોઈન્ટ સુધી સેન્સેકસ પટકાયા બાદ આજે પણ ૮૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. શેરબજારમાં આજે સર્વત્ર વેંચવાલીનો માહોલ જામ્યો હતો. જેના પરિણામે સેન્સેકસની સાથો સાથ નિફટી પણ ૨૦૦ પોઈન્ટ સુધી પટકાઈ હતી. કોરોના વાઈરસના વધી રહેલા કેસોની ચિંતા વચ્ચે ગઈકાલે વોલસ્ટ્રીટ અને ક્રૂડના ભાવમાં ઘટાડા બાદ શુક્રવારે સવારે ભારતીય શેરબજારમાં પણ વેંચવાલી જોવાઈ હતી.

એશિયાના અન્ય બજારોની જેમ ભારતીય ઈક્વિટી માર્કેટ પણ નીચે ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડી ગયું હતું. સવારે બીએસઈ સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ સવારે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારે બેન્ક, ફાઈનાન્સ, પાવર, રિયલ્ટી, ઓટો, કેપિટલ ગૂડ્ઝ, આઈટી, ટેકનો શેરોમાં આક્રમક વેચવાલી જોવા મળી હતી. સવારે ૯.૩૦ વાગ્યે બીએસઈ સેન્સેક્સ ૭૮૬.૧૩ પોઈન્ટ્સ અથવા ૨.૩૪ ટકાના ઘટાડા સાથે ૩૨,૭૫૨.૨૪ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ આજે સવારે ૨૧૯.૦૫ પોઈન્ટ્સ અથવા ૨.૨૧ ટકાના જંગી કડાકા સાથે ૯,૮૬૨.૯૫ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૨.૧૨ ટકા અને ૨.૬૬ ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક ૫.૬૧ ટકા, ઓએનજીસી ૪.૬૦ ટકા, કોટક બેન્ક ૪.૦૨ ટકા, એનટીપીસી ૩.૬૭ ટકા, એક્સિસ બેન્ક ૩.૦૫ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૦૦ ટકાનો સમાવેશ થાય છે. આજે સવારે વધીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં સન ફાર્મા ૦.૫૦ ટકાનો સમાવેશ થાય છે. આજે સવારે જાપાનનો નિક્કાઈ ૧.૨૨ ટકા, ઓસ્ટ્રેલિયા શેરબજાર ૧.૭૪ ટકા, ચીન શેરબજાર ૦.૬૭ ટકા ઘટીને ટ્ર઼ેડ થઈ રહ્યા હતા. ગુરુવારે અમેરિકાના શેર્સ ઈન્ડાઈસિસ ૫ ટકા ઘટીને બંધ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.