રોદણા રોવા કરતાં મહેનત કરવાથી સફળતા મળે છે.. 

કેનેડાનાં ટોરન્ટોમાં ૧૯૯૪ની સાલમાં જન્મેલી ૨૬ વર્ષીય વિન્ની હાર્લોને ચાર વર્ષની ઉંમરે ખબર પડી કે પોતાને કોઢ છે! ઉંમર વધવાની સાથે ધીરે-ધીરે આખા શરીર પર સફેદ ડાઘ વધતાં જશે અને તેનો કોઇ ઉપાય હજુ સુધી શોધાયો નથી.

આપણે હંમેશા દુઃખી હોવાનાં રોદણા રોતાં હોઇએ છીએ. કોનાં જીવનમાં કેટલી પરેશાનીઓ અને અંતરાયો છે એ જણાવવાની તો જાણે હોડ લાગી છે! “હું તારા કરતાં વધુ પીડાઉ છું!” એ વાક્ય આપણને એટલું બધું ગમી ગયું છે કે આજકાલ આપણે છાતી પર તેનું અદ્રશ્ય પાટિયું લટકાવીને ચાલવા માંડ્યા છીએ! નાની-સૂની ઉપલબ્ધિઓને તો સમાજે હવે ગણકારવાનું પણ બંધ કરી દીધું છે. તેમને તો રસ છે, ભારે-ભરખમ સમસ્યાઓમાંથી પસાર થયેલા સફળ વ્યક્તિની ગાથા સાંભળવાનો! આ બાબત પર વિચાર કરી જોજો, આજથી એક દાયકા પહેલા આપણી માનસિકતા આવી હતી ખરી? કે પછી છેલ્લા પાંચ-સાત વર્ષમાં જ આપણા મગજને અજાયબ રીતે મોલ્ડ કરવામાં આવ્યા છે?

પગ કપાયેલ વ્યક્તિ પેઇંટિંગ કરતો હોય એ વાતમાં થ્રીલ નથી રહી. પણ બંને હાથ-પગ ખોઇ બેસેલો માણસ મોઢેથી પીંછી પકડી ચિત્રો દોરતો હોય એ ન્યૂઝ આપણને કેટલા બધા ઉત્તેજિત કરે છે! દિવસે ને દિવસે બીમારીને વધુ ગંભીર દેખાડીને તેમાંથી હમદર્દી હાંસિલ કરવાનાં આપણે આદી બની ગયા છીએ. આજે જે ફેશન મોડેલ વિશે આપણે વાત કરવાનાં છીએ એણે તો આ વાત સામે રીતસરનો બળવો પોકાર્યો છે!

કેનેડાનાં ટોરન્ટોમાં ૧૯૯૪ની સાલમાં જન્મેલી ૨૬ વર્ષીય વિન્ની હાર્લોને ચાર વર્ષની ઉંમરે ખબર પડી કે પોતાને કોઢ છે! ઉંમર વધવાની સાથે ધીરે-ધીરે આખા શરીર પર સફેદ ડાઘ વધતાં જશે અને તેનો કોઇ ઉપાય હજુ સુધી શોધાયો નથી. પછી તો સામાન્ય મોટિવેશનલ વ્યક્તિત્વોમાં હોય છે એમ, સ્કૂલમાં બાળકોએ તેને ખૂબ ચીડવી. ગાય-ઝીબ્રા કહીને તેનાં જાતજાતનાં નામો પાડ્યા! વિન્ની કોઇને ભૂલથી પણ અડકી ન જાય એ માટે તેને બીજા વિદ્યાર્થીઓથી દૂર બેસાડવામાં આવતી. ઇન શોર્ટ, ભેદભાવ અને પક્ષપાતની હદ કહી શકાય એ કક્ષાનું વર્તન તેની સાથે કરવામાં આવ્યું. આ બધી વાતો અને તેની સંઘર્ષગાથાનું પુનરાવર્તન કરીને મારે વિન્ની વિશેનાં આ લેખને સાવ ચીલાચાલું નથી બનવા દેવો.

મુખ્ય મુદ્દો છે, વિન્ની હાર્લોની સફળતા! દુઃખનાં ગાણા ગાયા વગર જે રીતે એ વ્યક્તિ પોતાની જિંદગીમાં આગળ વધી એનાં પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે. એનાં નાનપણનાં કષ્ટદાયક ફેઝમાંથી ફાસ્ટ-ફોરવર્ડ થઈને સીધા આપણે ૨૦૧૪ની સાલમાં આવીએ. વિન્ની હાર્લો ૧૯ વર્ષની થઈ ચૂકી છે. ફેશન મોડેલ બનવાનો તો તેનાં મનમાં વિચાર સુધ્ધાં નથી. પોતાની કાબેલિયતનો ઉપયોગ કરી તે ‘એન્ટરટેઇનમેન્ટ જર્નલિસ્ટ’ બનવા ઇચ્છે છે. શેનોન બૂદરમ નામનાં એક ઇન્ટરનેશનલ ટોરન્ટો ફોટોગ્રાફરનું ઇન્ટરવ્યુ કરતી વેળાએ તેનાં મગજમાં મોડેલ બનવાનું બીજ રોપાયું. શેનોન બૂદરમે તેને પ્રેરણા આપી કે તેનામાં ઉત્તમ ફેશન-મોડેલ બની શકવાનાં તમામ ફીચર્સ મોજૂદ છે!

કર્યુ એ કામ! તાત્કાલિક વિન્નીએ પોતાનાં સોશિયલ મીડિયાને શણગારવાનું શરૂ કરી દીધું. ક્લોથિંગ, સ્ટાયલિંગ, પોઝિંગ અને આકર્ષક બોડી-લેંગ્વેજ ધરાવતાં ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયા. કોઢની સફેદીથી ભરેલું ચકામાવાળું શરીર પણ હવે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા લાગ્યું. ફોલોઅર્સની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થવા માંડ્યો. વિન્નીનો ઉત્સાહ બમણો થઈ ગયો! એણે તો સ્વપ્નેય વિચાર્યુ નહોતું કે લોકો પોતાને આટલી બધી તવજ્જુ આપશે.

૨૦૧૪માં અમેરિકાનાં સૌથી પોપ્યુલર ફેશન ટીવી શો ‘અમેરિકા નેક્સ્ટ ટોપ મોડેલ’ માટે કાસ્ટિંગ શરૂ થયા. વિન્ની હાર્લોને પણ તેમાં ભાગ લેવાની તમન્ના જાગી. પરંતુ કાસ્ટિંગ-ડિરેક્ટર્સ કોઢવાળી છોકરીને પોતાનાં શોમાં શા માટે લે? એટલે કોઇ રીતે મેળ નહોતો પડતો. અહીં વિન્નીનાં સોશિયલ મીડિયા ફોલોઅર્સ તેનાં કામમાં આવ્યા. વિન્નીએ તેમને વિનંતી કરી કે ‘અમેરિકા નેક્સ્ટ ટોપ મોડેલ’નાં પ્રોડ્યુસર તાયરા બેન્ક્સને પોતાનાં ફોટો સાથે ટેગ કરે. વિન્નીનાં ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સે એમ કર્યુ પણ ખરૂ અને જોગાનુજોગ, તાયરા બેન્ક્સનું ધ્યાન વિન્ની હાર્લોનાં ફોટોગ્રાફ પર ગયું. તેમણે તાત્કાલિક ધોરણે પોતાનાં શોનું સંચાલન કરી રહેલા લોકોને આદેશ આપ્યો કે, મને આ છોકરી કોઇ પણ ભોગે આપણા શોમાં દેખાવી જોઈએ!

વિન્નીની અત્યારસુધીની મહેનત રંગ લાવી. તેણે ટીવી ફેશન શોમાં ભાગ લીધો એટલું જ નહીં, પરંતુ ટોપ-૬ પ્રતિસ્પર્ધીઓની યાદીમાં સ્થાન પામી! કોઢ જેવા ચામડીનાં રોગને સાવ અવગણીને તે ફેશન-ઇન્ડસ્ટ્રીમાં એવા સ્થાન પર પહોંચી જ્યાં અન્યોનાં મોંઢે સંભળાતી નિંદા-કૂથલી કે ઠઠ્ઠા-મશ્કરી તેને હવે અસર નહોતી કરતી. વિશ્વનાં શ્રેષ્ઠ ફેશન-મેગેઝીનોમાં કવર-ગર્લ તરીકે ચમકવાથી માંડીને પ્રોમિનન્ટ, પ્રાઇમ ટાઇમ જેવા ટીવી શો અને રેપ-ગોડ એમિનમ-સિઆનાં મ્યુઝિક વીડિયો ‘ગટ્સ ઓવર ફીઅર’માં તેણે ખાસ અપિરિયન્સ આપ્યા! જીન્સ-ડેનિમ બ્રાન્ડ ‘ડીઝલ’ માટે તેને વર્લ્ડ-ફેમસ ફોટોગ્રાફર નિક નાઇટની મોડલ બનવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત થયું. લંડનમાં કરવામાં આવેલું આ ફોટોશુટ હાલ વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યું છે.

તાજેતરમાં એક બ્રિટિશ અખબારે તેનાં ફોટો સાથે છાપી માર્યુ કે, “કોઢથી પીડાતી વિન્ની હાર્લોએ સફળતાનાં શિખર સર કર્યા!” અને ખેલ ખલાસ! વિન્ની આ પેપર-કટિંગ વાંચીને એટલી રોષે ભરાઈ ગઈ કે તેણે પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર બ્રિટિશ પેપરની તો ઝાટકણી કાઢી નાંખી. તેણે લખ્યું કે, “બ્રિટિશ અખબાર સહિતનાં દરેક ટેબ્લોઇડ, મેગેઝીન સમાજનાં લોકોને હું કહેવા માંગુ છું કે નથી હું ‘કોઢ પીડિતા’ કે નથી ‘કોઢવાળી મોડેલ’! હું વિન્ની છું, હું મોડેલ છું, જેને સંજોગાવસાત કોઢ થયો છે. મારા તેમજ બીજા વિશે આવું લખવાનું બંધ કરો પ્લીઝ. હું પીડાઈ નથી રહી. અગર કોઇ વ્યક્તિ સફળ થઈ રહી છે તો તે પોતાની બિમારી પ્રત્યે ઉભી થયેલી હમદર્દીનો ઉપયોગ કરી જાણે છે એ વાત, રાધર માન્યતા સાવ ખોટી છે! મારી સમસ્યા મારો અંગત પ્રશ્ન છે, પરંતુ તેનાં લીધે મારા પ્રત્યેનાં દ્રષ્ટિકોણમાં કોઇ તફાવત ઉભો ન થવો જોઇએ.”

વિન્નીએ પોતાનાં ઇન્ટરવ્યુમાં ઘણી વખત કહ્યું છે કે તેને પોતાનાં કોઢથી જેટલી પરેશાની નથી થતી એટલી અખબારોની હેડલાઇન વાંચીને થાય છે. શા માટે સમાજ તેને દયાભરી દ્રષ્ટિથી જુએ છે? પોતે કોઇ બિચારી નથી અને બનવા માંગતી પણ નથી. પરેશાનીઓ અને સંઘર્ષનો સામનો કરીને પોતે આગળ આવી છે પરંતુ તેનો દેખાડો નથી કરવો! ‘કોઢ’ તેનાં જીવનનો એક ભાગ છે, તેની ઓળખાણ નહીં! મારા ને તમારા જેવા લોકો તરિયો-તાવ આવે તો પણ ગામ ગજાવી મૂકે છે. બિમારી કે રોગને વ્યક્તિત્વ પર હાવી ન થવા દઈએ તો સફળતા સામે ચાલીને માણસ તરફ આકર્ષાય છે. એકવીસમી સદીનો બોધ-પાઠ એ છે કે ફક્ત ભૌતિક રીતે જ નહીં, વ્યક્તિગત રીતે પણ આપણે અપડેટ થવાની જરૂર છે!

પોતાનું પ્રારબ્ધ બનાવનાર વિન્ની હાર્લોની સફળગાથા 

  • ૨૦૧૪ની સાલમાં ‘અમેરિકા નેક્સ્ટ ટોપ મોડેલ’ કર્યા બાદ વિન્ની હાર્લો કપડાંની એક સ્પેનિશ કંપની ‘દેસીગ્વલ’ માટે બ્રાન્ડ-એમ્બેસેડર બની.
  • ૨૦૧૫માં તે સ્પ્રિંગ-સમર કલેક્શન ધરાવતાં ‘લંડન ફેશન વીક’માં ‘એસિશ’ નામની ક્લોથિંગ બ્રાન્ડ માટે શો-સ્ટોપર બની.
  • ‘ગ્લેમર’ની સ્પેનિશ અને ઇટાલિયન એડિશન તેમજ ‘કોસ્મોપોલિટન’ની ગ્લોબલ એડિશન સહિતનાં ઘણા વિશ્વ-વિખ્યાત મેગેઝીન માટે તેણે મોડેલિંગ કર્યુ.
  • ૨૦૧૬માં તે સોફ્ટ-ડ્રિન્ક કંપની ‘સ્પ્રાઈટ’ની કમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ-ગર્લ બની.
  • બીબીસી દ્વારા પસંદ પામેલી ૧૦૦ પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં વિન્ની હાર્લોને મહત્વનું સ્થાન અપાયું.