શેરબજારમાં મંદીની સુનામી: સેન્સેક્સે 61000ની સપાટી તોડી

સેન્સેકસમાં 711 અને નિફટીમાં 202 પોઈન્ટનો કડાકો: બુલીયન બજારમાં મિશ્ર માહોલ: રૂપિયામાં સામાન્ય મજબૂતાઈ

ભારતીય શેરબજારે 62000નું શિખર હાસલ કર્યા બાદ બજારમાં મંદીનો દોર શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલથી શરૂ થયેલી મંદી આજે વધુ વિકરાળ બની હતી. આજે સેન્સેક્સે 61000ની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સેન્સેકસ અને નિફટી દિવસ દરમિયાન રેડ ઝોનમાં કામકાજ કરતા નજરે પડ્યા હતા. બુલીયન બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી એકધારી તેજી પર બ્રેક લાગી જવા પામ્યો છે. ઉઘડતા સપ્તાહે 62,000 પોઈન્ટનું સર્વોચ્ચ શિખર હાસલ કર્યા બાદ ગઈકાલથી શેરબજારમાં મંદીના વાદળો ઘેરાવા લાગ્યા છે. ગઈકાલે પણ માર્કેટમાં કડાકો બોલી ગયો હતો. ઉંચા મથાળે વેંચવાલીનું દબાણ વધવાના કારણે બજાર આજે પણ તૂટ્યું હતું. આજે સેન્સેક્સે 61000 પોઈન્ટની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં આજે સેન્સેક્સ 60555 ની સપાટીએ પહોંચી ગયો હતો.

જ્યારે નિફટી પણ 18064ના લેવલ સુધી આવી ગઈ હતી. એક તરફ શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ બુલીયન બજારમાં મિશ્ર માહોલ રહેવા પામ્યો હતો. સોનાના ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજની મંદીમાં કોટક મહિન્દ્રા, ગ્રાસીમ, બીપીસીએલ અને એચડીએફસી બેંક જેવી કંપનીના શેરોના ભાવમાં 5.5 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

એસીયન પેઈન્ટ, રિલાયન્સ અને હિરો મોટર્સ જેવી કંપનીના ભાવમાં 7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 2 દિવસથી સતત તૂટી રહેલો આરઆઈસીટીસી આજે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતો નજરે પડ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો થોડો મજબૂત થયો હતો.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 711 પોઈન્ટના ઘટાડા સાથે 60548 અને નિફટી 202 પોઈન્ટના ઘટાડા સાથે 18064 પર ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 3 પૈસાની મજબૂતી સાથે 74.84 પર ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા બે દિવસથી જે રીતે બજારમાં મંદીનો માહોલ શરૂ થયો છે તેનાથી રોકાણકારોમાં થોડુ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.