Abtak Media Google News

દ્વૈષપૂર્ણ ભાષણ ભારતની બિનસાંપ્રદાયિકતાની છબીને ભારે હાનિ પહોંચાડનારૂ પરિબળ: સર્વોચ્ચ અદાલત

સુપ્રીમ કોર્ટે ભડકાઉ ભાષણને ગંભીર અપરાધ ગણાવ્યો છે અને ભડકાઉ ભાષણ આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ફરિયાદની રાહ નહીં જોવા રાજ્યોને આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને આદેશ આપતાં કહ્યું છે કે, કોઈની ધાર્મિક લાગણી દુભાય, બે ધર્મ વચ્ચે વૈમનશ્ય ફેલાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરવું તે અત્યંત ગંભીર અપરાધ છે જેના લીધે ભારતની બિનસાંપ્રદાયિકતાનું છબીને ભારે નુકસાની સર્જાય છે ત્યારે આ પ્રકારે ભડકાઉ ભાષણ આપનારાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થવાની રાહ જોયા વિના જ કાર્યવાહી કરવા અદાલતે આદેશ આપ્યો છે.

Advertisement

ભડકાઉ ભાષણને ’ગંભીર અપરાધ’ તરીકે ગણાવતા અદાલતે દેશના બિનસાંપ્રદાયિક માળખાને ભડકાઉ ભાષણ અસર કરી શકે છે તેવું નોંધ્યું છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને સૂઓમોટો પગલાં લેવા અને આવા ભાષણ કરનારાઓ વિરુદ્ધ કેસ નોંધવા નિર્દેશ આપ્યો છે.

અદાલતે 2022ના આદેશનો વ્યાપ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રથી આગળ લંબાવતા જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરથનાની બેન્ચે ઓથોરિટીને સ્પષ્ટ કર્યું હતું કે, કાર્ય કરવામાં કોઈપણ ખચકાટને સર્વોચ્ચ અદાલતની તિરસ્કાર તરીકે જોવામાં આવશે અને સામે પગલાં લેવામાં આવશે. ગેરરીતિ કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

અદાલતે ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્ય સરકારો દ્વેષપૂર્ણ ભાષણો સામે કાર્યવાહી કરવા માટે બંધાયેલી છે અને કોર્ટે આદેશ પસાર કર્યો છે કારણ કે સમસ્યાનો સામનો કરવા માટે કોઈ પગલાં લેવામાં આવી રહ્યાં નથી.  બેન્ચે પક્ષકારોને સુનાવણીમાં રાજકારણ ન લાવવા પણ કહ્યું હતું.

દલીલો કરવામાં આવી હતી કે, કોર્ટ એક અરજીના આધારે આદેશો પસાર કરી રહી છે જેમાં પસંદ કરેલા રાજ્યોમાં ચોક્કસ ધર્મને લગતી દ્વેષપૂર્ણ ભાષણની ઘટનાઓને પસંદ કરવામાં આવી હતી ત્યારે બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે તેનો નિર્દેશ ખોટા કામ કરનારાઓ સામે પગલાં લેવાનો છે તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના કાર્યવાહી થવી જોઈએ તેવું અદાલતે નોંધ્યું હતું.

અદાલતે કહ્યું કે, અમે બિનસાંપ્રદાયિક છીએ. અમને કોઈરાજકીય પક્ષો સાથે લેવા દેવા નથી. અમે ફક્ત ભારતના બંધારણને જ જાણીએ છીએ અને અમારી નિષ્ઠા બંધારણ અને કાયદાના શાસન પ્રત્યે છે.  અમે ધર્મને ધ્યાનમાં લીધા વિના કાર્યવાહી કરવાનો આદેશ આપી રહ્યા છીએ.

ખંડપીઠે કહ્યું, દ્વેષપૂર્ણ ભાષણ એ રાષ્ટ્રના માળખાને અસર કરતો ગંભીર અપરાધ છે અને તે આપણા પ્રજાસત્તાકના હૃદય અને લોકોની ગરિમા પર અસર કરનારું છે.

ભડકાઉ ભાષણ આપનારાઓ વિરુદ્ધ આઇપીસીની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવા આદેશ

સુપ્રીમ કોર્ટે રાજ્યોને આદેશ આપ્યો છે કે, જ્યારે કોઈપણ ભાષણ અથવા કોઈપણ કાર્યવાહી થાય છે જે કલમ 153એ (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે દુષ્પ્રેરણ), 153બી (રાષ્ટ્રીય એકીકરણ માટે પ્રતિકૂળ નિવેદનો), 505 (જાહેર દુરાચારને પ્રેરિત કરતા નિવેદનો) અને આઈપીસીની 295એ (ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન) સહીતની કલમો હેઠળ કેસ નોંધવા અને ગુનેગારો સામે કાયદા અનુસાર કાર્યવાહી કરવા માટે સુઓ મોટુ પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા છે. અદાલતે કહ્યું કે, અમે વધુમાં સ્પષ્ટ કરીએ છીએ કે ધર્મ અથવા નિવેદન આપનારના ધર્મને ધ્યાનમાં લીધા વિના કાર્યવાહી કરવામાં આવે તે સિનિશ્ચિત થવું જોઈએ.

કાર્યવાહી નહીં કરવા બદલ જવાબદારો સામે પગલાં લેવામાં આવશે!!

બેન્ચે કહ્યું કે, કાયદાના શાસન સાથે કોઈને રમવાની મંજૂરી આપવી જોઈએ નહીં અને રાજ્યોએ ભડકાઉ ભાષણને રોકવા માટે સમયસર પગલાં લેવા જોઈએ. કડક સંદેશ મોકલતા અદાલતે કહ્યું કે, તેઓ પણ દ્વેષપૂર્ણ ભાષણના કેસોમાં તેમની ફરજ નિભાવવામાં નિષ્ફળતા માટે બક્ષવામાં આવશે નહીં. સર્વોચ્ચ અદાલતે ઓક્ટોબરમાં ચુકાદો આપ્યો હતો કે તેમની નિષ્ક્રિયતાના કિસ્સામાં તેમને અદાલતના તિરસ્કારનો સામનો કરવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.