Abtak Media Google News

બીમાર બાળકીને સારવારને બદલે દાદીમા ઉટવૈદુ કરવા માટે ભૂવા પાસે લઈ ગયા લાંબી સારવાર બાદ બાળકીએ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત

આધુનિક ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધામાં ગરકાવ લોકો બાળકીને ભોગ બનાવી રહ્યા છે ત્યારે એકવીસમી સદીમાં પણ અઢારમી સદીની પ્રતીતિ કરાવતો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અંધશ્રદ્ધાના કારણે ફૂલ જેવી કોમળ બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ગાંધીધામની તરુણીને કમળો અને પેટનો દુખાવો થતાં પરિવારજનોએ તબીબ પાસે લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જતા તેને સળગતી અગરબત્તીના ડામ આપ્યા હતા. બાળકીને ડામ આપતા તેની હાલત વધુ કફોડી થતા આખરે પરિવારજનોએ તરુણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરી છે. જ્યાં તેણીએ ગત રાતે દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામમાં રહેતા અને ડ્રાઈવિંગનું કામકાજ કરતા રમેશભાઈ રામશીભાઈ મોરવાડિયાની 11 વર્ષની પુત્રી જિજ્ઞાને પેટના ભાગે સળગતી અગરબત્તીના ડામ આપતા તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ અંગે તરૂણીના પિતા રમેશભાઈએ જણાવ્યા મુજબ જીજ્ઞાને આજથી દસેક દિવસ પહેલા તાવ આવ્યો હતો. જેના કારણે જીજ્ઞાને મંત્રાવવા માટે ભચાઉ ભૂવા પાસે લઈ ગયા હતા. જ્યાંથી આવ્યા બાદ બાળકીને તાવ આવતા દાદી ધમીબેન તેણીને ખેતી કરતા એકભાઈ પાસે બોરીયો કરાવવા લઈ ગયા હતા. જ્યાં અંધશ્રદ્ધામાં ગળાડૂબ પરિવારજનોએ બાળકીને સળગતી અગરબત્તીના ડામ દેવડાવ્યા હતા.

ફૂલ જેવી કોમળ બાળકીને ધગધગતી અગરબત્તીના ડામ આપતા તેણીની હાલત વધુ ગંભીર બની હતી. જેથી ઘરના સભ્યોને આખરે ભાન આવતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.  પરંતુ જ્યાં લાંબી સારવાર બાદ માસુમ બાળકીનું મોત નીપજતાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે.

આધુનિક જમાનામાં પણ અંધશ્રદ્ધામાં ગળા ડૂબ માણસોના કારણે માસુમ બાળકોના ભોગ લેવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હજુ પણ આ અંગે સજાગતા લાવવા માટે ઘણું કરવાની જરૂર છે. જીજ્ઞાના મોત બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ અંધશ્રદ્ધામાં જોડાયેલા તમામ લોકો સામે કાર્યવાહી કરવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.