Abtak Media Google News

સુરતની કાપોદ્રા પોલીસને બંધ મકાનમાંથી ગેસના બાટલાની ચોરી કરતા એક ઈસમને પકડવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને 25 જેટલા ગેસના બાટલા જપ્ત કર્યા છે. આરોપી કાપોદ્રા અને શહેરના અલગ અલગ વિસ્તારમાં બંધ મકાનને ટાર્ગેટ કરી તેમાંથી ગેસની બોટલોની ચોરી કરતો હતો

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI પી.જી. ડાયરા અને તેમની ટીમના માણસો અનડીટેકટ ગુના શોધવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે કાપોદ્રા પોલીસે રમેશ પરમાર નામના એક ઈસમને ઝડપી પાડ્યો હતો. રમેશ પરમાર બંધ મકાનમાંથી ગેસના બાટલાની ચોરી કરતો હતો. પોલીસે જ્યારે આરોપીને ઝડપી પાડ્યો ત્યારે તેની પાસે એક ગેસની બોટલ હતી. જેથી પોલીસે ગેસના બાટલાના ઓરીજનલ બિલ, ચલણ કે પછી અન્ય માલિકીના પુરાવા માગતા આરોપી રમેશ પરમાર પાસે કોઈ પણ પુરાવો મળી આવ્યો ન હતો. તેથી પોલીસે આરોપી રમેશ પરમારની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી બપોરે તેમજ રાત્રિના સમયે બંધ મકાનના દરવાજા ચાવી વડે ખોલી ઘરની અંદરથી ગેસના બાટલાની ચોરી કરતો હતો.

Screenshot 15 2

કાપોદ્રા પોલીસ દ્વારા આરોપી રમેશ પરમાર પાસેથી 25 જેટલા ગેસના બાટલા કબજે કરવામાં આવ્યા હતા. જેની કિંમત 63,500 રૂપિયા થવા પામે છે. આ ઉપરાંત આરોપી ચોરી કરતા સમયે જે મોટર સાયકલનો ઉપયોગ કરતો હતો તે મોટર સાયકલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આમ પોલીસે 25 ગેસની બોટલ અને મોટર સાયકલ કુલ મળીને 88,500ના મુદ્દામાલ સાથે આરોપી રમેશ પરમારની ધરપકડ કરી છે.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી હીરામાં મજૂરી કામ કરે છે અને તે કતારગામના ચીકુવાડી આશ્રમ પાસે મગનનગર સોસાયટીમાં રહે છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી રમેશ પરમારને પૈસાની જરૂરિયાત હોવાના કારણે ગેસની બોટલોની ચોરી કરતો હતો. આ આરોપી રમેશ પરમાર ગેસની બોટલોની ચોરી કરતો હોય તેવા CCTV કેમેરાના ફૂટેજ પણ પોલીસના હાથે લાગ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.