Abtak Media Google News

ઘુડખર કે સબરસ ?

કચ્છના નાના રણમાં અંદાજીત 20 હજાર અગરિયાઓ પકવે છે મીઠું

ગુજરાત હાઈકોર્ટે બુધવારે કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે મીઠું પકવવાની ફરિયાદ કરતી પીઆઈએલ અંગે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, પર્યાવરણને સુધારવા અને કચ્છના નાના રણની ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવા માટેની પ્રવૃત્તિઓને રોકવાની માંગણી કરી હતી.

હવે બીજી બાજુ અગરિયાઓ અને મીઠાના ઉત્પાદન તરફ નજર કરવામાં આવે તો પ્રાપ્ત વિગત અનુસાર આ વિસ્તારમાં અંદાજીત 15 થી 20 હજાર અગરિયાઓ તેમજ અંદાજીત 50 હજાર પરિવાર વસવાટ કરે છે. અગરિયાઓ કચ્છના નાના રણમાં વાર્ષિક 5 થી 6 લાખ ટન મીઠાનું ઉત્પાદન કરે છે જે રાજ્યની કુલ જરૂરિયાતનો 70% જેટલો હિસ્સો ધરાવે છે. ત્યારે જો અગરિયાઓને આ વિસ્તારમાંથી ખદેડવામાં આવે તો ચોક્કસ રાજ્યમાં સબરસની ભારે અછત વર્તાઈ શકે છે.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આશિષ દેસાઈ અને ન્યાયાધીશ બીરેન વૈષ્ણવની ખંડપીઠે રાજ્યના વન અને મહેસૂલ વિભાગો પાસેથી અભયારણ્ય અને બફર ઝોનમાં ખાણકામ અથવા મીઠાના ઉત્પાદનની પ્રવૃત્તિઓ કરવા માટે કેટલી લીઝ અને લાયસન્સ આપવામાં આવ્યા છે તેનો અહેવાલ પણ માંગ્યો છે અને આવા કેટલા ઉદ્યોગો પ્રતિબંધિત ઝોનમાં અસ્તિત્વમાં છે તેનો અહેવાલ પણ માંગ્યો છે. ખંડપીઠે 24 એપ્રિલ સુધીમાં એફિડેવિટનો રિપોર્ટ માંગ્યો છે.

દરમિયાન ખંડપીઠે અરજદારોને અખબારોમાં જાહેરાત પ્રકાશિત કરવાની મંજૂરી આપી છે જેમાં મીઠાનું ઉત્પાદન અને ખાણકામની પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોને આ પીઆઈએલ પર હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી વિશે 15 દિવસની નોટિસ આપવામાં આવી છે. કોર્ટે અવલોકન સાથે કર્યું છે કે, આ પીઆઈએલ કચ્છ, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા ચાર જિલ્લાઓમાં ફેલાયેલા વિસ્તારના ઘણા લોકોને અસર કરી શકે છે.

આ કિસ્સામાં ચાર અરજદારોએ હાઇકોર્ટને વિનંતી કરી છે કે રાજ્ય સરકારના વિભાગોને વિવિધ પર્યાવરણ સુરક્ષા કાયદાઓનું ઉલ્લંઘન કરીને કચ્છના નાના રણ અને તેની આસપાસ મીઠાના તવાઓ બનાવીને મીઠાના ઉત્પાદનને મંજૂરી ન આપવાનો નિર્દેશ આપવામાં આવે.  તેમણે દલીલ કરી છે કે, અભયારણ્યની અંદર મીઠાના ઉત્પાદનની પ્રવૃત્તિઓ પર્યાવરણીય સંતુલનને ખલેલ પહોંચાડે છે અને સત્તાધીશોને પરવાનગીઓ અને લાઇસન્સ રદ કરવા નિર્દેશિત કરવા જોઈએ. તેમના વકીલો અંગેશ અને અમિત પંચાલે કોર્ટ સમક્ષ સેટેલાઇટ ઇમેજ રજૂ કરી હતી જે દર્શાવે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં અભયારણ્યમાં ઉદ્યોગો કેવી રીતે વિકસી રહ્યાં છે.

પીઆઈએલ રાજ્ય સરકાર દ્વારા મીઠાની ખેતીની બિન-જંગલ પ્રવૃત્તિઓ અને જરૂરી અને કાનૂની પરવાનગી વિના ખનીજના ગેરકાયદે પ્રત્યાર્પણને રોકવા માટે તાત્કાલિક કાનૂની પગલાંની માંગ કરે છે. આ એશિયાટિક ઘુડખરની સંવેદનશીલ પ્રજાતિઓના હિતમાં હશે, જેને 2009માં ઇન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર દ્વારા રેડ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે, તેવો અરજદારે દાવો કર્યો હતો.

રાજ્યની સબરસની કુલ જરૂરિયાતનો 70% હિસ્સો ફક્ત કચ્છના નાના રણમાં જ પકવવામાં આવે છે : ચકુજી ઠાકોર

કચ્છના નાના રણમાં પકવાતું મીઠું કુલ જરૂરિયાતનો 70% હિસ્સો

અગરીયા ડેવલોપમેન્ટ ગ્રૂપ (અડગ) ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચકુજી ઠાકોરે અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, ફક્ત કચ્છના નાના રણ વિસ્તારમાં જ મીઠાનું અંદાજીત વાર્ષિક 6 લાખ ટન ઉત્પાદન કરવામાં આવે છે જે રાજ્યની કુલ જરૂરિયાતની 70% પૂર્તિ કરે છે. બીજી બાજુ આ વિસ્તારમાં આશરે 20 હજાર અગરિયાઓનું અસ્તિત્વ છે. તેમણે જણાવ્યું હતું કે, કચ્છના નાના રણમાં જે મીઠું પકવવામાં આવે છે તે મીઠું જ સ્વાદિષ્ટ એટલે કે વડાગર મીઠું હોય છે. તે સિવાય દરિયા કાંઠે પકવવામાં આવતું મીઠું વધુ ખારું હોવાથી સ્વાદિષ્ટ રહેતું નથી. તેમણે કહ્યું હતું કે, અભ્યારણનું અસ્તિત્વ થોડા વર્ષો પૂર્વે જ આવ્યું છે પરંતુ અગરિયાઓ પેઢી દર પેઢી આ વિસ્તારમાં મીઠું પકવતા આવ્યા છે અને તેમ છતાં પણ અગરિયાઓ ઘુડખર કે અન્ય પ્રાણી શ્રુષ્ટિ માટે કોઈ પણ જાતનું જોખમ નોતરતા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઘુડખર અને અગરીયા આ વિસ્તારમાં મિત્રોની જેમ વસવાટ કરે છે જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં ઘુડખરની વસ્તીમાં પણ વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.