Abtak Media Google News

વડોદરાની ઘટનાને લઈ ગૃહ પ્રધાન એક્શન મોડમાં

અફવા ફેલાવનારા સામે પણ થશે કડક કાર્યવાહી: ગૃહ રાજય મંત્રી

વડોદરામાં કોમી તંગદીલી બાદ વધુ એક એડિશનલ કમિશનરની પોસ્ટ ઊભી કરાઇ

વડોદરામાં ફતેહપુર વિસ્તારમાં ગરનાળા પાસે રામનવમી નિમિતે થયેલા શોભાયાત્રા પર પથ્થરમારાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં આવ્યા છે. તેઓએ આજરોજ નિવેદન આપતા જણાવ્યું હતું કે શોભાયાત્રા પર પથ્થરમારો કરી રાજ્યની શાંતિને પલિતો ચાપનારાઓને છોડવામાં નહીં આવે. શોભાયાત્રા પર પથ્થર મારો કરી રાજ્યની બહાર નાસી છૂટેલા તોફાની તત્વોને પણ ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે તે ઉપરાંત અફવા ફેલાનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે તેવું ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તો બીજી તરફ વડોદરામાં પોલીસ કમિશનર રજૂઆત બાદ વધુ એક એડિશનલ કમિશનરની પોસ્ટ ઊભી કરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વડોદરામાં રામનવમીના પર્વ પર નીકળેલી શોભાયાત્રામાં ફતેપુર વિસ્તારમાં ગરનાળા પાસે અમુક તોફાની થતું હોય શોભા યાત્રા પર પથ્થરમારો કરી રાજ્યની શાંતિને પલીતો ચાંપ્યો હતો. ત્યારબાદ આ ગંભીર ઘટનાને ધ્યાને લઈને ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જેમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ એક મોટું નિવેદન આપ્યું છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વડોદરામાં શોભાયાત્રા પર થયેલા પથ્થર મારાની ઘટના અતિ સંવેદનશીલ છે. જેથી આ ગંભીર ગુનામાં સંડોવાયેલા તમામ તોફાની તત્વો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે તથા રાજ્યની બહાર ભાગી છુટેલા તોફાની તત્વોને પણ ઝડપી લેવામાં આવશે.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકો એકતા માને છે નહીં કે બટ્વારામાં, રાજ્યમાં ઈદ, દિવાળી અને રામનવમી જેવા તહેવારો હળી મળીને ઉજવવામાં આવતા હોય છે. પરંતુ વડોદરામાં રામનવમી પર્વ પર શોભા યાત્રા પર થયેલા પથ્થરમારાને લઈને ગૃહ વિભાગ સઘન તપાસ કરી રહ્યું છે. એટલું જ નહીં શોભા યાત્રાના મીડિયા વિઝ્યુઅલ અથવા સીસીટીવી કેમેરાના ફૂટેજ પર ગૃહ વિભાગ દ્વારા જીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. શોભાયાત્રા પર પથ્થર મારો કરીને નાસી છૂટેલા એક એક શખ્સોને ઝડપી લેવામાં આવશે.

વડોદરામાં શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાને લઈને કોઈ પણ તોફાની તત્વો દ્વારા રાજ્યની શાંતિને હણવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ અફવા ફેલાવનારાઓ સામે પણ પોલીસે લાલ આંખ કરી સઘન તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મોડી રાત સુધી બેઠકોનો દૌર ચાલ્યો હતો. સમગ્ર ઘટનાનો 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા માટે ગૃહ વિભાગને આદેશ કરાયો હતો અને જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલા લેવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો હતો. ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશનર સાથે વાત કરી હતી અને સ્થિતિને કડક હાથે કાબુમાં લેવા સૂચના આપી હતી. પથ્થરમારો કરનારા ઈસમો સામે કડક હાથે પગલા લેવા પણ આદેશ કર્યો હતો.

જેથી વડોદરા પોલીસ દ્વારા આ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે સીટની રચના કરી છે. જેમાં એસીપી ક્રાઇમ, એસીપી જી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને સીટી પોલીસ મથકના પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. એસઆઇટીની રચના ઘટનાની ઉંડાણ પૂર્વક સચોટ તપાસ થાય અને બાકીના આરોપી પર ઝડપી કડક કાર્યવાહીના હેતુથી કરાઇ છે. મહત્વનું છે કે શોભાયાત્રામાં અલગ અલગ બે સ્થળે પથ્થરમારાની ઘટના સામે આવી હતી.

તો બીજી તરફ વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવાયો છે. જે મુજબ લો-એન્ડ ઓર્ડર માટે હવે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ છે. મહત્વનું છે કે, પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે નવી પોસ્ટ માટે રજૂઆત કરી હતી તેને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. આ તરફ ગૃહવિભાગનાં નિર્ણય મુજબ શહેર પોલીસ તંત્રમાં હવે એક નહિ પરંતુ બે એડિશનલ પોલીસ કમિશનર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.