Abtak Media Google News

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષના દેકારા વચ્ચે રૂ. 2 કરોડના ખર્ચે 56 ચેકડેમ-તળાવ રીપેર કરવાનો નિર્ણય કરાયો હતો. આ કામમાં અમારા વિસ્તારનો સમાવેશ ન કરાયાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.ભાજપ શાસિત જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગઈકાલે પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ચાલુ અંદાજપત્રમાં કરેલી જોગવાઇ અનુસાર સિંચાઇ વિભાગ હસ્તકના હયાત 56 ચેકડેમ, તળાવ રીપેર કરવા સ્વભંડોળમાંથી રૂ.2 કરોડનો ખર્ચ કરવાની સૈધ્ધાતિંક મંજૂરી આપવામાં આવી હતી. આ દરમ્યાન વિપક્ષ કોંગ્રેસના સભ્ય જે.પી. મારવીયાએ ચેકડેમ અને તળાવ રીપેરીંગના કામમાં વિપક્ષના સભ્યોના વિસ્તારોનો સમાવેશ ન કરાયાનો આક્ષેપ કર્યો હતો.

શાસકપક્ષના સભ્ય જ બોલ્યા, ‘અમારા કામો થતા નથી, વિસ્તારમાં કઈ રીતે જવું’

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શાસકપક્ષના સભ્યએ જ પોતાના કામો ના થતા હોવાનો બળાપો કાઢતા સામાન્ય સભામાં સોંપો પડી ગયો હતો.અધ્યક્ષે કહ્યું હતું કે, સ્ટાફ ઓછો હોવાથી કામમાં મોડું થયું છે, તમામના કામો થઈ જશે. આ સભામાં ખુદ શાસક પક્ષના સભ્ય હસમુખભાઈ કણઝારિયાએ પોતાના વિસ્તારના કામ ન થતાં હોવાની રજૂઆત કરી બળાપો કાઢ્યો હતો. સભ્યએ કહ્યું હતું કે, ’અમારે અમારા વિસ્તારમાં જવું કેમ?’ સામાન્ય સભામાં સામાન્ય રીતે વિપક્ષના સભ્યો સવાલો ઉઠાવતા હોય છે. પરંતુ, કામ ના થતા હોવાનો બળાપો શાસકપક્ષના સભ્યએ કાઢતી સામાન્ય સભામાં સોંપો પડી ગયો હતો.સભ્યના બળાપા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખે કહ્યું હતું કે, હાલ સ્ટાફની ઘટ હોવાથી કામમાં થોડું મોડુ થયું છે. આગામી દિવસોમાં તમામ બાકી કામો પૂર્ણ થઈ જશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.