Abtak Media Google News

 

  • સંતાન પ્રાપ્તિ અને બે પુત્રના જન્મ બાદ એકનું ડૂબી જવાથી મોત નીપજતાં દોરા ધાગા કરતા’તા
  • છ દિવસ પહેલા પૂર્વ ભાજપ અગ્રણીના મકાનમાં કામ કરતી પરિણીતાની હત્યા કરી પતિએ આપઘાત કર્યાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યારે વધુ એક ઘટનાથી લોકો સ્તબ્ધ
  • કુહાડીના ઘા ઝીંકી પરિણીતાને મોતને ઘાટ ઉતારી હત્યારા પતિએ બાબરા પંથકમાં ઝેરી દવા પી લીધી

૨૧મી સદીમાં જ્યારે લોકો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે અનેક શોધખોળ કરી રહ્યું છે ત્યારે કેટલાક લોકો હજુ પણ અંધશ્રદ્ધામાં ગળાડૂબ સુધી પહોંચી પોતાના જ પરિવારને હાની પહોંચાડી રહ્યા છે. તેવી જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અમરેલીના ખીજડીયા ગામમાં અંધશ્રદ્ધાના કારણે વધુ એક પરિવારનો માળો પિખાયો છે. જેમાં ખીજડીયાના દંપતીને સંતાન પ્રાપ્તિ ન થતા દોરા – ધાગા કરતા હતા. પરંતુ સંતાન પ્રાપ્તિ બાદ તેમનો એક પુત્રનું અકાળે મોત થતાં પતિ દ્વારા અંધશ્રદ્ધામાં વધુ ધ્યાન ખેંચાયું હતું. જેના કારણે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જેમાં ગઇ કાલે પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી પોતે ઝેરી દવા પી લીધી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

હજુ થોડા સમય પહેલા જ વિછિયા પાસે દંપતીએ અંધશ્રદ્ધામાં પોતાને બલીએ ચડાવી દીધાની ઘટના હજુ વિસરી નથી ત્યારે સૌરાષ્ટ્રમાં વધુ એક અંધશ્રદ્ધાના કારણે હત્યા અને આપઘાતનો પ્રયાસ થતાં ચકચાર મચી જવા પામ્યો છે.અત્રે ઉલ્લખનીય છે કે થોડા દિવસ પહેલા પણ અમરેલીમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘરમાં કામ કરતી મહિલાને તેના પતિએ સાતથી આઠ છરીના ઘા મારીને હત્યા કર્યા બાદ પોતે પણ દવા પી લઈને આપઘાત કરી લીધો હતો.ત્યારે વધુ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આ ઘટના અમરેલીના ખીજડીયા ગામની છે. જ્યાં રહેતી ગીતાબેન ગોવિંદભાઈ ડવેરા (ઉ.વ.૪૮)ની તેના પતિ ગોવિંદભાઈ લાખાભાઈ ડવેરા (ઉવ.પ૦)એ કુહાડીના ઉપરા ઉપરી સાતથી આઠ ઘા ઝીંકીને હત્યા કરી હતી. ૧૦ મેના રોજ રાત્રીના સમયે આ ઘટના બન્યા બાદ બીજા દિવસે લોકોને જાણ થઈ હતી અને ઘરમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે અમરેલીની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ આ બનાવ બન્યા બાદ તેના પતિએ પણ નવાણિયા ગામે જઈ ઝેરી દવા પીને આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં અમરેલીની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે વધુ વિગત આપતા પોલીસે જણાવ્યું હતું કે છ માસ પહેલા દંપતીનો એક પુત્ર અકાળે મૃત્યુ પામ્યો હતો. જ્યારે આરોપીના બે ભાઈઓ પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જેના કારણે અંધશ્રદ્ધા તરફ વળેલા ગોવિંદે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી પોતે પણ દવા ગટગટાવી હતી.

આ અંગે વધુ વિગતો આપતા અમરેલીના ડિવાયએસપી ભંડારીએ જણાવ્યું કે, આ ઘટનામાં પણ પતિ પત્ની વચ્ચેનો ઘર કંકાસ કારણભૂત હોય તેવું પોલીસને પ્રાથમિક તપાસમાં લાગે છે. આરોપી અંધશ્રદ્ધામાં માનતા હતો. દોરા, ધાગા કરવા, માનતાઓ કરવી વગેરે કરતા હતા અને તેના કારણે પતિ પત્ની બન્નેને ઝઘડાઓ થતા હતા.

આરોપીએ ઝેર પીધા બાદ તેને હૉસ્પિટલ ખસેડાયો તે સમયે તેણે પોલીસને નિવેદન આપ્યું હતું અને પોતાનાથી આ ઘટના બની ગઈ હોવાનું કબૂલ્યું હતું તેમ પોલીસે જણાવ્યું છે. તો બીજી અંધશ્રદ્ધામાં ડૂબેલા પતિએ પત્નીની હત્યા કરી તેમાં બે શખ્સોએ પણ તેની મદદગારી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.