Abtak Media Google News

સ્થાનિકોનો સરકારને ખુલ્લો પડકાર

અનેક રજૂઆતો છતાં એનટીપીસી પ્રોજેક્ટ ચાલુ જ રહેતા સ્થાનિકો આકરાપાણીએ, સરકારને અંતિમ અલ્ટીમેટમ અપાયું

જોશીમઠને નુકસાન પહોંચાડતા પ્રોજેક્ટ રોકો, નહિતર બદ્રીનાથ યાત્રા નહિ થવા દઈએ તેવી જોશીમઠના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિએ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆત પહેલા જ સરકારને ચીમકી આપી છે. આ સમિતિએ જોશીમઠમાં ચાલી રહેલા એનટીપીસી પ્રોજેક્ટને તાત્કાલિક રોકવાની માંગ કરી છે. જો સરકાર આવું નહિ કરે તો ચાર ધામ યાત્રા દરમિયાન બદ્રીનાથ રોડ પર વાહનવ્યવહાર રોકવાનું સમિતિ દ્વારા જણાવાયું છે. સમિતિએ સ્પષ્ટ કહ્યું છે કે આવી સ્થિતિ માટે રાજ્ય સરકાર સીધી રીતે જવાબદાર રહેશે.

ઉત્તરાખંડમાં 27 એપ્રિલથી બદ્રીનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એવામાં સમિતિએ કહ્યું કે જોશીમઠ દુર્ઘટનાને બે મહિના થઈ ગયા છે, પરંતુ સ્થિતિ યથાવત્ છે.  એનટીપીસીના તપોવન વિષ્ણુગઢ હાઇડલ પ્રોજેક્ટ ઉપરાંત હેલાંગ બાયપાસ રોડ પર કામ ચાલી રહ્યું છે.  સમિતિના ગ્રૂપ ક્ધવીનર અતુલ સતીએ જણાવ્યું હતું કે જોશીમઠને બચાવવા માટે સમિતિ સતત આ બાબતને ઉઠાવી રહી છે.  એનટીપીસી પ્રોજેક્ટ બંધ કરવા તહસીલદારથી લઈને મુખ્યમંત્રી સુધી માંગણીઓ કરવામાં આવી હતી.  આમ છતાં હજુ સુધી કામ અટક્યું નથી. તેમણે કહ્યું કે તેમના જૂથ વતી અહીં 3000 થી વધુ પરિવારોનું પુનર્વસન કરવાની માંગ કરવામાં આવી હતી.  જ્યારે સરકારે માત્ર 300 પરિવારોને વિસ્થાપિત કર્યા છે.  તેમણે કહ્યું કે જોશીમઠના ગ્રાઉન્ડ રિપોર્ટ પર વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યો છે.  એનડીએમએને રિપોર્ટ સોંપવાની સતત માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે કર્ણપ્રયાગ અને તેની આસપાસના વિસ્તારોના રહેવાસીઓ સતત ફરિયાદ કરી રહ્યા છે કે એનટીપીસીના કામને કારણે સતત તિરાડો પડી રહી છે. સ્થાનિક લોકો સતત તપોવન પ્રોજેક્ટ બંધ કરવાની માંગ કરી રહ્યા છે.  આ સાથે પહાડો કાપવા અને વિસ્ફોટ કરવાના મામલા પર પ્રતિબંધ મુકવાની માંગણી કરવામાં આવી છે.

જોશીમઠ દુર્ઘટનાનો મામલો ત્રણ મહિના પહેલા સામે આવ્યો હતો.  જમીન અને મકાનોમાં એટલી બધી તિરાડો પડી ગઈ હતી કે લોકોને અહીંથી વિસ્થાપિત થવું પડ્યું હતું.  સ્થાનિક લોકોએ આ ઘટનાઓ માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી.  એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકારે આયોજન વિના બાંધકામ શરૂ કર્યું હતું, જેના કારણે પાણી લીકેજ અને તિરાડોના બનાવો બન્યા હતા.  જેના કારણે હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.