Abtak Media Google News

રાજસ્થાનના ચાર શખ્સો ૭,૧૧૬ બોટલ દારૂ સાથે ઝડપાયા: ટ્રક, કાર અને દારૂ મળી રૂા.૪૦.૩૮ લાખનો મુદામાલ કબ્જે: એલસીબીને મળી વધુ એક સફળતા

સરકાર દ્વારા દારૂબંધીનો કાયદો કડક બનાવ્યા બાદ દારૂબંધીનો કડક રીતે અમલ કરાવવા પોલીસને કરાયેલી તાકીદ બાદ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા દારૂના વેચાણ કરતા બુટલેગરો પર ધોસ બોલાવાની ઝુંબેશ શરૂ કરી છે. વહેલી સવારે ગોંડલ નજીક ગોમટા ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે ચાર શખ્સોને રૂરલ એલસીબી સ્ટાફે ઝડપી લીધા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાન પાસીંગના ટ્રકમાં વિદેશી દારૂ આવતો હોવાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને મળેલી બાતમીના આધારે એલસીબી પી.આઇ. એમ.એન.રાણા, પી.એસ.આઇ. એચ.એ.જાડેજા, એએસઆઇ પ્રભાતભાઇ, મહેશભાઇ જાની, બ્રીજરાજસિંહ, રવિભાઇ બારડ અને મહિપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગોમટા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. પોલીસની વોચ દરમિયાન આર.જે.૨૩સીબી. ૩૩૩૭ નંબરની કાર અને તેની પાછળ આર.જે.૧૮જીબી. ૩૯૦૫ નંબરનો મહાકાય ટ્રક પસાર થતા પોલીસે રાજસ્થાન પાસીંગની કાર અને ટ્રક અટકાવ્યા હતા.

ટ્રકમાંથી રૂા.૨૩ લાખની કિંમતની ૭,૧૧૬ બોટલ વિદેશી દારૂ મળી આવતા ટ્રક અને તેનું પાયલોટીંગ કરતી કાર કબ્જે કર્યા હતા. પોલીસે રાજસ્થાનના ટ્રક અને કારના ચાલક ગણપતલાલ લાલારામ બીસ્નોઇ, દલપત ફુગલુરામ બીસ્નોઇ, પવનકુમાર મહેન્દ્રસિંહ જાટ અને દેવેન્દ્ર મોહનરામ જાટ નામના શખ્સોની ધરપકડ કરી દારૂ અને કાર મળી રૂા.૪૦.૩૮ લાખનો મુદામાલ કબ્જે કર્યા છે.

ચારેય શખ્સોની પૂછપરછ દરમિયાન રાજસ્થાનના સુરેશ અને હરિયાણાના પંકજ નામના શખ્સોએ મોકલ્યો હોવાની કબુલાત આપી છે. વિદેશી દારૂનો જંગી જથ્થો સૌરાષ્ટ્રમાં કોને મોકલવાનો હતો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.