Abtak Media Google News

બીજા દેશો ઉપર નજર રાખવા ચીનના નવા નવા ત્રાગા

જાસૂસી બલૂન મળતા  ચીન અને અમેરિકાના સંબંધો વધુ વણસ્યા : અગાઉ ગુપ્ત પોલીસ મથક પણ ઝડપાયું હતું

અબતક, નવી દિલ્હી : અમેરિકામાં ચીનનું જાસૂસી બલૂન દેખાતા બન્ને દેશો વચ્ચે સબંધ વધુ વણસવા લાગ્યા છે. ચીન ટેક્નોલોજીના સહારે વિશ્વના અનેક દેશોમાં જાસૂસી કરી રહ્યું હોવાના આક્ષેપો હાલ ઉઠી રહ્યા છે.આ પૂર્વે જ અમેરિકામાં ચીનનું ગુપ્ત પોલીસ મથક પણ મળી આવ્યું હતું.

અમેરિકામાં  શંકાસ્પદ ચીની બલૂન દેખાયા બાદ અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી ગયો છે. જાસૂસી બલૂન વિશેના પ્રશ્નના જવાબમાં, બ્લિંકને જણાવ્યું હતું કે, “એ વાત પર ભાર મૂકવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કે યુએસ પર આ સર્વેલન્સ બલૂનની ​​હાજરી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને તે સ્પષ્ટપણે અસ્વીકાર્ય છે.” એવી પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું છે જે હેતુને નબળી પાડે છે. પેન્ટાગોને શુક્રવારે જણાવ્યું હતું કે, મધ્ય અમેરિકામાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યો છે. અમેરિકાએ ચીનના દાવાને ફગાવી દીધો છે કે તેનો ઉપયોગ દેખરેખ માટે કરવામાં આવી રહ્યો નથી.

ચીને દાવો કર્યો હતો કે બલૂનનો ઉપયોગ મુખ્યત્વે હવામાન સંશોધન માટે કરવામાં આવી રહ્યો છે.  પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી બ્રિગેડિયર જનરલ પેટ રાયડરે બલૂન ક્યાં છે અને તેને તોડી પાડવાની કોઈ યોજના છે કે કેમ તે અંગે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.  યુએસ આર્મીએ બલૂનને નીચે મારવાના વિકલ્પને નકારી કાઢ્યો હતો.  રાઈડરે કહ્યું કે તે લગભગ 60,000 ફૂટની ઉંચાઈ પર છે અને હાલમાં તેનાથી કોઈ ખતરો નથી.

અમેરિકા બાદ લેટિન અમેરિકામાં પણ દેખાયું જાસૂસી બલૂન

અમેરિકા બાદ હવે લેટિન અમેરિકામાં પણ ચીની જાસૂસી બલૂન દેખાયો છે.  પેન્ટાગોને શુક્રવારે રાત્રે એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે.  પેન્ટાગોનના પ્રવક્તા પેટ રાયડરે કહ્યું છે કે અમને એવા અહેવાલ મળ્યા છે કે લેટિન અમેરિકાના આકાશમાં એક બલૂન દેખાયો છે.  અમે માની રહ્યા છીએ કે આ અન્ય ચીની જાસૂસી બલૂન છે.

બલૂનને પગલે અમેરિકાના વિદેશમંત્રીએ ચીનનો પ્રવાસ રદ કરી નાખ્યો

ચીની જાસૂસી બલૂન એવા સમયે અમેરિકાના આકાશમાં દેખાયો જ્યારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ચીનની મુલાકાતે જવાના હતા.  હવે જાસૂસી બલૂનથી નારાજ અમેરિકાએ વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની ચીન મુલાકાત રદ કરી છે.  તેમજ ચીનના બલૂનને જોતા અમેરિકાએ તમામ સંવેદનશીલ ડેટા સુરક્ષિત કરી લીધો છે.

બલુનની સાઈઝ ત્રણ બસ જેટલી, તે એર સ્પેસથી ઊંચે હોવાના કારણે હાશકારો

બુધવારે આ ચીની જાસૂસી બલૂન અમેરિકાના મોન્ટાના વિસ્તારમાં જોવા મળ્યો હતો.  નોંધપાત્ર વાત એ છે કે આ વિસ્તારમાં યુએસ એરફોર્સ બેઝ છે, જ્યાં પરમાણુ મિસાઇલો પણ તૈનાત છે.  જાસૂસી બલૂન ત્રણ બસની સાઈઝનું છે અને તે સિવિલ એર ફ્લાઈટ્સની મર્યાદાથી ઉપર ઊડી રહ્યું છે.  પેન્ટાગોને કહ્યું છે કે નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ બલૂન પર નજર રાખી રહ્યું છે.  પેન્ટાગોને કહ્યું છે કે આ બલૂનથી હાલમાં જમીન પર રહેતા લોકો માટે કોઈ ખતરો નથી.  આ ચાઈનીઝ બલૂન નીચે લાવવામાં આવી રહ્યું નથી જેથી નીચે રહેતા લોકોને પરેશાની ન થાય.

અમારું બલૂન રસ્તો ભટકી ગયું : ચીનનો બચાવો

પેન્ટાગોને કહ્યું કે આ બલૂન ચીનથી અલાસ્કા નજીકના અલેયુટિયન ટાપુઓ પર આવ્યો હતો.  અહીંથી તે ઉત્તર પશ્ચિમ કેનેડા થઈને મોન્ટાના શહેરમાં પહોંચી છે.  ચીને આ વિશે કહ્યું છે કે આ બલૂન રસ્તો ભટકી ગયો હતો.  ચીને આ મુદ્દે શાંત રહેવાની અપીલ કરી છે.  અને કહ્યું કે આવા મુદ્દાઓ પર અમેરિકાનું વલણ બદલવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.