Abtak Media Google News

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, 5 જુલાઈએ યોજાનારી ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષાઓ રદ્દ અથવા મુલત્વી ન થવી જોઈએ કારણ કે, કોવિડ-19નું સંક્રમણ હવે ખુબજ ઓછુ થયું છે. આઈસીએઆઈએ જણાવ્યું હતું કે, આ પરીક્ષાઓ સીએ વિદ્યાર્થીઓને તેમની વ્યવસાયીક કારકિર્દી માટેની એક તક છે. જો કે આજે સુપ્રીમ કોર્ટે આઈસીએઆઈ પાસે પાંચ મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી છે અને આવતીકાલે સ્પષ્ટતા બાદ પરીક્ષા લેવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી હાથ ધરશે.

સ્પષ્ટતામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, પરીક્ષા દેતા ઉમેદવારો પાસે આરટીપીસીઆર સર્ટીફીકેટ હોવું જરૂરી છે, પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર કોરોના ગાઈડ લાઈનનું પાલન થવું જરૂરી છે તેમજ વર્ગખંડમાં એક બેંચ પર એક વિદ્યાર્થીને બેસાડવામાં આવે, વિદ્યાર્થીઓને પોતાની પસંદગીનું કેન્દ્ર પસંદ કરવા વિકલ્પ મળે, પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમીત હોય તો તેને ફરી પરીક્ષા દેવા મોકો મળે. આ તમામ સ્પષ્ટતા બાદ આવતીકાલે સુપ્રીમ ફરી સુનાવણી કરશે.

સીએની ફાઈનલ અને ઈન્ટરમીડીયેટ પરીક્ષાઓ 5 થી 20 જુલાઈ દરમિયાન અને ફાઉન્ડેશન પરીક્ષા 24 થી 30 જુલાઈ દરમિયાન યોજાવાની છે. આ માટે આજે સુપ્રીમ કોર્ટમાં ફેંસલો થવાનો હતો પરંતુ હવે આવતા સપ્તાહથી શરૂ થનારી પરીક્ષા માટે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આઈસીએઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી ટૂંકી નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ-19ના કેસની સંખ્યા આજની તુલનામાં  ઘણી ઓછી છે અને આ પરીક્ષા શેડયુલ મુજબ લેવામાં આવે તો ઉમેદવારોના હિતમાં નિર્ણય હશે જેથી પરીક્ષા રદ કે મુલત્વી ન થવી જોઈએ. આઈસીએઆઈને પરીક્ષાને 5 જુલાઈ માટે એસઓપીમાં મોડરેશન મેળવવા માટે 3 અલગ અલગ અરજીમાં અરજદારોને દ્વારા કરાયેલા સુચનોનો જવાબ આપવા જણાવાયું છે. જો કે હવે આવતીકાલે સ્પષ્ટ થઈ જશે કે, સીએની એકઝામ અગાઉ નક્કી થયેલા સમય મુજબ લેવામાં આવશે કે કેમ ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.