Abtak Media Google News

ઇ પેપરને લઈ પ્રિન્ટ મીડિયા મૂંઝાયું

ઇ-પેપર તરફની વધતી જતી દોડ પ્રિન્ટ મીડિયા માટે ખતરનાક સાબિત થઈ રહી છે : જો મીડિયા હાઉસ હજુ નહિ જાગે તો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના દિવસો ચાલ્યા જશે

તમને ચોક્કસપણે યાદ હશે કે તમારા ઘરના વડીલો કેવી રીતે વહેલી સવારે ઊઠે છે અને થોડી ગરમ કોફી અથવા ચા પીતાં વખતે અખબારો વાંચે છે. તેઓ માટે અખબારો વાચવું એ રોજીંદી પ્રતિક્રિયા જેવુ છે. અખબારો આપણા રોજિંદા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે અખબારો આપણને વિશ્વભરની માહિતી પ્રદાન કરે છે.

અખબારો આપણને હવામાન, ગુનાઓ, રાજકારણ, રમતગમત, મનોરંજનથી લઈને નવીનતમ શોધો સુધીની, વિજ્ઞાયુગ અને તકનીકીમાં સંશોધનની આસપાસની દરેક બાબતો વિશે જણાવે છે. પણ હવે અખબારો વાંચવાનો રીત બદલાઈ રહી છે. હવે ઇ પેપરનું વાંચન વધતું જઈ રહ્યું છે.

ઇ પેપર તરફની વધતી જતી દોડ પ્રિન્ટ મીડિયા માટે ખતરનાક સાબિત થઈ રહી હોવાનું બખૂબી રીતે જાણતું ટાઈમ્સ ગ્રુપ હવે મેદાને પડ્યું છે. તેમને આ મામલે હાઇકોર્ટના દ્વાર ખખડવાતા હાઇકોર્ટે વોટ્સએપ અને ટેલિગ્રામને ઇ પેપર શેરિંગ કરવા ઉપર રૂક જાવનો આદેશ આપી દીધો છે.

તઆજના યુગમાં ડિજિટલ મીડિયા એ અખબારોની બરોબર ટક્કર આપે છે. ડિજિટલ મીડિયા એટલે ડિજિટાઇઝ્ડ સામગ્રી કે જે ઇન્ટરનેટ અથવા કમ્પ્યુટર નેટવર્ક પર પ્રસારિત કરી શકાય છે. આમાં ટેક્સ્ટ, ઓડિઓ, વિડિઓ અને ગ્રાફિક્સ શામેલ હોય છે. આનો અર્થ એ કે કોઈ ટીવી નેટવર્ક, અખબાર, મેગેઝિન, વગેરેના સમાચાર કે જે વેબ સાઇટ અથવા બ્લોગ પર પ્રસ્તુત થાય છે અને તેના થકી મેળવી શકાય છે.

સોશિયલ મીડિયા એ ડિજિટલ મીડિયાનો એક અંગ છે આ સમુદાય-આધારિત ઇનપુટ, ક્રિયાપ્રતિક્રિયા, સામગ્રી વહેંચણી અને સહયોગને સમર્પિત સમુદાય સંદેશાવ્યવહાર ચેનલોનો સામૂહિક છે.સોશિયલ મીડિયાનો ઉપયોગ વ્યક્તિઓ દ્વારા મિત્રો સાથે સંપર્કમાં રાખવા માટે જ થતો નથી, પરંતુ બ્રાન્ડ દ્વારા તેમના પ્રેક્ષકો સાથે વાતચીત કરવાના અસરકારક માધ્યમ તરીકે પણ તે જાણીતું છે.

જો કે હાલના ભારતના વાચક સર્વે (આઈઆરએસ)ના આંકડા દર્શાવે છે કે બે વર્ષમાં એટલે કે ૨૦૧૭ થી લઈ ૨૦૧૯ સુધીના જાહેર કરાયેલા આંકડા અનુસાર કહી શકાય કે વર્ષ ૨૦૧૭ ના વર્તમાનપત્રોના વાચકો ૪૦૭ મિલિયન થી વધીને ૪૨૫ મિલિયન વાચકો થઈ ગયા છે.ભારતમાં કુલ ડિજિટલ મીડિયા પરના રીડર્સ એક સર્વે અનુસાર ઓનલાઇન સમાચાર કુલ ૫૬% જોવાય છે, ત્યારે સોશિયલ મીડિયા પર ૨૮% અખબાર વંચાય છે.

ડિજિટલ મીડિયાનો વધતો જતો વ્યાપ હવે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રીન્ટ મીડિયા ઉપર જોખમ ઉભું કરી રહ્યો છે. જો કે આ વાત હજુ મીડિયા હાઉસ ગંભીરતાથી લઈ રહ્યા નથી. જો અત્યારથી જ ચેતવામાં નહિ આવે તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાની હાલત ડીવીડી આવ્યા બાદ કેસેટવાળા ટેપની જેવી હાલત થઈ તેવી થશે.

હાલ સોશિયલ મીડિયા ઉપર ઇ પેપર મોટા પ્રમાણમાં ફરી રહ્યા છે. જેને કારણે પેપરને ન દેખાય તેવું નુકસાન થઈ રહ્યું છે. ધીમે ધીમે પેપરના લવાજમ ઓછા થઈ રહ્યા છે. ત્યારે દિલ્હી હાઈકોર્ટે વોટસએપ અને ટેલિગ્રામને તેમના પ્લેટફોર્મ પર ટાઇમ્સ ઈન્ડિયા અને નવભારત ટાઇમ્સના ગેરકાયદેસર ઇ-પેપર્સ ફરતા કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં બંને એપ્લિકેશનોને સાથે સાથે અમુક ચોક્કસ વ્યક્તિઓ કે જેઓ તેમના પ્લેટફોર્મ પર ગ્રુપ એડમીન છે તેમને પણ સાથે નોટિસ ફટકારી છે.

ન્યાયમૂર્તિ જયંત નાથે કહ્યું કે “પ્રાઇમ ફેસી” એક્ટ હેઠળ ફરિયાદીના ઇ-પેપરોને ગેરકાયદેસર રીતે પ્રતિવાદીઓના પ્લેટફોર્મ પર ફેરવવાનું કૃત્ય અને કોપીરાઇટનુ ઉલ્લંઘન થયું છે. બેનેટ, કોલમેન અને કંપની લિમિટેડની તરફેણમાં વચગાળાનો હુકમ આપવામાં આવે છે.વધુમાં હાઇકોર્ટે આ મામલાની સુનાવણી 18 ઓગસ્ટના રોજ કરવાનું જાહેર કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.