રાજ્યમાં આજથી ધો.3 થી 8ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી યોજાશે

શિક્ષણ વિભાગ દ્વારા ધો.3 થી 8ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીનો આજથી પ્રારંભ થયો છે. આ એકમ કસોટી 23 જુલાઈ સુધી યોજાશે. વિદ્યાર્થીઓએ ઉત્તરવહીના જવાબો લખ્યા બાદ 30 જુલાઈ સુધીમાં ઉતરવહીઓ શાળામાં જમા કરાવાની રહેશે. એકમ કસોટીના પ્રશ્નપત્રો અગાઉના વર્ષના લર્નિંગ આઉટ કમ્સને ધ્યાને રાખીને ત્યાર કરવામાં આવશે.

કોવિડ-19 સમયગાળા દરમિયાન વર્ષ 2021-22ના નવા શેક્ષણિક સત્રમાં રાજ્યની શાળાઓમાં ગત વર્ષની જેમ વિવિદ્ય માધ્યમથી હોમ લર્નિંગની પ્રક્રિયા અમલમાં મૂકી છે. હોમ લર્નિંગની સાથે મૂલ્યાંકન હેતુસર જુલાઈ 2021માં રાબેતા મુજબ લેવાનારા સામાયિક મુલ્યાંકન કસોટી અંગે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી ચાલુ માસે ધો.3 થી 8માં 16 જેટલી એકમ કસોટી લેવામાં આવશે.

આજથી શરૂ થનારી એકમ કસોટીમાં ધો.3થી 5માં 25 ગુણની પરીક્ષા જ્યારે ધો.6 થી 8માં 50 ગુણની પરીક્ષા લેવામાં આવશે. અન્ય માધ્યમ માટે ગુજરાતીના બદલે પ્રથમ ભાષાની કસોટી લેવામાં આવશે. અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી ભાષાના બદલે ગુજરાતી દ્વિતીય ભાષાની કસોટી લેવામાં આવશે.

આ મુલ્યાંકન કસોટીનો આજથી પ્રારંભ થઇ ગયો છે અને આગામી તારીખ 23 જુલાઈ સુધી આ કસોટી લેવામાં આવશે. કસોટીઓ વાલી અને વિદ્યાર્થીઓની અનુકૂળતાએ વિદ્યાર્થીઓ અને વાલીની દેખરેખ હેઠળ ઘરેથી લેવાય તે જોવાનું રહેશે.