જામનગર:જિલ્લાના 19 જળાશયોમાં 50%થી ઓછુ પાણી; ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીના એંધાણ

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુંનું વહેલું આગમન થયા બાદ વરસાદ ખેંચાયો છે. જેની સીધી અસર જળાશયોમાં પાણીની જળરાશીની પર જોવા મળી છે. કારણ કે, ગત વર્ષે ઓગષ્ટ મહિના એટલે કે દોઢ મહિનામાં 100 ટકાથી વધુ વરસાદ વરસતા જામનગર જિલ્લાના 24 માંથી 16 જળાશય 100 ટકા ભરાય ગયા હતાં. જયારે ચાલુ વર્ષે ફકત 2 જળાશયનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે 19 જળાશયોમાં હજુ 50 ટકાથી ઓછું પાણી હોય ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તંગીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસું ચાલુ થાય છે. ત્યારે વર્ષ-2020 માં 11 ઓગષ્ટની સ્થિતિએ એટલ કે ફકત દોઢ મહિનામાં 100 ટકાથી વધુ વરસાદથી જળાશયોમાં 10204 મીલીયન કયુબીક ફુટ પાણી હતું. જેની સામે ચાલુ વર્ષે ફકત 4001 મી.કયુ.ફુટ જળરાશી જળાશયોમાં છે. ત્યારે જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો જળાશયો નહીં ભરાય તો ખેતીમાં સિંચાઇ માટે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની તંગીની શકયતા પણ નકારી શકાતી નથી

જિલ્લાના જળાશયો પર ગત વર્ષે ઓગષ્ટ મહિના સુધીમાં 16 થી 40 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વોડીસાંગ પર 40, ઉંડ-3 પર 38, ડાઇમીણસાર અને ફૂલઝર-2 પર 36 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે. જયારે ચાલુ વર્ષે ડેમસાઇટ પર ફકત 4 થી 19 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં બાલંભડી ડેમ પર 19, ઉંડ-4 ડેમ પર 14, ઉંડ-3 ડેમ પર 15 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે. જિલ્લાના અન્ય ડેમો પર ઓછો વરસાદ થયો છે જેના કારણે પાણીની આવક પણ ઓછી થઈ છે. આથી મોટાભાગના જળાશયો હજુ પુરા ભરાયા નથી.

વર્ષ-2020માં ઓગષ્ટ મહિના સુધીમાં જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા 15 ડેમ ઓવરફલો થયા હતાં. આટલું જ નહીં ઓવરફલો થયા બાદ પાણીની આવક ચાલુ રહેતા 15 ડેમની સપાટી પરથી સતત પાણી વહી રહ્યું હતું. જેમાં સસોઈ, પન્ના, ફુલઝર-1, સપડા, ફૂલઝર-2, ડાઈમીણસાર, રણજીતસાગર, આજી-4, રંગમતી, ઉંડ-2, વોડીસાંગ, રૂપાવટી, ફૂલઝર કોટડા બાવીસી અને વાગડિયા ડેમનો સમાવેશ થાય છે. જયારે ચાલુ વર્ષે 11 ઓગષ્ટની સ્થિતિએ એકપણ ડેમ ઓવરફલો નથી.