Abtak Media Google News

 

ચારેય બાજુએથી પડકારોથી ધેરાયેલા શેરબજારનો સાચો રૂખ પારખવામાં માંધાતાઓ પણ ખાઇ રહ્યા છે થાપ: એક દિવસ કડાકો બીજી દિવસે ઉછાળો, ભારે વોલેટાલીટીથી રોકાણકારો મુંઝવણમાં

અબતક, રાજકોટ

આંતર રાષ્ટ્રીય સ્તરે ચારેય બાજુથી પડકારો વચ્ચે ધેરાયેલા ભારતીય શેરબજારનો હાલનો રૂખ પારખવો રોકાણકારો માટે મહામૂસિબત સમાન બની ગયો છે. એક દિવસ બજારમાં વર્ષનો સૌથી મોટો કડાકો તો બીજી જ દિવસે જોરદાર રિકવરીએ હવે રોકાણકારોને મુંઝવણમાં મુકી દીધા છે. મંદિવાળા માલ ફેંકવામાં મશગુલ બની ગયા છે. બીજી તરફ સાચા રોકાણકારો હાલ બજારનો સમય પારખી શાંત ચિતે પોતાનો પોર્ટ ફોલીયો મજબૂત બનાવી રહ્યા છે.

કેન્દ્રીય બજેટમાં અપેક્ષાઓ પરિપૂર્ણ ન થતાં ભારતીય શેરબજારમાં તેમને બ્રેક લાગી જવા પામી છે હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુઘ્ધનના ભણકારા, અમેરિકા દ્વારા વ્યાજના દરોમાં વધારો કરવામાં આવે તેવી શકયતા, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું સતત ઘોવાણ સહિતના અનેક પરિબળોના કારણે ભારતીય શેર બજારની હાલત અસ્થીર બની જવા પામી છે જેના કારણે રોકાણકારો પણ હવે વિશ્ર્વાસ ગુમાવી રહ્યા છે એક દિવસ મંદિ અને બીજા દિવસે તેજીના કારણે બજારનો સાચો રૂખ પારખી શકતો નથી. શેરબજાર મંદિ તરફ આગળ વધી રહ્યું છે કે તેજી તરફ રૂખ કરી રહ્યું છે તે કળવું માંધાતાઓ માટે પણ મુશ્કેલ બની ગયું છે. આવો માહોલ હજી કેટલાક સપ્તાહ સુધી યથાવત રહે તેવું માનવામાં આવી રહ્યું છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે અર્થ વ્યવસ્થાની ગાડી ધીમે ધીમે ચાલી રહી છે. હવે દેશને મંદિ કોઇ કાળે પાલવે તેમ નથી એટલે મંદિવાળાઓને ઉગતા જ ડામી દેવા જરુરી છે. આજે મુંબઇ શેર બજારના બન્ને આગેવાન ઇન્ડેકસ  સેન્સિકસ અને નિફટી ફલેટ ઓપન થયા હતા. નિફટીમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો જયારે સેન્સેકસમાં નરમાશ રહેવા પામી હતી. દેશમાં માહોલ સાનુકુળ છે કોરોનાની ત્રીજી લહેર પણ હવે પુર્ણતાના આરે છે. પરંતુ વૈશ્ર્વિક પરિબળો શેરબજારને સ્થીર થવા દેતો નથી.

રોકાણકારોને રક્ષણ આપવા સેબીએ નવા નિયમો બનાવવા જોઈએ: નાણા મંત્રી

છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે ત્યારે આ સ્થિતિમાં રોકાણકારોને રક્ષણ આપવા માટે નાણામંત્રીએ સેબીને તાકીદ કરતા જણાવ્યું છે કે તેઓએ નવા નિયમો બનાવવા જોઈએ જેથી રોકાણકારોને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે. એટલુંજ નહીં વ્યાપારીઓને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ થઈ શકે તે વાતનો પણ ખ્યાલ સેબીએ રાખવો જોઈએ. હાલ રોકાણકારો અને વ્યવસાય સાથે જે જોડાયેલા લોકો છે તેમને કોમ્પ્લાયન્સ ખૂબ વધુ થઈ રહ્યા છે જેની તાકીદે નિવારણ થવું ખૂબ જ જરૂરી છે. આ સ્થિતિ ત્યારે જ સરખી થઇ શકશે જ્યારે સેબી દ્વારા મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવશે અને નવા નિયમો બનાવશે. હાલ યુએસ ફેડરલ રિઝર્વના જે નિર્ણય સામે આવ્યા છે તેનાથી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ને પણ માઠી અસર નો સામનો કરવો પડ્યો છે અને બજાર પણ સતત વોલેટાઇલ થતી નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.