Abtak Media Google News

 

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાએ રખડતાં ઢોરના ત્રાસથી શહેરને મુક્ત કરવા માટે સામાન્ય સભામાં રૂ. 50 લાખની જોગવાઈ કરી છે. પાલિકા વિસ્તારમાં 4 હજાર જેટલાં રખડતાં ઢોર પકડવા માટે 15 જણાની ટીમ કામે લગાડાઈ છે. પાલિકાએ રખડતાં ઢોર પકડીને પાંજરાપોળોમાં ખસેડવાની વાત કરી છે પરંતુ સંચાલકો સ્વીકારતા ન હોવાથી આ પશુઓને પકડીને ક્યાં રાખવા, તે પ્રશ્ન પાલિકા સામે ઊભો થયો છે.સુરેન્દ્રનગર-દુધરેજ- વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં રખડતાં ઢોરની કાયમી સમસ્યા રહી છે, જેમાં ઉપયોગી ન રહેતા છોડી મુકાયેલા અથવા ખુલ્લા મુકેલા રખડતાં ઢોર રસ્તાની વચ્ચોવચ્ચ બેસી રહેતા અને શાકમાર્કેટ સહિત રોડ પર ટોળે વળી અડીંગો જમાવતા રાહદારી અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

જ્યારે સંયુક્ત પાલિકામાં વઢવાણ ભળતાં વિસ્તાર વધીને 42.67 ચોકિમી વિસ્તારમાં પાલિકા ફેલાઈ છે ત્યારે જોડિયાં શહેરોમાં 1500થી વધુ આખલા, 2500થી વધુ ગાયો એમ 4 હજારથી વધુ રખડતા ઢોર છે. આથી અવારનવાર પાલિકા દ્વારા રખડતાં ઢોર પડકવાની કામગીરી હાથ ધરાય છે પરંતુ હાલ પાંજરાપોળ દ્વારા પશુઓ ન સ્વીકારાતાં તેમને રાખવા પાલિકાના સ્થળે વ્યવસ્થા કરવી પડે છે. આ માટે તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં 50 લાખ ફાળવાયા હતા. આ અંગે ઢોર પકડનાર છેલાભાઇ મકવાણા જણાવ્યુ કે 15 જણની ટીમ કામ કરે છે જેમાં 10 લોકો બે વાહનો લઈ ઢોર પકડે છે. જે રતનપર પાણીની ટાંકી પાસેની જગ્યાએ રખાય છે પાંચ લોકો તેમને સાચવવા કામે લગાવાયા છે. અત્યાર સુધીમાં 300 જેટલા પશુ પકડી થાન વીડી બાજુ મુકાયા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.