Abtak Media Google News

ઉઘડતી બજારે સેન્સેકસમાં ૧૧૯ અને નિફટીમાં ૫૩ પોઈન્ટનો ઉછાળો: રૂપિયો પણ ડોલર સામે ૧૯ પૈસા મજબુત થઈને ૭૨ને અંદર ઘુસ્યો

ભારતીય શેરબજારમાં ચાલી આવતી એકધારી મંદી પર આજે બ્રેક લાગી હતી. ઉઘડતી બજારે આજે સેન્સેકસ અને નિફટી ઉછાળા સાથે ખુલ્યા હતા તો રૂપિયો અમેરિકી ડોલર સામે ૧૯ પૈસા મજબુત થઈ ૭૨ની અંદર ઘુસી ગયો હતો. રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે નવેસરથી સાવચેતીપૂર્વક ખરીદીનો દૌર શરૂ કરતા આજે દિવસ દરમિયાન તેજી જળવાય રહે તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે.

ગત મંગળવાર ભારતીય શેરબજાર માટે અમંગલ પુરવાર થયો હતો. સેન્સેકસ ૭૫૦ પોઈન્ટથી વધુ પટકાયો હતો અને ૩૭,૦૦૦ની સપાટી તોડી હતી. ગઈકાલે પણ બજારમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. આજે સવારે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો સતત બીજા દિવસે મજબુત બન્યો હતો. રૂપિયામાં ૧૯ પૈસાનો સુધારો નોંધાતા ડોલર સામે રૂપિયાનો ભાવ ૭૨ની અંદર ઘુસી ગયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે રૂપિયો ડોલર સામે ૭૧.૯૨ પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેકસ ૧૦૪ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૬,૮૨૯ અને નિફટી ૫૩ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૦,૮૯૮ પોઈન્ટ પર કામકાજ કરી રહી છે.

આજે ઓએનજીસી, આઈઓસી, ઓલ ઈન્ડિયા અને એનટીપીસી ટુંકમાં ઓઈલ સેકટરમાં ઉછાળાની અસર જોવા મળી હતી. રિલાયન્સ, એચ.ડી.એફ.સી. બેંક અને યશ બેંકનાં શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. રોકાણકારોએ ખુબ જ સાવચેતી સાથે નવેસરથી ખરીદીનો દૌર શરૂ કર્યો હોય આજે દિવસ દરમિયાન તેજી જળવાય રહે તેવું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.